Get The App

7 બેટ્સમેન 0 પર આઉટ, 27 રનમાં સમેટાયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
7 બેટ્સમેન 0 પર આઉટ, 27 રનમાં સમેટાયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો 1 - image


Australia vs West Indies: ઓસ્ટ્રેલિયાએ જમૈકામાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 176 રને હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ક વોરેલ ટ્રોફીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. ઓસ્ટ્રેલિયાના બોલર મિશેલ સ્ટાર્કે 7.3 ઓવરમાં 9 રન આપીને 4 મેડન્સ સાથે 6 વિકેટ લીધી અને સ્કોટ બોલેન્ડની હેટ્રિકથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને ફક્ત 27 રનમાં ઓલઆઉટ કરી દીધું, જે ટેસ્ટ ઇતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર છે. વેસ્ટ ઈન્ડિઝના નામે વધુ એક શરમજનક રેકોર્ડ એ નોંધાયો કે ટીમના 7 બેટ્સમેન 0 પર આઉટ થઈ ગયા હતા. ફક્ત ચાર જ ખેલાડીઓ ખાતુ ખોલાવી શક્યા હતા. ટોપના 6 બેટરે ફક્ત 6 રન કર્યા. 

વેસ્ટ ઈન્ડિઝ ટીમને 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 225 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઇનિંગમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલી ઇનિંગના આધારે 82 રનની લીડ મળી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનો બીજી ઈનિંગમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગયો. યજમાન ટીમને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ  વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો

મિશેલ સ્ટાર્કે ઈતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે વેસ્ટ ઈન્ડિઝને 27 રન સુધી રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની 100મી ટેસ્ટ મેચમાં બોલથી તબાહી મચાવી હતી અને વેસ્ટ ઈન્ડિઝના 6 બેટરની વિકેટ લીધી હતી. સ્ટાર્કે ફક્ત 9 રન આપીને આ સિદ્ધિ મેળવી હતી. તેમણે 15 બોલમાં 5 બેટરોને પેવેલિયન મોકલ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી ઝડપી પાંચ વિકેટ લેવાનો આ રેકોર્ડ છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર 

•વર્ષ 1955માં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડ 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

•વર્ષ 2025માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડીઝ 27 રનમાં રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

•વર્ષ 1896માં ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

•વર્ષ 1924માં ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા 30 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Tags :