IND vs ENG: બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 336 રનથી ઐતિહાસિક જીત, બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ
India vs England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે ઇંગ્લિશ ટીમ રમતના પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે 58 વર્ષ બાદ જીત મેળવીને ઇતિહાસ રચ્યો
ભારતે પહેલીવાર બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. આ પહેલા જે ભારતે આ મેદાન પર 8 મેચ રમી હતી, તેમાંથી સાતમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો ગઈ હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ટેસ્ટ 1967માં રમી હતી, જેમાં ભારતની 132 રને હાર થઈ હતી. હવે ભારતે 58 વર્ષ બાદ જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
આકાશદીપ-સિરાજે કરી કમાલ
આકાશદીપનો જાદૂ બંને ઈનિંગમાં જોવા મળ્યો. આકાશે પહેલી ઈનિંગમાં ચાર વિકેટ અને બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપી છે. સિરાજે ફર્સ્ટ ઈનિંગમાં છ અને બીજી ઈનિંગમાં એક વિકેટ પોતાના નામે કરી.
જણાવી દઈએ કે, ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ 427/6ના સ્કોર પર જાહેર કરી હતી. મેચમાં ભારતીય ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 587 અને ઈંગ્લેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 407 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગના આધારે ભારતને 180 રનોની મોટી લીડ મળી હતી.