Sports

88 રન જોઈતા હતા અને એક જ વિકેટ બાકી હતી, શાદાબ-હારિસે 51 વર્ષ જૂનો રેકોર્ડબ્રેક કરી રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડની આશા પર પાણી

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં શાદાબ ખાને ઇતિહાસ રચ્યો છે. 2026માં તેની પ્રથમ સદી (113* રન) ફટકારી, તેણે પાકિસ્તાનને રોમાંચક જીત અપાવી. 154/9ના સ્કોર પરથી હારિસ રઉફ સાથે 89 રનની ભાગીદારી કરી, શાદાબ નંબર 8 કે નીચેના ક્રમે સૌથી મોટી ODI ઇનિંગ રમનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

88 રન જોઈતા હતા અને એક જ વિકેટ બાકી હતી, શાદાબ-હારિસે 51 વર્ષ જૂનો રેકોર્ડબ્રેક કરી રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડની આશા પર પાણી

Shadab Khan Scripts ODI History: લાહોરમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાનના નામની સુનામી જોવા મળી હતી. વર્ષ 2017માં પોતાનું વનડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર શાદાબ ખાને 9 વર્ષના લાંબા સમય પછી વર્ષ 2026માં આ ફોર્મેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. આ શાનદાર સદીના દમ પર શાદાબ ખાને માત્ર પાકિસ્તાનને એક ઐતિહાસિક જીત જ નથી અપાવી, પરંતુ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એકલા હાથે ઇંગ્લેન્ડ સામે પોતાની ટીમને જીત અપાવનાર શાદાબ ખાન વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં નંબર 8 કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરીને સૌથી મોટી ઇનિંગ રમનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

154 રનમાં 9 વિકેટ પડ્યા બાદ હારિસ રઉફ સાથે મળીને પલટી બાજી

રવિવાર, 25 ઓક્ટોબર 2026ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રિકોણીય વનડે સીરિઝની લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે બેન ડકેટની સદીના જોરે 46.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા.

જવાબમાં 242 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હતી. એક સમયે પાકિસ્તાને 131 રન પર 8 વિકેટ અને 154 રનના સ્કોર પર પોતાની 9મી વિકેટ ગુમાવી દીધી હતી, જેને જોઈને લાગતું હતું કે પાકિસ્તાન આ મુકાબલો ખરાબ રીતે હારી જશે. પરંતુ ત્યારબાદ શાદાબ ખાને અંતિમ વિકેટ માટે હારિસ રઉફ સાથે મળીને લગભગ 90 રનની (89 રન) અણનમ ભાગીદારી નોંધાવી હતી અને 47.1 ઓવરમાં 9 વિકેટે 243 રન બનાવીને ટીમને રોમાંચક જીત અપાવી દીધી હતી.

13 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે શાદાબની અણનમ 113 રનની વિસ્ફોટક ઇનિંગ

જ્યારે પાકિસ્તાનનો સ્કોર 103/6 હતો, તેવા સંકટના સમયે શાદાબ ખાન બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા 13 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 113 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી બીજો સૌથી મોટો સ્કોર સાદ બેગનો હતો, જે માત્ર 32 રન બનાવીને આઉટ થયો હતો. નવાઈની વાત એ છે કે સમગ્ર મેચમાં પાકિસ્તાન તરફથી સૌથી મોટી ભાગીદારી 10મી વિકેટ માટે 89 રનની થઈ હતી, જેમાં એકલા શાદાબ ખાને જ 81 રનનું યોગદાન આપ્યું હતું.

ODIમાં નંબર 8 કે તેથી નીચે બેટિંગ કરીને સૌથી મોટી ઇનિંગ રમનારા ટોપ 5 ખેલાડીઓ

વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાદાબ ખાનના વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો, આ ક્રમ પર તેનાથી મોટી ઇનિંગ અન્ય કોઈ બેટ્સમેન રમી શક્યો નથી. અગાઉ માત્ર 2 બેટ્સમેનોએ નંબર 8 કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરતા સદી ચોક્કસ ફટકારી હતી, પરંતુ કોઈ પણ ખેલાડી 110 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. શાદાબ ખાન આવું કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો છે. ODI ક્રિકેટમાં નંબર 8 કે તેથી નીચે બેટિંગ કરીને સૌથી મોટો સ્કોર બનાવનારા ટોપ 5 ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:

  • પાકિસ્તાનના શાદાબ ખાને અણનમ 113 રન બનાવીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
  • આયર્લેન્ડના સિમી સિંહે આ ક્રમ પર બેટિંગ કરતા 100 રનની ઇનિંગ રમી હતી.
  • બાંગ્લાદેશના મહેદી હસન મિરાઝના નામે પણ 100 રનનો રેકોર્ડ નોંધાયેલો છે.
  • ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • ઇંગ્લેન્ડના જ સેમ કરને પણ નંબર 8 કે તેથી નીચે બેટિંગ કરીને 95 રન બનાવ્યા હતા.