બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવો, ખેલાડીઓએ BCBના ડિરેક્ટરને કહ્યું - રાજીનામું આપો નહીંતર...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Bangladesh Cricket Board controversy 2026: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) એ સુરક્ષાના કારણોસર પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરીને મેચના સ્થળ બદલવાની માંગ કરી છે. જોકે, આ વિવાદ વચ્ચે હવે બાંગ્લાદેશના ખેલાડીઓએ જ પોતાના બોર્ડ સામે મોરચો ખોલી દીધો છે. આ આંતરિક કલહનું મુખ્ય કારણ BCB ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષ નજમુલ ઈસ્લામનું વિવાદાસ્પદ નિવેદન છે, જેમાં તેમણે ખેલાડીઓનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ છે.
ક્રિકેટર્સ વેલફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશ(CWAB)એ ગંભીર ચેતવણી આપી છે કે જો નજમુલ ગુરુવાર (15 જાન્યુઆરી)ના રોજ રમાનારી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ(BPL)ની મેચ પહેલા રાજીનામું નહીં આપે, તો ખેલાડીઓ ક્રિકેટ રમવાનો બહિષ્કાર કરશે.
નજમુલ ઇસ્લામનો વિવાદ: 'વર્લ્ડ કપ નહીં રમો તો નુકસાન ખેલાડીઓનું'
વિવાદ ત્યારે વકર્યો જ્યારે નજમુલે કહ્યું કે, 'જો બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તો બોર્ડને કોઈ નાણાકીય નુકસાન નહીં થાય, માત્ર ખેલાડીઓ તેમની મેચ ફી ગુમાવશે. આ સિવાય તેમણે પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને 'ભારતીય એજન્ટ' કહીને સંબોધ્યા હતા, કારણ કે તમીમે બોર્ડને ક્રિકેટને પ્રાથમિકતા આપીને ભારત જવા અંગે વિચારવાની સલાહ આપી હતી.'
વર્લ્ડ કપ ન રમવાથી બોર્ડને નહીં થાય કોઈ નુકસાન: નજમુલ ઈસ્લામ
નજમુલ ઈસ્લામે ખેલાડીઓ પ્રત્યે કડક વલણ અપનાવતા એમ પણ કહ્યું કે, 'બોર્ડ ખેલાડીઓને કોઈ વળતર આપશે નહીં. જો ખેલાડીઓ મેદાન પર પ્રદર્શન ન કરી શકે તો તેમના પર ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા શું બોર્ડ પાછા માંગે છે? બોર્ડ વગર ખેલાડીઓનું અસ્તિત્વ ટકવું મુશ્કેલ છે.' બોર્ડના આ અહંકારી વલણ અને અપમાનજનક ભાષાને કારણે બાંગ્લાદેશી ક્રિકેટરોમાં ભારે રોષ છે, જેના કારણે હવે બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અને આગામી વર્લ્ડ કપમાં તેમની ભાગીદારી જોખમમાં મૂકાઈ ગઈ છે.
આ પણ વાંચો: ખરાબ ફિલ્ડિંગ, બોલર્સનું આત્મસમર્પણ... રાજકોટ ODIમાં ટીમ ઈન્ડિયાની હારના કારણો
BPL પર સંકટ: ખેલાડીઓના બહિષ્કારથી કરોડોનું નુકસાન થવાની ભીતિ
ખેલાડીઓના આ આક્રમક વલણને કારણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ(BPL) પર જોખમ તોળાઈ રહ્યું છે. 15 જાન્યુઆરીએ રમાનારી મહત્ત્વની મેચોમાં જો ખેલાડીઓ મેદાન પર નહીં ઉતરે, તો બોર્ડની સાથે સાથે બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સને પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સ્થિતિની ગંભીરતાને જોતા BCBએ તાત્કાલિક ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. બોર્ડે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે નજમુલ ઈસ્લામનું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય હતો અને બોર્ડ તેની સાથે સહમત નથી.
ખેલાડીઓની લાગણી દુભાવા બદલ બોર્ડે ખેદ વ્યક્ત કર્યો
બોર્ડે ખેલાડીઓની લાગણી દુભાવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને ખાતરી આપી છે કે આ મામલે યોગ્ય તપાસ કરીને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. BCBએ સ્વીકાર્યું છે કે ખેલાડીઓ જ બાંગ્લાદેશ ક્રિકેટની ખરી તાકાત છે અને તેમનું સન્માન જાળવવું એ બોર્ડની પ્રાથમિકતા છે. હવે જોવાનું એ રહેશે કે શું બોર્ડની આ ખાતરી બાદ ખેલાડીઓ શાંત પડે છે કે પછી નજમુલ ઈસ્લામના રાજીનામાની જીદ પર અડગ રહે છે.








