Get The App

એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને સુપર-4માં હરાવ્યું

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને સુપર-4માં હરાવ્યું 1 - image
Image Source: IANS

India vs Malaysia Hockey: બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે ભારતીય ટીમે 4 સપ્ટેમ્બર (ગુરુવાર)ના રોજ સુપર-4ની પોતાની બીજા મેચમાં મલેશિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેકસાગર પ્રસાદ (38મી મિનિટ)એ ગોલ કર્યા. ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં પહોંચવાની નજીક છે. હવે ભારતીય ટીમ 6 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ સુપર-4ની તેની છેલ્લી મેચમાં ચીનનો સામનો કરશે.

મલેશિયાએ મેચની શાનદાર શરૂઆત કરી અને રમતની બીજી મિનિટમાં જ લીડ મેળવી, જ્યારે શફીક હસને ભારતીય ડિફેન્ડરોને ડોજ કરીને શાનદાર ગોલ કર્યો. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં બરાબરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યો નહીં. ત્યારબાદ બીજો ક્વાર્ટર સંપૂર્ણપણે ભારતીય ટીમના નામે હતો. ક્વાર્ટરની બીજી મિનિટે મનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર રિબાઉન્ડની મદદથી ગોલ કરીને ભારતને બરાબરી અપાવી. પછી થોડા સમય પછી સુખજીત સિંહે ફિલ્ડ ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું. બીજા ક્વાર્ટરમાં શિલાનંદ લાકરા પણ ગોલ કરવામાં સફળ રહ્યા, જેનાથી સ્કોર 3-1 થયો. આ સ્કોર હાફ ટાઈમ સુધી રહ્યો.

હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્તમાન ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં તેની ત્રણેય મેચ જીતી હતી. પહેલા તેણે ચીનને 4-3થી હરાવ્યું. પછી જાપાનને 3-2થી હરાવ્યા બાદ, ભારતીય ટીમે કઝાકિસ્તાન સામે 15-0થી મોટી જીત નોંધાવી હતી. ભારતીય ટીમ પૂલ-Aમાં નંબર વન રહી.

ત્યારબાદ સુપર-ફોર સ્ટેજમાં ભારતનો પહેલો મેચ દક્ષિણ કોરિયા સામે હતો, જે 2-2થી ડ્રો રહ્યો. ભારત અને દક્ષિણ કોરિયા ઉપરાંત મલેશિયાને પણ સુપર-4 સ્ટેજમાં સ્થાન મળ્યું છે. બાકીની ચાર ટીમો જાપાન, ચાઇનીઝ તાઈપે, બાંગ્લાદેશ અને કઝાકિસ્તાન સુપર-4 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ શકી નથી.

ભારતીય હોકી ટીમે ત્રણ વખત (2003, 2007 અને 2017) એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાની ટીમે પણ આટલી જ વાર આ ખિતાબ જીત્યો છે. દક્ષિણ કોરિયા સૌથી વધુ વખત એટલે કે પાંચ વખત એશિયા કપ હોકીનો વિજેતા રહ્યો છે. એશિયા કપ ૨૦૨૫ની વિજેતા ટીમને આવતા વર્ષે હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળશે. આ ટુર્નામેન્ટ 14 થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાનારી છે.

એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમની ટીમ

• ગોલકીપર્સ: કૃષ્ણ બહાદુર પાઠક અને સૂરજ કરકેરા.

• ડિફેન્ડર્સ: સુમિત, જર્મનપ્રીત સિંહ, સંજય, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ અને જુગરાજ સિંહ.

• મિડફિલ્ડર્સ: રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ અને વિવેક સાગર પ્રસાદ.

• ફોરવર્ડ: મનદીપ સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક નૈન અને સુખજીત સિંહ.

Tags :