ભારતના સ્ટારે ખેલાડીએ કાર ખરીદી અને તે જ દિવસે દંડ ભરવો પડ્યો! તંત્રએ નોટિસ પણ ફટકારી
Akash Deep Singh Fortuner Car: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ સિંહે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાના ઉમદા પર્ફોર્મન્સના કારણે પ્રશંસા મેળવી હતી. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ રક્ષાબંધનના દિવસે આકાશદીપે લખનઉના એક ડીલર પાસેથી કાળા રંગની ટોપ મોડલ ફોર્ચ્યુનર ખરીદી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જો કે, બાદમાં આ કારના કારણે ભારતીય પેસરે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આકાશદીપને અને ગાડીના ડીલરને નોટિસ ફટકારી છે.
ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્દ્રીય મોટરયાન નિયમાવલી 1989ના નિયમ 44 હેઠળ આકાશદીપ અને લખનઉ સ્થિત સની મોટર્સ ડીલરશીપ મેસર્સ વિરૂદ્ધ શો-કોઝ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ ફટકારવા પાછળનું કારણ રજિસ્ટ્રેશનની અધૂરી પ્રોસેસ હતી. આકાશદીપે આ કાર માટે UP32QW0041 નો ફેન્સી નંબર લીધો છે. જો કે, ડીલરે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક લગાવી ગાડી ડિલિવર્ડ કરી હતી. ARTO લખનઉની તપાસ અને વાહન પોર્ટલ રેકોર્ડ અનુસાર, ગાડીનું વેચાણ 7 ઓગસ્ટના રોજ થયું હતું. પરંતુ ઈન્સ્યોરન્સ 8 જુલાઈના રોજ કરાવવામાં આવ્યો હતો. અત્યારસુધી રોડ ટેક્સની ચૂકવણી પણ કરી નથી. સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ અધૂરી છે.
આકાશદીપને ફટકાર્યો મેમો
આકાશદીપ સિંહને મોટરયાન એક્ટ, 1988ની કલમ 39,41 (6) અને 207 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. તેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, રજિસ્ટ્રેશન, હાઈ સિક્યોરિટી નંબર અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક સાથે કાર રસ્તા પર ચલાવશો નહીં. આદેશના ભંગની સ્થિતિમાં ગાડી જપ્ત કરવાની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તેમજ 9 ઓગસ્ટે રજિસ્ટ્રેશન વિના ગાડી હંકારવા બદલ આકાશદીપને મેમો પર ફટકારવામાં આવ્યો હતો.
આકાશદીપે શેર કરી હતી તસવીર
આકાશદીપે રક્ષાબંધનના દિવસે ફોર્ચ્યુનર કાર ખરીદ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં કેપ્શન લખી હતી કે, 'ડ્રીમ ડિલિવર હો ગયા હૈ, ચાબી હાથ મેં આ ગઈ હે, ઉન લોગો કે સાથ જો સબસે જ્યાદા માયને રખતે હૈ' (સપનું સાકાર થઈ ગયું, ચાવી હાથમાં આવી ગઈ, એવા લોકોની સાથે જે મારા જીવનમાં સૌથી વધુ મૂલ્ય ધરાવે છે).
ભારત-ઈંગ્લેન્ડ મેચમાં 10 વિકેટ ઝડપી
હાલમાં જ ઈંગ્લેન્ડ ખાતે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં આકાશદીપે આકર્ષક પર્ફોર્મન્સ આપી ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. તેણે બીજી ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી. વધુમાં પાંચ ટેસ્ટ મેચમાં ઉમદા બેટિંગ સાથે જરૂરી યોગદાન પણ આપ્યું હતું.