Rajkot ODI IND vs NZ : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બુધવારે (14 જાન્યુઆરી) રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગને કારણે ટીમ ઈન્ડિયાને મેચ ગુમાવવી પડી અને સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ.
રાહુલની સદી એળે ગઈ, બોલરો નિષ્ફળ
પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની શાનદાર 112 રનની સદી અને શુભમન ગિલના 56 રનની મદદથી 7 વિકેટે 284 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્મા (24), વિરાટ કોહલી (23) અને રવીન્દ્ર જાડેજા (27) સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા.
285 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ડેરિલ મિશેલના અણનમ 131 અને વિલ યંગના 87 રનની મદદથી 47.3 ઓવરમાં જ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે રાજકોટના સ્ટેડિયમ પર પ્રથમ વખત કોઈ ટીમે રન ચેઝ કરીને મેચ જીતી હોય તેવો ઇતિહાસ પણ રચાયો.
હારનું મુખ્ય કારણ
મિશેલ-યંગની ભાગીદારી અને નબળી ફિલ્ડિંગ ભારતની હારનું સૌથી મોટું કારણ મિડલ ઓવરોમાં બોલરોનું નિષ્ફળ રહેવું અને ડેરિલ મિશેલ-વિલ યંગની ભાગીદારી તોડવામાં મળેલી નિષ્ફળતા હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 162 રનની મેચ-વિનિંગ ભાગીદારી કરી, જેણે ભારત પાસેથી મેચ સંપૂર્ણપણે છીનવી લીધી.
એક જ ઓવરમાં બે મોટી ભૂલો
મેચનો ટર્નિંગ પોઈન્ટ ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 36મી ઓવર રહી. કુલદીપ યાદવની આ ઓવરમાં ભારતે મેચમાં વાપસી કરવાની બે સુવર્ણ તક ગુમાવી હતી. ઓવરના બીજા બોલ પર ડેરિલ મિશેલનો રનઆઉટનો મોકો ચુકાયો હતો. તેના પછીના જ બોલ પર, જ્યારે મિશેલ 82 રને રમી રહ્યો હતો, ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ તેનો એક આસાન કેચ છોડી દીધો હતો.
આ જીવતદાન મળ્યા બાદ મિશેલે પાછું વળીને જોયું નહીં અને 96 બોલમાં પોતાની 8મી વનડે સદી પૂરી કરી. તે અંત સુધી અણનમ રહીને 117 બોલમાં 131 રન બનાવી ટીમને જીત અપાવીને જ પેવેલિયન પાછો ફર્યો. જો તે સમયે મિશેલ આઉટ થઈ ગયો હોત, તો મેચનું પરિણામ કદાચ ભારતની તરફેણમાં હોત. હવે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો રવિવારે ઈન્દોરમાં રમાશે.


