Get The App

25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, ગાંગુલીએ ફટકાર્યા હતા 117 રન

Updated: Mar 6th, 2025

GS TEAM

Google News
Google News
25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, ગાંગુલીએ ફટકાર્યા હતા 117 રન 1 - image


India vs New Zealand Champions Trophy Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 'ટાઈટલ મેચ' રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. 

25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.

ગાંગુલીએ ફટકાર્યા હતા 117 રન 

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.

બંને ટીમો ખૂબ જ મજબૂત

આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

આ પણ વાંચો: શું ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાશે? લાહોરમાં BCCIના અધિકારીએ આપ્યો જવાબ

ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ  પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.  

Tags :