Adar Poonawalla To Buy RCB: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ને ખરીદવામાં રસ દાખવ્યો છે. પૂનાવાલાએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'આગામી થોડા મહિનામાં અમે IPLની શ્રેષ્ઠ ટીમોમાંથી એક RCB માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશું.'
RCBની ઐતિહાસિક જીત અને વિવાદ
RCBએ IPLની 18મી સીઝનમાં પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. રજત પાટીદારની કેપ્ટનશીપમાં ટીમે ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને ઇઈતિહાસ રચી દીધો હતો. આ જીત બાદ બેંગ્લુરુમાં જશ્નનો માહોલ હતો. જોકે, 4 જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારના જશ્નએ એક દુ:ખદ વળાંક લીધો હતો. લગભગ 3 લાખ લોકો આ જીતનો જશ્ન જોવા માટે એકઠા થયા હતા અને નાસભાગ મચી ગઈ હતી જેમાં 11 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ આ દુર્ઘટના માટે RCBને જવાબદાર ઠેરવ્યું હતું. આ જ વિવાદે એવી અટકળોને વેગ આપ્યો હતો કે ફ્રેન્ચાઈઝીવેચાઈ શકે છે.
RCBના વર્તમાન માલિક અને સંભવિત ડીલ
RCB હાલમાં યુનાઈટેડ સ્પિરિટ્સની માલિકી વાળી ટીમ છે, જે બ્રિટનની ડિયાજિયો (Diageo)ના નિયંત્રણમાં છે. જોકે, લાંબા સમયથી આ ફ્રેન્ચાઈઝીના વેચાણની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી તેને નકારી કાઢવામાં આવી છે. પરંતુ હવે RCBની ટાઈટલ જીત, તેના વિશાળ ચાહક વર્ગ અને તાજેતરના વિવાદોને જોતાં માલિકી પરિવર્તનની શક્યતા વધુ પ્રબળ દેખાઈ રહી છે. પૂનાવાલાની રાઈટ વેલ્યુએશન વાળી પોસ્ટ પણ આ જ દિશામાં સંકેત આપી રહી છે.
IPLની વધતી વેલ્યૂ અને તાજેતરની ડીલ
વર્તમાનમાં IPL વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ લીગ બની ગઈ છે. દરેક સીઝનમાં ટીમ વેલ્યુએશન વધી રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સની માલિકીના માળખામાં ફેરફાર જોવા મળ્યો, જેમાં ટોરેન્ટ ગ્રુપે 67% હિસ્સો ખરીદ્યો, જ્યારે ઈરેલિયા પાસે 33% હિસ્સો યથાવત રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં જો RCB જેવી લોકપ્રિય ટીમ વેચાય છે, તો તે ન માત્ર IPLના વેલ્યુએશનને નવી ઊંચાઈએ લઈ જશે, પરંતુ બધી ટીમોના વેલ્યુએશન માટે એક નવો ધોરણ પણ નક્કી કરશે.
આ પણ વાંચો: સંગીતકાર પલાશ મુચ્છલ વિવાદમાં: ફિલ્મ બનાવવાના નામે ફાઇનાન્સરના 40 લાખ પડાવ્યાનો આક્ષેપ
એક તરફ જ્યાં RCBની જીતે તેના ચાહકોને ગર્વ અને ખુશી આપી, તો બીજી તરફ જશ્ન દરમિયાન થયેલી ત્રાસદીએ ટીમની છબીને પણ કલંકિત કરી હતી. હવે, અદાર પૂનાવાલા અને લલિત મોદી જેવા મોટા નામોના નિવેદનોએ એ વાતને વધુ હવા આપી છે કે નજીકના ભવિષ્યમાં RCBની માલિકી બદલાઈ શકે છે. જો આવું થાય તો તે IPL ઈતિહાસના સૌથી મોટી અને ચર્ચિત ડીલ સાબિત થઈ શકે છે.


