'લોકો તારા રેકોર્ડ અને સિદ્ધિની વાત કરશે, પરંતુ મેં તને ટેસ્ટ ફોર્મેટ માટે રડતાં જોયો છે', કોહલીને ભાવનાત્મક વિદાઈ આપી અનુષ્કાએ
Anushka Got Emotional Post Lovely For Virat: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી છે ત્યારે દુનિયાભરના લોકો સોશિયલ મીડિયા પર તેમની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. લાગણી વ્યક્ત કરવાની વાત હોય ત્યારે વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પણ તેના વિચારો રજૂ કર્યા છે. અનુષ્કાએ તેની લાગણી વ્યક્ત કરતાં કહ્યું છે કે વિરાટને તેણે એ પરિસ્થિતીમાં જોયો છે જે વિશે આજ સુધી કોઈને ખબર પણ નથી.
ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયો વિરાટ
વિરાટ કોહલીએ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર થઈ રહ્યો છે. 12 મે 2025 આ દિવસ વિરાટ કોહલીના ફેન્સને હંમેશાં માટે યાદ રહેશે, કારણ કે ઘણાં યુઝર્સે કહ્યું છે કે વિરાટની સાથે-સાથે તેમણે પણ ટેસ્ટ ક્રિકેટને જોવામાંથી રિટાયરમેન્ટ લીધી છે. વિરાટ કોહલીએ 22 વર્ષની ઉંમરે જમૈકાના કિંગ્સ્ટનમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં એટલે કે 2011ની 20 જૂને ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. એ વખતે તેને ટેસ્ટ કેપ નંબર 269 આપવામાં આવ્યો હતો. ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર દરેકને કેપ આપી સ્વાગત કરવામાં આવે છે. આ જેટલા ખેલાડીને કેપ આપવામાં આવે છે, તેને એક નંબર હોય છે, અને કોહલીનો નંબર 269 છે. 2011થી 2025 સુધીમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં 14 વર્ષનું યોગદાન આપ્યું છે.
અનુષ્કાએ વ્યક્ત કરી લાગણી
ઇન્સ્ટાગ્રામ પર વિરાટ સાથેનો ટેસ્ટ મેચનો ફોટો શેર કરીને અનુષ્કા શર્માએ કહ્યું કે: ‘લોકો તારા રેકોર્ડ અને તારી સિદ્ધિઓ વિશે વાત કરશે. જોકે તે કોઈને તારા આંશુ નથી દેખાડ્યા, એ મેં જોયા છે. તને મેં જે રીતે લડતાં જોયો છે, એ કોઈએ નથી જોયો. ગેમના આ ફોર્મેટ માટે તારો જે પ્રેમ છે, મેં જેટલો નજીકથી જોયો, એ કોઈએ નથી જોયો. મને ખબર છે કે આ ગેમ પાછળ તું તારું બધું જતું કર્યું છે. દરેક ટેસ્ટ સિરીઝ પછી, તું જ્યારે ઘરે આવે, ત્યારે તું પહેલાં કરતા વધુ સમજદાર અને વધુ વિનમ્ર જોવા મળતો હતો. તને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળી વધુ સારી વ્યક્તિ બનવાનું આટલું નજીકથી જોવું, એ મારા માટે નસીબની વાત છે. મને એવું હતું કે તું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હંમેશાં માટે વિદાઈ ટેસ્ટ ક્રિકેટમાંથી લેશે, પણ તું હંમેશાં તારા દિલનું કરતો આવ્યો છે. તું મારો પ્યાર છે અને હું તને કહેવા માગું છું કે તને આજે જે ગુડબાઈ મળી રહી છે, એ દરેકને તું ડિઝર્વ કરે છે.’
વિરાટ-અનુષ્કાનો પ્રેમ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પ્રથમવાર 2013માં સાથે કામ કર્યું હતું. તેમણે એક શેમ્પૂની જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદથી તેમની વચ્ચે રિલેશનશિપની વાતો ચર્ચામાં આવી હતી. જોકે, તેમણે 2014માં બન્ને વચ્ચે રિલેશન હોવાનું સ્વીકાર્યું હતું. બન્નેએ 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી વામિકા અને બીજો દીકરો અકાય છે.