એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ રમાશે? જાણો સમીકરણ
Asia Cup 2025 : એશિયા કપ-2025માં ભારતીય ટીમનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 10 સપ્ટેમ્બરે યુએઈને હરાવ્યા બાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ મેળવી લીધા છે, જ્યારે પાકિસ્તાનની ટીમ બે પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ક્રિકેટ રસિયાઓએ ભારત-પાકિસ્તાનની એક મેચ જોઈ લીધા બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું બંને દેશો ફરી સામસામે ટકરાશે? ટીમ ઈન્ડિયાએ ચાર પોઈન્ટ મેળવીને સુપર-4માં એન્ટ્રી પાક્કી કરી લીધી છે, જોકે પાકિસ્તાન મામલે પેચ ફસાયેલો જોવા મળી રહ્યા છે.
ભારત પોઈન્ટ ટેબલમાં મોખરે
ભારત-પાકિસ્તાન એશિયા કપના ગ્રૂપ-એમાં છે. ભારતે ચાર પોઈન્ટ મેળવી લીધા હોવાથી સુપર-4માં આવી ગયું છે. પાકિસ્તાનની વાત કરીએ તો આ ટીમ પણ સુપર-4માં જઈ શકે છે, પરંતુ તે માટે કેટલાક સમીકરણ સમજવાની જરૂર છે. એશિયા કપના ગ્રૂપ-એમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત યુએઈ અને ઓમાન પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં યુએઈને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં ઓમાનને હરાવ્યું હતું.
યુએઈ અને ઓમાનની મેચ ખૂબ જ મહત્ત્વની
યુએઈ અને ઓમાન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. જો યુએઈની ટીમ આજે જીતી જસે તો તેના બે પોઈન્ટ થઈ જશે. ત્યારબાદ યુએઈ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે, જો તે પાકિસ્તાનને હરાવી દેશે તો તેના ચાર અંક થઈ જશે, જ્યારે પાકિસ્તાનના માત્ર બેના બે જ અંક રહેશે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે, ભારત-યુએઈ ટીમ સુપર-4માં જશે અને પાકિસ્તાન બહાર ફેંકાઈ જશે. બીજીતરફ જો પાકિસ્તાન યુએઈને હરાવશે તો તેના કુલ ચાર પોઈન્ટ થઈ જશે.
21 સપ્ટેમ્બરે ગ્રૂપ-એની ટોપ-2 ટીમો વચ્ચે રમાશે મેચ
એશિયા કપ લીગમાં અંતિમ મેચ 19 સપ્ટેમ્બરે ભારત-ઓમાન વચ્ચે રમાવાની છે, ત્યારબાદ 21 સપ્ટેમ્બરથી સુપર-4ની મેચો શરૂ થશે, જેમાં ગ્રૂપ-એની ટોપ-2 ટીમો વચ્ચે મેચ રમાશે. એટલે કે ટીમ ઈન્ડિયા આ દિવસે અન્ય ટીમ સામે ટકરાશે. હવે આ ટીમ યુએઈ પણ હોઈ શકે છે અથવા પાકિસ્તાન પણ હોઈ શકે છે. જોકે આ હજુ નક્કી નથી. ટીમ ઈન્ડિયાની આગામી મેચ ઓમાન સાથે રમાવાની છે, જેમાં ભારત જીતશે તો તેના કુલ છ પોઈન્ટ થઈ જશે અને સુપર-4માં એન્ટ્રી કરી લેશે. હવે યુએઈ વિરુદ્ધ ઓમાનની મેચ પર સૌની નજર રહેશે. કારણ કે જો યુએઈ જીતી જશે તો આગામી પાકિસ્તાન-યુએઈની મેચ રસપ્રદ જોવા મળવાની છે.