Get The App

ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ટોપ ઓર્ડર ધરાશાયી, સિરાજનું બેડલક.... લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો 1 - image


IND vs ENG 3rd test : ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા ફક્ત 170 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે, ઈંગ્લેન્ડે 5 ટેસ્ટ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતના હારનું સૌથી મોટું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન હતું. ખાસ કરીને ટોપ ઓર્ડર બીજી ઇનિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ 5 કારણો ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર રહ્યા.

ટોપ ઓર્ડર બીજી ઇનિંગમાં નિષ્ફળ ગયો

લીડ્સ અને બર્મિંગહામ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરનાર શુભમન અને યશસ્વી આ વખતે બંને ઇનિંગમાં ફક્ત 39 રન જ બનાવી શક્યા. પ્રથમ બે ટેસ્ટમાં એક પણ અડધી સદી ન ફટકારી શક્યો તે કરુણ નાયર આ ટેસ્ટમાં 40 અને 16 રન બનાવીને આઉટ થઈ ગયો. આવી સ્થિતિમાં બધી આશા રાહુલ, પંત અને જાડેજા પર રહી ગઈ. રાહુલે 100 અને 39 રન બનાવ્યા અને જાડેજાએ 72 અને 61* રન બનાવ્યા, પરંતુ તેમને કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહીં.

પ્રથમ ઇનિંગની ભૂલો મોંઘી સાબિત થઈ

ભારતનો પ્રથમ ઇનિંગમાં સ્કોર 376/6 હતો પરંતુ પછીની 4 વિકેટ માત્ર 11 રનમાં પડી ગઈ. બીજી ઇનિંગમાં ટીમ 193 રનના સરળ લક્ષ્યનો પીછો કરી રહી હતી, પરંતુ પ્રથમ દિવસનો અંત 58/4 પર થયો. પાંચમા દિવસે, પ્રથમ સત્રમાં માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ. 112 રનમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ ભારતનો પરાજય નિશ્ચિત હતો.

જોફ્રા આર્ચરે ડાબા હાથના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા

4 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનારા જોફ્રા આર્ચરે ભારત માટે મોટી સમસ્યાઓ ઉભી કરી. પ્રથમ ઇનિંગમાં તેણે પહેલા જ બોલે યશસ્વીને આઉટ કર્યા. બીજી ઇનિંગમાં તેણે યશસ્વી, પંત અને સુંદરને આઉટ કર્યા. આર્ચરે ડાબા હાથના બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી. તેણે આ મેચમાં કુલ 5 વિકેટ લીધી અને આશ્ચર્યજનક વાત એ હતી કે તે બધી વિકેટ ડાબા હાથના બેટ્સમેનોની હતી.

પિચ મુશ્કેલ બનતી ગઈ

મેચ દરમિયાન લોર્ડ્સની પિચ મુશ્કેલ બનતી ગઈ. પહેલા દિવસે, જ્યાં 251 રન બન્યા અને 4 વિકેટ પડી (દરેક 63 રન માટે એક વિકેટ), પાંચમા દિવસે, પહેલા સત્રમાં 54 રનમાં 4 વિકેટ પડી, એટલે કે દરેક 14 રન માટે એક વિકેટ. તેથી, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી ઇંગ્લેન્ડ માટે ફાયદાકારક સાબિત થઈ.

સિરાજનું ખરાબ નસીબ

એક સમયે, ટીમ ઇન્ડિયાનો સ્કોર 112-8 હતો. આ પછી, બુમરાહ અને જાડેજા વચ્ચે અદ્ભુત ભાગીદારી થઈ. બુમરાહએ જાડેજાને સંપૂર્ણ ટેકો આપ્યો. બુમરાહએ 54 બોલ રમ્યા અને ફક્ત 5 રન બનાવ્યા. જ્યારે બુમરાહની વિકેટ 147 રન પર પડી, ત્યારે સિરાજે તેની ભૂમિકા ભજવી. સિરાજે પણ 30 બોલ રમ્યા. પરંતુ અંતે સિરાજનું ખરાબ નસીબ તેના પર હાવી થયું અને બોલ તેના પગને વાગ્યા પછી સ્ટમ્પ પર વાગ્યો. 

Tags :