ક્યારેક ધોનીનું માથું વાઢેલી તસવીર તો ક્યારેક સ્ટંપથી મારપીટ, Ind vs Ban મેચના 5 વિવાદ
Asia Cup 2025 Ind vs Ban: એશિયા કપ સુપર-4માં ટીમ ઈન્ડિયાનો મુકાબલો આજે બાંગ્લાદેશ સાથે છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આ બીજો સુપર-4 મુકાબલો છે. બાંગ્લાદેશે પણ શ્રીલંકાને હરાવીને પોતાની પહેલી સુપર-4 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં આજની મેચ જે પણ ટીમ જીતશે તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. તેથી આ મેચ ખૂબ જ રોમાંચક છે.
આ સાથે જ આ મેચમાં વિવાદ પણ જોવા મળી શકે છે. કારણ કે, પાકિસ્તાનની જેમ જ બાંગ્લાદેશ અને ભારતીય ટીમ આમને-સામને આવે છે ત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામો જોવા મળે છે. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ મુકાબલાના અસંખ્ય ઉદાહરણો છે. અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલથી લઈને સિનિયર ટીમો વચ્ચેની મેચોમાં આવી ઘટનાઓ બની છે. આજે, અમે તમને ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન થયેલા પાંચ મોટા વિવાદો વિશે જણાવીશું.
2020 અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ
2020માં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ ખૂબ અપશબ્દો બોલ્યા હતા. પરંતુ ટાઈટલ પોતાના નામે કર્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. મામલો એટલો ગરમાયો હતો કે, બંને ટીમના ખેલાડીઓ એક-બીજા સામે સ્ટમ્પ અને બેટ લઈને ઊભા થઈ ગયા હતા. વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી.
2015 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલમાં ભડક્યો હતો વિવાદ
ઢાકાના ફાસ્ટ બોલર રુબેલ હુસૈનની બોલ પર રોહિત શર્માને કેચ આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ અમ્પાયરે બોલને નો-બોલ જાહેર કર્યો. રિપ્લેમાં આ નિર્ણય ખોટો સાબિત થયો, જેનાથી બાંગ્લાદેશ ટીમ અને બોર્ડ ખૂબ નારાજ થયુ હતું. અંતે ભારતે આ મેચ 109 રનથી જીતી લીધી. પરંતુ આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ધોનીનું માથું વાઢેલી તસવીર
હવે 2016ના એશિયા કપની વાત કરીએ. ફાઈનલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થવાની હતી. ફાઇનલ પહેલા બાંગ્લાદેશી ચાહકોએ મહેન્દ્ર સિંહ ધોનીનું માથું વાઢેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ ઘટનાએ બંને ટીમો વચ્ચે તણાવ અને ભાવનાત્મક સંઘર્ષ ભડકાવી દીધો હતો.
જ્યારે વિરાટ કોહલી સાથે રુબેલ હુસૈને લીધો હતો પંગો
વિરાટ કોહલી અને રૂબેલ હુસૈન વચ્ચે ઘણી વાર દલીલો થઈ હતી. એક વાર રૂબેલે ગુસ્સાથી કોહલીને મેદાન છોડી જવાનો ઈશારો કર્યો હતો. આનાથી બંને દેશોના ચાહકો વચ્ચે માહોલ ગરમાયો હતો. બીજી તરફ 2022ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના નુરુલ હસને વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો. ICCના નિયમો પ્રમાણે જો આ સાબિત થયું હોત, તો ભારત પર 5 રનની પેનલ્ટી લાગી હોત. અને ભારતે માત્ર 5 રનથી આ મેચ જીતી લીધી હતી, જેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો હતો.
2011 અને 2015ના વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલી અને બાંગ્લાદેશના બોલર રૂબેલ હુસૈન વચ્ચે ઘણી વખત ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વાર તો રૂબેલે ગુસ્સામાં કોહલીને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. આવી ઘટનાઓએ બંને ટીમો વચ્ચેની પ્રતિસ્પર્ધાને વધુ તીખી બનાવી દીધી છે.
રુબેલનો આક્રમક જશ્ન
રુબેલનો 2011માં કોહલી સાથે વિવાદ થઈ ચૂક્યો હતો, અને 2015ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંનેની ફરી એક વખત ટક્કર થઈ. જ્યાં રુબેલે તેને મુશફિકુર રહીમના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારે કોહલી માત્ર આઠ બોલમાં ત્રણ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. કોહલી તેની નજીકથી પસાર થતાં જ રુબેલે આક્રમક અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.