'આતંકીઓની જેમ...' મોહસીન નકવીની હાજરીમાં યુવકે ટ્રોફી વિવાદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Asia Cup 2025 Trophy Row: એશિયા કપ 2025ની વિજેતા ટ્રોફીને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના પ્રમુખ મોહસીન નકવી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદ વચ્ચે મોહસીન નકવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેમની બાજુમાં ઊભેલો એક વ્યક્તિ ભારત સામે અસંગત ટિપ્પણીઓ કરતો જોવા મળે છે અને નકવી હસતો હોય છે.
ટ્રોફી વિવાદ યથાવત્
મોહસીન નકવીએ ટ્રોફી હજી પણ તેમના કાર્યાલયમાં રાખી છે. નકવીનું કહેવું છે કે તે આ ટ્રોફી એક ભારતીય સભ્યને ઔપચારિક સમારોહ દરમિયાન સોંપવા માંગે છે. જો કે, BCCIએ તેમની આ માંગને સતત નકારી કાઢી છે અને ભારતીય બોર્ડના સભ્ય સિવાય અન્ય કોઈની પાસેથી ટ્રોફી સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
વાઇરલ વીડિયો અને વિવાદાસ્પદ ટિપ્પણી
વાઇરલ થયેલા વીડિયોમાં નકવીની બાજુમાં ઊભેલો વ્યક્તિ ટ્રોફી વિવાદ અંગે ભારતીય ટીમની ટીકા કરતો જોવા મળે છે અને મોહસીન નકવીના વલણની પ્રશંસા કરે છે.
તે વ્યક્તિએ કહ્યું કે, 'જ્યારે તે (નકવી) મેદાન પર ઊભો હતો અને ભારતીય ટીમ ટ્રોફી લઈ રહી ન હતી, ત્યારે તેણે ધીરજ દાખવી. તે ત્યાં જ ઊભો રહ્યો, તે ઇચ્છતો હતો કે તેઓ ત્યાંથી નીકળી જાય જેથી કોઈ બીજું ટ્રોફી લઈ શકે. પરંતુ તેને ખબર નહોતી કે આપણા ચેરમેન પણ મંત્રી છે. પછી તેણે ટીમ સાથે આતંકી જેવો વ્યવહાર કર્યો અને ટ્રોફી પોતાની કારમાં સાથે લઈ ગયા. હવે આખું ભારત ટ્રોફી પાછળ ભાગી રહ્યા છે.'
આ વ્યક્તિની ટિપ્પણીઓ સાંભળીને મોહસીન નકવી હસતા જોવા મળે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ચાહકો તેમજ નિષ્ણાતોમાં ચર્ચા જગાવી રહ્યો છે.

