Ashok Sharma: શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય-નેશન વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા-A પોતાની નબળી બોલિંગના કારણે બે મેચ હારી ગઈ છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક ફાસ્ટ બોલરને શ્રીલંકા મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બોલર બીજું કોઈ નહીં પરંતુ IPL 2026માં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર ગુજરાત ટાઇટન્સનો પેસર અશોક શર્મા છે, જેને રિપ્લેસમેન્ટ તરીકે શ્રીલંકા મોકલવામાં આવ્યો છે. મંગળવાર એટલે કે 16 જૂનના રોજ જ તે શ્રીલંકા પહોંચી ગયો છે અને આગામી મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. આ અંગેની માહિતી ખુદ BCCIએ આપી છે.
ગુજરાત ટાઇટન્સના આ સ્ટાર બોલરની અચાનક એન્ટ્રી
ગુજરાત ટાઇટન્સના ખૂંખાર પેસર અશોક શર્માને શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાય-નેશન સિરીઝ માટે ઈન્ડિયા-Aમાં એન્ટ્રી મળી છે. BCCIએ ઈજાગ્રસ્ત યુધવીર સિંહ ચરકના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે, જેના સ્થાને હવે આગળની સિરીઝમાં અશોક શર્મા રમશે. યુધવીર સિંહ ચરક ઈજાના કારણે આ સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ જણાવ્યું કે, 13 જૂનના રોજ બોલિંગ કરતી વખતે યુધવીરને તેના જમણા ખભામાં દુ:ખાવો થયો હતો. 11 જૂના રોજ ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ તેને આવો જ દુ:ખાવો થયો હતો, જેના કારણે તે છેલ્લી કેટલીક મેચોમાં રમી નહોતો શક્યો.
🚨 News 🚨
— BCCI (@BCCI) June 16, 2026
Ashok Sharma added to India A squad for tri-series in Sri Lanka as a replacement for Yudhvir Singh.
More Details ▶️ https://t.co/Hvc2KSoBlv #TriNationSeries pic.twitter.com/jcZMZ0DDm8
BCCI મેડિકલ ટીમે એક સ્પેશિયાલિસ્ટ પાસેથી સલાહ લીધા બાદ યુધવીર સિંહને જમણા રોટેટર કફની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સની દેખરેખ હેઠળ એક ગ્રેજ્યુએટેડ રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવાની સલાહ આપી છે. યુધવીર દાંબુલાથી બેંગલુરુ આવશે જ્યારે અશોક શર્મા પહેલાથી જ શ્રીલંકા પહોંચી ગયો છે, જે 17 જૂને અફઘાનિસ્તાન A સામેની છેલ્લી લીગ મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે.
ટ્રાય સિરિઝ માટે ઈન્ડિયા-Aની અપડેટેડ ટીમ આ પ્રકારે છે
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટ કીપર), કુમાર કુશાગ્ર (વિકેટ કીપર), વિપરાજ નિગમ, યશ ઠાકુર, અંશુલ કંબોજ, અરશદ ખાન, અનુકૂલ રૉય અને અશોક શર્મા.
ઈન્ડિયા-Aની વાત કરીએ તો ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમની ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ પણ ઘટી ગઈ છે. જો કે, જો અફઘાનિસ્તાન ભારતીય ટીમના હાથે ખરાબ રીતે હારશે તો ટીમ સરળતાથી ફાઈનલમાં પહોંચી જશે, કારણ કે અફઘાનિસ્તાનનો નેટ રન રેટ સારો નથી. અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી મેચ જીતે તો પણ ભારત પર તેની કોઈ અસર નહીં પડશે.


