અક્ષર પટેલ સાથે ખોટું થયું, આ ટીમ વર્લ્ડકપ જીતશે?', ટીમ ઇન્ડિયાના સિલેક્શન પર ભડક્યા પૂર્વ દિગ્ગજ ખેલાડી
Asia Cup 2025: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2025 માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પસંદગીકર્તાઓના નિર્ણયની પ્રશંસા કરી છે, તો કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ તેના પર સવાલ પણ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ કૅપ્ટન અને મુખ્ય પસંદગીકર્તા કૃષ્ણમાચારી શ્રીકાંતનું નામ પણ તેમાં સામેલ છે, કે જેમણે પસંદ કરવામાં આવેલી ટીમ પર નારાજગી દર્શાવી છે. તેમનું માનવું છે કે, આ ટીમ એશિયા કપ માટે યોગ્ય છે, પરંતુ T20 વર્લ્ડ કપનું ટાઇટલ બચાવવા માટે સક્ષમ લાગતી નથી.
આ પણ વાંચો: હવે જે બોલર આ ખાસ ટેસ્ટ પાસ કરશે તેને જ ટીમ ઇન્ડિયામાં મળશે એન્ટ્રી: BCCIએ બદલ્યો નિયમ
શ્રીકાંતે ટીમ સિલેક્શનની ટીકા કરી
65 વર્ષીય શ્રીકાંતે તેમની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ટીમ સાથે ભારત એશિયા કપ તો જીતી શકે છે, પરંતુ T20 વર્લ્ડ કપ જીતવાની સંભાવના બહુ ઓછી લાગે છે. તેમણે કહ્યું કે, શું તમે આ પસંદ કરેલી ટીમને T20માં લઈ જઈ શકાય? શું આ ટીમ હકીકતમાં છ મહિના પછી યોજાનારી વર્લ્ડ કપની તૈયારી છે.? શ્રીકાંતનું માનવું છે કે, પસંદગીકર્તાઓ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ઉતાવળ કરી છે અને ટીમની મજબૂતી પર ધ્યાન નથી આપ્યું.
અક્ષર પટેલનું ઉપ-કૅપ્ટન પદ છીનવી લેવાયું
શ્રીકાંતે ખાસ કરીને અક્ષર પટેલનું ઉપ-કૅપ્ટન પદ છીનવી લેવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. તેમનું કહેવું હતું કે, આ ખેલાડીને સતત જવાબદારી સોંપવામાં આવી રહી હતી, પરંતુ અચાનક કરવામાં આવેલા ફેરફાર સમજણથી બહાર છે. આ ઉપરાંત, તેમણે ટીમમાં રિંકુ સિંહ, શિવમ દુબે અને હર્ષિત રાણાની એન્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, પસંદગીનો મુખ્ય આધાર IPL પ્રદર્શન બનાવવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની અવગણના કરવામાં આવી છે.
આ પણ વાંચો: દ.આફ્રિકાનો આ ખેલાડી ફરી વિવાદોમાં, ડેબ્યૂ મેચમાં બોલિંગ એક્શન પર ઉઠ્યા સવાલ
બેટિંગ ક્રમ પર નારાજગી વ્યક્ત કરી
પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરેલા બેટિંગ ક્રમ સાથે પણ અસંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'પાંચમા ક્રમે બેટિંગ કરવા કોણ આવશે તે સ્પષ્ટ નથી. સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે અને રિંકુ સિંહમાંથી એકને આ પદની જવાબદારી મળવી જોઈએ. સામાન્ય રીતે હાર્દિક પંડ્યા આ સ્થાન પર બેટિંગ કરે છે, જ્યારે અક્ષર પટેલને છઠ્ઠા નંબર પર તક ન મળી શકે.'
આ ઉપરાંત તેમણે પ્રશ્ન કર્યો કે, 'દુબેને કેમ પસંદ કરવામાં આવ્યો, જ્યારે યશસ્વી જયસ્વાલ IPL અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યું છે.'