| (IMAGE - instagram/palash_muchhal) |
Palash Muchhal: જાણીતો સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ સામે મહારાષ્ટ્રના સાંગલીમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સાંગલીનો રહેવાસી અને ફિલ્મ ફાઇનાન્સર વૈભવ માનેએ આક્ષેપ કર્યો છે કે, પલાશ મુચ્છલે ફિલ્મ બનાવવાના બહાને તેની પાસેથી 40 લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ નાણાં પરત કર્યા નથી.
સ્મૃતિ મંધાનાના પિતાએ કરાવી હતી ઓળખાણ
ફરિયાદ અનુસાર, વૈભવ માને ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો બાળપણનો મિત્ર છે. જ્યારે પલાશ મુચ્છલ સાંગલીની મુલાકાતે આવ્યો હતો, ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાએ વૈભવની મુલાકાત પલાશ સાથે કરાવી હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મ પ્રોજેક્ટ અને તેમાં રોકાણ કરવા અંગે ચર્ચા થઈ હતી.
ફિલ્મ 'નઝરિયા'ના નામે રોકાણ કરાવ્યું
વૈભવ માનેએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પલાશ મુચ્છલે તેને 'નઝરિયા' નામની ફિલ્મમાં રોકાણ કરવાની ઓફર આપી હતી. પલાશે ખાતરી આપી હતી કે આ ફિલ્મનું કામ ઝડપથી પૂરું થશે, તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે અને રોકાણના નાણાં નફા સાથે જલ્દી પરત મળી જશે. આ ખાતરી પર વિશ્વાસ રાખીને વૈભવે હપ્તે-હપ્તે કુલ 40 લાખ રૂપિયા પલાશને આપ્યા હતા. આ વ્યવહારો રોકડ અને ગુગલ પે દ્વારા કરવામાં આવ્યા હતા, જેના પુરાવા પણ પોલીસને સોંપવામાં આવ્યા છે.
પૈસા પરત માંગતા નંબર બ્લોક કર્યો
ફરિયાદીના જણાવ્યા મુજબ, ફિલ્મ પ્રોજેક્ટ ક્યારેય પૂરો થયો નહીં. જ્યારે વૈભવે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે પલાશે શરૂઆતમાં નાણાં પરત કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સમય જતાં પલાશે વૈભવના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને અંતે તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો. મહિનાઓ સુધી રાહ જોયા બાદ, છેવટે વૈભવે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો: ઓ રોમિયોની ઈવેન્ટ એક કલાક મોડી શરૂ થતાં નાના પાટેકર રવાના
પોલીસ તપાસ શરૂ
સાંગલી જિલ્લા પોલીસે પુષ્ટિ કરી છે કે તેમને છેતરપિંડીની ફરિયાદ મળી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા બેન્ક ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. પુરાવાઓની ખરાઈ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વ્યક્તિગત જીવનને કારણે ચર્ચામાં હતો પલાશ
ઉલ્લેખનીય છે કે, પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાનાના લગ્ન રદ થયા હોવાના અહેવાલોને કારણે તે તાજેતરમાં મીડિયામાં ચર્ચામાં હતો. આ વિવાદ વચ્ચે હવે છેતરપિંડીનો કેસ સામે આવતા પલાશની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. હાલમાં તે અભિનેતા શ્રેયસ તલપડે સાથેના એક નવા ફિલ્મ પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છે.


