Get The App

'ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર યાદવ ACCની ઑફિસે આવે...', મોહસીન નકવીની નવી નૌટંકી

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
'ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર યાદવ ACCની ઑફિસે આવે...', મોહસીન નકવીની નવી નૌટંકી 1 - image


Asia Cup 2025 Trophy Controversy: એશિયા કપ 2025ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો પરંતુ ટ્રોફી વિના ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી લઈને પોતાના હોટલ પરત ફર્યા.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મોહસીન નકવીને સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'ટ્રોફી ભારતને આપી દેવી જોઈએ.' મોહસીન નકવીએ BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાની અપીલને પણ ફગાવી દીધી હતી. રાજીવ શુક્લાએ મંગળવારે (30મી સપ્ટેમ્બર) ACC બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને રજૂ કરવાની ભારપૂર્વક માંગ કરી હતી, પરંતુ નકવીએ આગ્રહ કર્યો હતો કે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી લેવા માટે ACC ઑફિસમાં આવે.

નકવીનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ: દેવજીત સૈકિયા

બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીના વર્તનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના સામે ગણાવ્યું. તેમણે કહ્યું, 'અમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ. આ શરમજનક છે, અને અમને આશા છે કે ટ્રોફી ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.'

આ પણ વાંચો: 'ટ્રોફી તમારી નથી...' BCCIએ મોહસીન નકવીને ઠપકો આપ્યો, કહ્યુ ACC હેડક્વાર્ટરમાં મુકો

બીસીસીઆઇ અધિકારીઓએ આગ્રહ કર્યો કે એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં આવે. અહેવાલ અનુસાર, ACC મીટિંગમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આનો અર્થ એ થયો કે ભારતે એશિયા કપ 2025 જીતી લીધો હશે, પરંતુ ટ્રોફી મોહસીન નકવી પાસે જ રહેશે. આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સુધી પહોંચી શકે છે.

Tags :