તારી જાતને પૂછવાનો પ્રશ્ન તું બીજાને પૂછે છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક યુવાનના હૃદયમાં એવી પ્રબળ જિજ્ઞાસા જાગી કે એ બેચેન બની ગયો. એક પ્રશ્ન એના મનને એવો તો ઘેરી વળ્યો કે એનો ઉત્તર મેળવવા માટે એ આકુળ-વ્યાકુળ બની ગયો.
યુવક એ જમાનાના મહાન સાધક બોધિધર્મ પાસે ગયો અને પૂછ્યું,
''હે ભંતે ! એક પ્રશ્નએ મને પરેશાન કરી મૂક્યો છે. મારે આપની પાસેથી એનો ઉત્તર મેળવવો છે. મારે એ જાણવું છે કે હું કોણ છું ?''
બોધિધર્મએ શબ્દથી ઉત્તર આપવાના બદલે હાથથી ઉત્તર આપ્યો. જોરથી એના ગાલ પર તમાચો માર્યો.
યુવક ડઘાઈ ગયો. પોતાના સીધાસાદા પ્રશ્નનો આવો આઘાતજનક ઉત્તર ? કેટલી બધી જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબમાં એને થપ્પડ મળી.
યુવકે વિચાર્યું કે બોધિધર્મ મહાન મર્મજ્ઞા છે. એમણે થપ્પડ મારી તેમાં પણ કંઈક સંકેત છૂપાયો હોવો જોઈએ, કિંતુ એ સંકેત પોતે પામી શક્યો નથી. આથી યુવક એક બીજા સાધક પાસે ગયો અને બનેલી ઘટનાનું દર્દભરી રીતે વર્ણન કરતાં કહ્યું, ''બોધિધર્મ જેવા સંત આવો સણસણતો તમાચો મારશે એવી તો મેં સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી. ખેર ! બનવાનું હતું તે બન્યું. હવે તમે ઉત્તર આપો કે હું કોણ છું ?''
યુવકનો સવાલ સાંભળતાં જ સાધક ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો અને એણે કહ્યું,
''બોધિધર્મ તો ભલા ગણાય, કિંતુ આવો પ્રશ્ન તે મને પૂછ્યો હોત તો હું તને લાકડીએ ને લાકડીએ ઝૂડી નાખત. ચાલ્યો જા અહીંથી.''
યુવક વધુ મૂંઝાયો. એણે વિચાર કર્યો કે લાવ ફરી બોધિધર્મ પાસે જાઉં. એણે પૂછ્યું,
''ભંતે ! ગઈ કાલે મારા પ્રશ્નના ઉત્તરમાં આપે મને થપાટ લગાવી હતી, પરંતુ એ પ્રશ્ન મને પજવે છે અને એનો ઉત્તર હજી મને મળ્યો નથી. હવે શું કરવું તે મને સૂઝતું નથી.''
બોધિધર્મએ કહ્યું, ''બીજું જે કંઈ કરવું હોય તે કરજે, પરંતુ ફરી એ પ્રશ્ન ન કરતો. તારા જેવો મહામૂર્ખ બીજો કોઈ નહીં હોય.''
યુવકે કહ્યું, ''હું તો સાધનાના માર્ગનો પથિક છું. બુદ્ધિહીન સવાલો પૂછનાર કોઈ મહામૂર્ખ નથી.''
બોધિધર્મએ હસતાં હસતાં કહ્યું, ''તારાથી બીજો કોઈ મોટો મૂર્ખ હશે ખરો ? જે પ્રશ્ન તારે તારી જાતને પૂછવાનો હોય એ તું બીજાઓને પૂછી રહ્યો છે. એનાથી બીજી વધુ મોટી મૂર્ખતા કઈ હોઈ શકે ?''
યુવક બોલ્યો, ''ઓહ ! તો હવે આપની થપ્પડનો મર્મ સમજ્યો.''
બોધિધર્મએ કહ્યું, ''સાંભળ. આ પ્રશ્ન તું તારી જાતને જ પૂછ. સવાલ કર કે ''હું કોણ છું ?'' અને તને તારી જાત જ ઉત્તર આપશે.''
મજાની વાત એ છે કે ''હું કોણ છું ?'' એ સવાલ પોતાની જાતને પૂછવાને બદલે માનવી બીજાને પૂછતો રહે છે. પોતાને વિશે બીજાની સલાહ લેતો માણસ સ્વયં બદલાઈ જાય છે અને એનું મોટાભાગનું જીવન બીજાની દ્રષ્ટિએ પસાર કરતો હોય છે.
''હું કોણ છું'' એ પ્રશ્નનો ઉત્તર બાહ્ય જગતમાંથી તમને નહીં મળે. એને માટે તો આંતરજગતમાં ડોકિયું કરવું પડશે.




