એશિયા કપ 2025: ટીમ વિદેશી પણ ખેલાડી 'મેડ ઈન ઈન્ડિયા'! ઓમાન, હોંગકોંગ, UAEમાં જુઓ કેટલા ભારતીય
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, હોંગકોંગ અને યુએઈની ટીમ નવમી સપ્ટેમ્બરથી શરૂ થતા ટી20 એશિયા કપમાં રમી રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ઉપરાંત ભારતીય ટીમ 10મી સપ્ટેમ્બરે યુએઈ સામે પહેલી મેચ રમશે. નોંધનીય છે કે, આ ટુર્નામેન્ટમાં રમી રહેલી ઓમાન, હોંગકોંગ અને યુએઈની ટીમોમાં ઘણાં ખેલાડીઓ ભારતીય મૂળના છે.
ઓમાનની ટીમમાં ભારતીય મૂળના કેટલા ખેલાડીઓ છે?
ઓમાનના કેપ્ટન 36 વર્ષીય જતિન્દર મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી છે. તેણે વર્ષ 2015માં અફઘાનિસ્તાન સામે ટી20 ડેબ્યૂ કર્યું હતું. આ જમણા હાથના બેટરે 64 ટી20 મેચમાં 24.54ની સરેરાશથી 1399 રન બનાવ્યા છે. જ્યારે ઓમાનની ટીમનો વિકેટકીપર વિનાયક શુક્લા પણ ભારતીય મૂળનો છે. આ ઉપરાંત કરણ સોનાવલે, આર્યન બિષ્ટ, આશિષ ઓડેદરા પણ ભારતીય મૂળના છે. પાકિસ્તાની મૂળના આમિર કલીમ, મોહમ્મદ નદીમ, મોહમ્મદ ઇમરાન, નદીમ ખાન, શાહ ફૈઝલનો પણ ઓમાન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એશિયા કપ 2025 માં રમી રહેલી યુએઈ ટીમમાં ભારતીય મૂળના કેટલા ખેલાડીઓ છે?
મોહમ્મદ વસીમ એશિયા કપ 2025 માટે યુએઈ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં ભારતીય મૂળના આયન્શ શર્મા, ધ્રુવ પારાશર, હર્ષિત કૌશિક, રાહુલ ચોપરા, સિમરનજીત સિંહ અને કેરળના અલીશાન શરાફુનો પણ ટીમમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત યુએઈ ટીમમાં પાકિસ્તાની મૂળના આસિફ ખાન, હૈદર અલી, જુનૈદ સિદ્દીકીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને સુપર-4માં હરાવ્યું
હોંગકોંગ ટીમમાં ભારતીય મૂળના કેટલા ખેલાડીઓ છે?
એશિયા કપ 2025માં યાસીમ મુર્તઝા હોંગકોંગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તે પાકિસ્તાની મૂળનો છે. 34 વર્ષીય યાસીમ પાકિસ્તાનમાં ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે ભારતીય મૂળના અંશુમાન રથ હોંગકોંગ ટીમમાં છે. 27 વર્ષીય અંશુમાન ઓડિશા માટે રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છે. આ ઉપરાંત હોંગકોંગ ટીમમાં ભારતીય મૂળના આયુષ શુક્લા, કિંચિંત શાહનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાની મૂળના બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, આદિલ મહમૂદ, શાહિદ વાસિફ, અનસ ખાનનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2025માં અફઘાનિસ્તાનને હોંગકોંગ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ટાઇટલ મેચ 28મી સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગનો સામનો કરશે. આ વખતે એશિયા કપની મેચો સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે.