ભારત ટુર્નામેન્ટમાં ગમે તેવું રમ્યું હોય પણ અમારામાં તેમને હરાવવાની ક્ષમતા, બાંગ્લાદેશના કોચે બતાવ્યાં તેવર
Asia Cup 2025: એશિયા કપ સુપર-4માં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાશે. મેચ પહેલા બાંગ્લાદેશના હેડ કોચ ફિલ સિમન્સે તેવર બતાવતા કહ્યું છે કે, કોઈપણ અન્ય ટીમ ભારતીય ટીમને હરાવી શકે છે.
ભારતને કોઈ પણ હરાવી શકે છે
ફિલ સિમન્સે કહ્યું કે, 'બાંગ્લાદેશ ટુર્નામેન્ટની ફેવરિટ ટીમને ચકાસવા માટે ઉત્સુક છે. દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે. ભારતે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં કેવું રમ્યું તે મહત્વનું નથી. મેચના સાડા ત્રણ કલાક મહત્વપૂર્ણ રહેશે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું અને ભારતની ખામીઓ શોધવાનો પ્રયાસ કરીશું. આવી જ રીતે અમે મેચ જીતીએ છીએ. ભારત વિશ્વની નંબર વન T20 ટીમ છે, તેથી તેની સાથે થનારી મેચની હાઈપ હોય છે. અમે આ જ હાઈપનો ફાયદો ઉઠાવવા માગીએ છીએ.'
તેણે કહ્યું કે, 'સતત T20 અને વન-ડે મેચ રમવી ખૂબ જ મુશ્કેલ છે. તેનાથી શારીરિક તણાવ વધે છે, પરંતુ અમે સખત મહેનત કરી છે અને ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. જોકે, સતત T20 મેચ રમવી કોઈપણ ટીમ માટે ઠીક નથી. તે લોકોની વિચારોથી ઘણું વધારે મુશ્કેલ છે.
પોતાની ટીમને મજબૂત ગણાવી
હેડ કોચે કહ્યું કે, 'T20 ક્રિકેટ ઝડપથી આંકડા પર આધારિત થતી જાય છે. તે વધુ પડતા જોખમો લેવાને બદલે સ્પષ્ટતા અને સુસંગતતા પર કેન્દ્રિત છે. હું જ્યારથી અહીં છું ત્યારથી અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમે આ જ રીતે રમવા માંગીએ છીએ. અમે આ રીતે રમવા માટે યોગ્ય ખેલાડીઓ પસંદ કર્યા છે અને અત્યાર સુધી અમને તેનાથી ફાયદો થયે છે. તે સારું ચાલી રહ્યું છે.'
મુસ્તફિઝુર રહેમાનની પ્રશંસા કરતા ફિલ સિમન્સે કહ્યું કે, 'તેની ટીમ અહીં માત્ર શ્રીલંકા સામેની મેચ જીતવાના ઈરાદાથી નથી આવી. અમે અહીં ટુર્નામેન્ટ જીતવા માટે આવ્યા છીએ.' ભારત અને બાંગ્લાદેશ બંને જ બુધવારે એશિયા કપની પોતાની બીજી સુપર-4 મેચ રમશે.
આ પણ વાંચો: ક્યારેક ધોનીનું માથું વાઢેલી તસવીર તો ક્યારેક સ્ટંપથી મારપીટ, Ind vs Ban મેચના 5 વિવાદ
બાંગ્લાદેશે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. જીતનારી ટીમ લગભગ ચોક્કસપણે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. T20Iમાં ભારતનું પલડું બાંગ્લાદેશ પર ભારે છે. અત્યાર સુધી રમાયેલી 17 મેચોમાંથી, ભારત 16 વખત જીત્યું છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર એક જ મેચ જીત્યું છે.