Updated: May 25th, 2023
![]() |
Image:Twitte |
એશિયા કપ 2023ના આયોજનનો નિર્ણય આ અઠવાડિયાના અંત સુધીમાં લેવામાં આવી શકે છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે IPL 2023ની ફાઈનલ દરમિયાન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ IPL સિઝન-16ની ફાઈનલ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકઠા થશે. આ દરમિયાન એશિયા કપ 2023 અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન આ બેઠકનો ભાગ નહીં બને. આ વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે.
IPLની ફાઈનલ મેચ જોવા આવશે ટોચના અધિકારી
જય શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી એશિયા કપની યજમાની અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે IPLમાં વ્યસ્ત છીએ પરંતુ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ IPLની ફાઈનલ મેચ જોવા આવી રહ્યા છે. આ દરમિયાન અમે યોગ્ય સમયે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈશું. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ 2022 દરમિયાન જય શાહે જાહેરાત કરી હતી કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. ત્યાર બાદ પાકિસ્તાને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ 2023માં ભાગ ન લેવાની ધમકી આપી હતી.
પાકિસ્તાને કરી હાઈબ્રિડ મોડલની માંગણી
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ ACCની બેઠક થઈ જેમાં પાકિસ્તાન થોડું નરમ પડ્યું અને હાઇબ્રિડ મોડલની માંગણી કરી હતી. આ મોડલમાં બે વિકલ્પ હતા, પહેલો ભારતની બીજી મેચ ન્યુટ્રલ વેન્યુ અને બાકીની મેચ પાકિસ્તાનમાં રાખવાનો હતો. બીજા વિકલ્પમાં લીગ સ્ટેજની પ્રથમ ચાર મેચો પાકિસ્તાનમાં રમવાની હતી અને બાકીની તમામ મેચો ન્યુટ્રલ વેન્યુએ રમવાની હતી. પાકિસ્તાનને આ હાઈબ્રિડ મોડલ માટે ચાર દેશોનું સમર્થન મળ્યું છે. પરંતુ આ સ્પષ્ટ નથી થયું કે આ હાઈબ્રિડ મોડલમાં કયા વિકલ્પની પસંદગી કરવામાં આવી છે.