'તે કારણ વિના ઉશ્કેરી રહ્યો હતો એટલે...', પાક. સામે જીત બાદ અભિષેક શર્માનો ખુલાસો
India vs Pakistan: દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે જીત હાંસલ કરી છે. રવિવારે, ભારતે પાકિસ્તાન સામે 172 રનનો લક્ષ્યાંક માત્ર 18.5 ઓવરમાં હાંસલ કરીને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ જીતનો શ્રેય મુખ્યત્વે ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા અને શુભમન ગિલને જાય છે, જેમણે પાકિસ્તાની બોલરો સામે આક્રમક બેટિંગ કરીને મેચ પલટી દીધી હતી.
અભિષેક-ગિલની વિસ્ફોટક ભાગીદારી
ભારતની જીતનો પાયો અભિષેક શર્મા (74 રન, 39 બોલ) અને શુભમન ગિલ (47 રન, 28 બોલ)ની જોડીએ નાખ્યો હતો. આ બંનેએ માત્ર 49 બોલમાં 105 રનની તોફાની ભાગીદારી કરીને પાકિસ્તાની બોલરોને દબાણમાં લાવી દીધા. અભિષેકે પોતાની ઇનિંગ્સમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ '...તો રાઈવલરી ન કહેવાય', પાકિસ્તાનને પછાડ્યાં બાદ સૂર્યાના એક નિવેદનની ચારેકોર ચર્ચા
મેચ પછી પ્લેયર ઓફ ધ મેચ બનેલા અભિષેક શર્માએ કહ્યું, 'આજે બધું ઘણું સરળ હતું. જે રીતે પાકિસ્તાની ખેલાડીઓ કારણ વગર અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા હતા, તે મને બિલકુલ પસંદ નહોતું આવ્યું. આથી મેં તેમના સામે આક્રમક વલણ અપનાવ્યું. મારો હેતુ મારી ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો હતો.'
અભિષેકે ગિલ સાથેની ભાગીદારી વિશે જણાવ્યું, 'અમે બંને શાળાના દિવસોથી સાથે રમતા આવ્યા છીએ અને એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. આજે અમે નક્કી કર્યું હતું કે સારું પ્રદર્શન કરીશું અને અમે તે કરી બતાવ્યું. ગિલ જે રીતે જવાબ આપી રહ્યો હતો, તે મને ખૂબ ગમ્યું. જ્યારે તમે કોઈને આ રીતે રમતા જુઓ છો, ત્યારે તમારો પણ એ જ ઇરાદો હોય છે. હું ખૂબ મહેનતથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને જો મારો દિવસ હોય તો હું ચોક્કસ મારી ટીમને જીત અપાવીશ.'
હારિસ રઉફ અને અભિષેક વચ્ચે બોલાચાલી
મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલરો પર દબાણ બનાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા. ફાસ્ટ બોલર હારિસ રઉફ પાંચમી ઓવર રમવા આવ્યો ત્યારે અભિષેકે તેના બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેના પછી રઉફે કંઈક બોલવા લાગ્યો. અભિષેકે પણ તેનો જવાબ આપ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. અંતે, અમ્પાયર ગાઝી સોહેલે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો.
આ પણ વાંચોઃ એશિયા કપમાં પાકિસ્તાનની ફરી કારમી હાર, ભારતે 6 વિકેટથી જીત્યું, ગિલ-અભિષેકે કરી કમાલ
ભારતનું આગામી શેડ્યુલ
આ મેચમાં ભારતે ભલે ફિલ્ડિંગ અને બોલિંગમાં કેટલીક સામાન્ય ભૂલો કરી હોય, પરંતુ તેની બેટિંગની તાકાત સામે સલમાન અલી આગાની ટીમ સંપૂર્ણ રીતે નબળી સાબિત થઈ. આ જીત સાથે સૂર્યકુમાર યાદવની ટીમે સુપર-4 અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
હવે ભારતનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સામે થશે અને આ મેચ પહેલા ટીમને બે દિવસનો આરામ મળ્યો છે. બીજી બાજું, પાકિસ્તાનને શ્રીલંકા સામે રમતા પહેલા માત્ર એક જ દિવસનો આરામ મળ્યો છે, જે પહેલી સુપર-4 મેચ હારી ચૂક્યું છે.