14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની વધુ એક તોફાની ઈનિંગ, 9 છગ્ગા સાથે 31 બોલમાં 86 રન ફટકાર્યા
Image Source: Twitter
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ બુધવારે ઈંગ્લેન્ડ સામે ત્રીજી U-19 યૂથ વન-ડેમાં તોફાની ઈનિંગ રમી. 14 વર્ષીય આ યુવા બેટ્સમેને માત્ર 31 બોલમાં 86 રનની ઈનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને રેકોર્ડ 9 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવની વિસ્ફોટક ઈનિંગના દમ પર ભારતે વરસાદથી પ્રભાવિત મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી દીધું અને પાંચ મેચોની સીરિઝમાં 2-1ની લીડ હાંસલ કરી લીધી.
વૈભવ સૂર્યવંશીએ મનદીપ સિંહનો તોડ્યો રેકોર્ડ
સૂર્યવંશીની આ ધમાકેદાર ઈનિંગમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ. વાસ્તવમાં સૂર્યવંશીના 9 છગ્ગા અંડર-19 વન-ડેમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. તેણે મનદીપ સિંહના આઠ છગ્ગાનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
સૂર્યવંશીએ પહેલી બે મેચમાં 40ની પાર પહોંચ્યા બાદ અડધી સદી ચૂકી જવાના અફસોસમાંથી આ મેચમાં મુક્તિ મેળવી. તેણે શરૂઆતથી જ ઈંગ્લેન્ડના બોલરો પર હુમલો કર્યો. ત્રીજી ઓવરમાં તેણે સેબાસ્ટિયન મોર્ગનના બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા, પછીની ઓવરમાં વધુ બે છગ્ગા સાથે એક ચોગ્ગો ફટકાર્યો. છઠ્ઠી ઓવરમાં તેણે જેમ્સ મિન્ટોના બોલ પર એક જ ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને 23 રન બનાવ્યા.
સૂર્યવંશી જ્યારે 8મી ઓવરમાં આઉટ થયો ત્યાં સુધીમાં ભારતે 111 રનનો પીછો કરી લીધો હતો. જોકે, ત્યારબાદ ભારતની ઈનિંગ થોડી વાર માટે લડખડાઈ અને 24મી ઓવર સુધીમાં ટીમનો સ્કોર 199/6 થઈ ગયો હતો.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડના બોલરની હરકત સામે ભડક્યો શુભમન ગિલ, છેલ્લી ઘડીએ જુઓ શું કર્યું
પરંતુ ત્રણ વિકેટ લેનાર ઓલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ (અણનમ 43) અને આરએસ અમ્બ્રિશ (અણનમ 31) એ સાતમી વિકેટ માટે 75 રન ઉમેરીને ટીમને 33 બોલ બાકી રહેતા વિજય અપાવ્યો.
ઈંગ્લેન્ડનો મજબૂત સ્કોર
આ પહેલા ઈંગ્લેન્ડે કેપ્ટન થોમસ રિયૂ (અણનમ 76) અને બેન ડોકિન્સ (62)ની ઇનિંગ્સની મદદથી 268/6નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ડોકિન્સ અને આઈઝેક મોહમ્મદ (41) એ પ્રથમ વિકેટ માટે 78 રન ઉમેરીને સારી શરૂઆત આપી હતી. બાદમાં રિયૂની શાનદાર ઈનિંગ્સે સ્કોર ઝડપથી વધાર્યો.
ઈંગ્લેન્ડ U-19: 268/6 (થોમસ રિયૂ 76*, બેન ડોકિન્સ 62, આઈઝેક મોહમ્મદ 41; કનિષ્ક ચૌહાણ 3/30)
ભારત U-19: 274/6 (વૈભવ સૂર્યવંશી 86, કનિષ્ક ચૌહાણ 43*, આરએસ અમ્બ્રિશ 31*, વિહાન મલ્હોત્રા 46)