Shatdal

જનેતા કરે શું દશા દુ:ખભરી છે નથી હાથ વશમાં વ્યથા આકરી છે

By GS Team
20 Oct 20266 mins read
જનેતા કરે શું દશા દુ:ખભરી છે નથી હાથ વશમાં વ્યથા આકરી છે
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
  • ''એક વાર ડિલિવરી થઈ જાય, પછી બધી પૂછપરછ કરીશું. અમે બધા તારી પડખે ઊભા રહીશું. શીતલને ફસાવનારો મોટો લાટસાહેબ હશે તોય નહીં છોડીએ…''

દ શેરાની સવારે સાત વાગ્યે નીલકંઠ ટાવરની પાછળ આવેલા કોમન પ્લોટમાં ફાફડા-જલેબીની તૈયારી ચાલી રહી હતી. ચોવીસ-ચોવીસ ફલેટના બે ટાવરના બધા રહીશોએ સામુહિક ધોરણે કારીગરોને બોલાવીને આ કામ સોંપ્યું હતું.
ગરબા રસિયાઓએ છેલ્લી રાત્રે મન ભરીને મોડી રાત સુધી મજા લીધી હતી, એટલે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સાવ પાંખો હતો. ૧૦૮નો ડ્રાઇવર ધમધમાટ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યો હતો. નીલકંઠ ટાવરના ચોથે માળ રહેતા વૃદ્ધાએ જ કોલ કર્યો હતો. એણે કહ્યું હતું કે અમારે ત્યાં કામ કરતી છોકરીને વેણ ઉપડી છે, એને તાત્કાલિક ડિલિવરી માટે લઈ જવાની છે, ભાઈ ! જલ્દી કરજો. આટલું કહીને એ માજીએ સરનામું સમજાવ્યું હતું.
ટાવરના બે બ્લોક વચ્ચે કમ્પાઉન્ડમાં જ્યારે ૧૦૮ની ટીમ પહોંચી ત્યારે ત્યાં તો આખું ટોળું ઊભું હતું. વાતાવરણ ગરમ હતું. વીસ વર્ષની શીતલ પ્રસવની પીડાથી કરાંજતી હતી અને પચાસ વર્ષની એની માતા જશોદા એને ફટકારતી હતી.
''રાં…, ક્યાં મોઢું કાળું કરીને આવી એ તો બોલ… ચામડી ઊતરડી નાખીશ તારી… એક વાર એ હરામીનું નામ તો બોલ, અભાગણી !'' માતાના લમણાંની નસો ભયાનક ગુસ્સાથી તંગ હતી. મોઢામાંથી શબ્દોને બદલે ધગધગતો લાવારસ ઠલવાતો હતો. આજુબાજુ ઊભેલા લોકોની પરવા કર્યા વગર એ રડતી દીકરીના ગાલ ઉપર અને બરડામાં ઉશ્કેરાટથી હાથ વીંઝતી હતી. પ્રસવની પીડા અને માતાનો માર એ બંનેની વચ્ચે શીતલ ચીસો પાડીને રડતી હતી.
શીતલનો ભાઈ કિશન ગુસ્સામાં લાલચોળ બનીને દાંત ભીંસીને ઊભો હતો. એના હાથની મુઠ્ઠીઓ આક્રોશથી બિડાયેલી હતી. શીતલને મારી નાખવા જેટલું ઝનૂન એના ચહેરા પર છલકાતું હતું, પણ અત્યારે માતા એને ઝૂડી રહી હતી એટલે એ મુઠ્ઠીઓ વાળીને ધિક્કારથી નાનીબહેન સામે તાકી રહ્યો હતો.
''જશોદા, હવે બંધ કર…'' ૧૦૮ને કોલ કરનાર માજી એ મા-દીકરીની નજીક ગયા. ''જે થવાનું હતું એ થઈ ગયું. આમ તો તું અહીંયા જ તારી છોકરીને મારી નાખીશ…'' માજીએ પહેલ કરી એટલે ફલેટની બીજી સ્ત્રીઓ પણ હિંમત કરીને ત્યાં ધસી આવી. બધાએ મળીને શીતલને જશોદાના હાથમાંથી છોડાવી.
''આ છોકરી અહીં પાંચ-છ ફલેટમાં ઘરકામ કરે છે…'' એક પ્રૌઢ બહેને લેડી ડોક્ટરને માહિતી આપી. ''એની મા પણ આ જ કામ કરે છે. રાજીવનગર બાજુ એક ઓરડીમાં રહે છે. એની મા આ છોકરીના કામે જ એના ગામડે- રાજસ્થાનના ડુંગરપુર બાજુ ગઈ હતી. ત્રણ મહિના સુધી ત્યાં રોકાઈને એ ગઈ રાત્રે જ પાછી આવી છે એટલે એ ગઈ ત્યાં સુધી તો એને આ ખબર જ નહોતી. એ બાપડી સાવ અંધારામાં જ રહેલી. રાત્રે આવી ત્યારે દીકરીનું શરીર જોઈને એને શંકા પડેલી, પણ છોકરીએ પટાવીને વાત વાળી દીધેલી. સવારમાં એ માજીને ત્યાં કામ કરવા આવી ત્યારે વેણ ઉપડી, એટલે માજીએ તમને ફોન કર્યો અને સાથોસાથ છોકરીની માને અને ભાઈને પણ જાણ કરીને
બોલાવી લીધા.''
શીતલને ઈન્જેકશન આપીને તાત્કાલિક સ્ટ્રેચર પર લીધી. એમ્બ્યુલન્સમાં જશોદાની સાથે કિશન અને ફલેટના બે સેવાભાવી બહેનો પણ બેસી ગયાં.
''મીઠાખળી મેટરનિટી હોમ છે, ત્યાં જ લઈ લો…'' એક અનુભવી બહેને સ્ટાફને તાકીદ કરી. ''ફટાફટ લઈ જજો, નહીં તો પ્રોબ્લેમ
થઈ જશે.''
એમ્બ્યુલન્સ મીઠાખળી તરફ આગળ વધી રહી હતી. શીતલ ઉંહકારા ભરીને દર્દથી તરફડતી હતી. ખુન્નસ ભરેલી આંખે જશોદા દીકરી સામે તિરસ્કાર અને ગુસ્સાથી તાકી રહી હતી.
''અત્યારે છોકરીનો જીવ બચાવવાનું કામ જ મહત્વનું છે. બાકી બધું પછી થઈ પડશે. છોકરીએ મૂર્ખામી કરીને ભૂલ કરી છે પણ અત્યારે મગજ શાંત રાખીને હેમખેમ ડિલિવરી પતાવી દો…'' ફલેટના સમજદાર બહેને જશોદાના ખભે હાથ મૂકીને સમજાવ્યું. ''એક વાર ડિલિવરી થઈ જાય, પછી બધી પૂછપરછ કરીશું. અમે બધા તારી પડખે ઊભા રહીશું. શીતલને ફસાવનારો મોટો લાટસાહેબ હશે તોય નહીં છોડીએ…''
જશોદા હૈયું વલોવી નાખે એવો વલોપાત કરતી હતી. ''હું અભાગણી ગામડે ગઈ ત્યાં સુધી અણસાર પણ ના આવ્યો, એ મારી ભૂલ. આ નાલાયક છોકરીએ અમારી આબરૂ ઉપર પાણી ફેરવી નાખ્યું. આવતા વર્ષે તો એના લગન લેવાનું વિચારતી હતી. દેશમાં બે-ત્રણ મુરતિયા પણ જોયેલા. એમાંથી એકની જોડે તો લગભગ ફાઇનલ કરીને જ આવી છું. એમાં આ હોળી સળગી…''
હતાશાથી માથું ધૂણાવીને એણે કપાળ કૂટયું. ''હે ભગવાન ! હવે આ છિનાળનો હાથ કોણ ઝાલશે!…'' એ આક્રોશથી બબડતી હતી. કિશન ધૂંધવાઈને બેઠો હતો.
બરાબર મેટરનિટી હોમનો દરવાજો આવ્યો ત્યાં જ શીતલે દર્દનાક ચીસ પાડી. પરિસ્થિતિ પારખીને લેડી ડોક્ટરે ગેટમાં જ એમ્બ્યુલન્સ ઊભી
રખાવી દીધી.
એમ્બ્યુલન્સમાંથી કિશનને બહાર કાઢ્યો. ઊભા પડદાની આડશ વચ્ચે એમણે શીતલ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ''જોર કર… બેટા… જોર કર…''
પાંચેક મિનિટ પછી નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળીને બહાર ઊભેલો કિશન જોરથી રોડ ઉપર થૂંક્યો અને બે-ચાર ગાળ બબડયો.
''થેન્ક ગોડ ! બધું હેમખેમ પતી ગયું…'' ડોક્ટરે હાથના મોજાં કાઢીને ડસ્ટબીનમાં નાખ્યા. ''ગલગોટા જેવો દીકરો છે. જરાયે ચિંતા ના કરતી.'' ફિક્કી પડી ગયેલી શીતલ સામે મોં મલકાવીને આટલું કહ્યા પછી હળવેથી એને ઊભી કરી. ફલેટવાળી બહેનો પણ મદદમાં આવી.
''આપણે પહેલા માળે જવાનું છે…'' શીતલને દોરીને ડોક્ટર આગળ વધ્યા. ફલેટવાળા બહેનોએ પણ શીતલને ટેકો આપીને આગળ વધવામાં મદદ કરી. ટ્રેમાં સૂવડાવેલા પુત્ર સામે શીતલ એકીટશે તાકી રહી હતી. ડોક્ટરે જશોદાને સૂચના આપી. ''માજી, તમે એકદમ સાચવીને ટ્રે લઈને આવો.''
ડોક્ટર, શીતલ, ફલેટવાળી બહેનો અને હાથમાં ટ્રે સાથે જશોદા- બધા પહેલે માળ પહોંચ્યા. ત્યાં ટેબલ ઉપર ટ્રે મૂકીને જશોદા બે હાથ વચ્ચે માથું પકડીને નીચે ફરસ પર જ બેસી ગઈ.
ફટાફટ પેપરવર્ક પતાવીને હોસ્પિટલના ડોક્ટરે માતા અને બાળકનો ચાર્જ લઈ લીધો. ડોક્ટરે શીતલ સામે નજર કરી અને એ પછી બાળક સામે જોયું. ધ્યાનથી નિરીક્ષણ કરીને ચોંકી ઉઠેલા ડોક્ટરે બૂમ પાડીને ૧૦૮ એમ્બ્યુલન્સની ડોક્ટરને બોલાવી લીધી. એ બંને ગંભીર બનીને ટ્રેની પાસે ઊભા રહીને બાળકને તપાસી રહ્યાં હતાં.
એ બંને ડોક્ટર અંગ્રેજીમાં ચર્ચા કરતી વખતે એકદમ ગંભીર હતા. એ બંને જે ચર્ચા કરતા હતા, એ અંગ્રેજીમાં હતી એટલે એનો એકેય શબ્દ જશોદાને સમજાતો નહોતો, એ છતાં જશોદાને પૂરેપૂરી ખબર હતી કે બંને ડોક્ટર શું વાત કરી રહ્યા છે ! એ નીચું જોઈને બેઠી હતી.
ચર્ચા પછી ડોક્ટરે કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને આદેશ આપ્યો. ''તાત્કાલિક પોલીસ સ્ટેશને ફોન કરો અને કહો કે બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની છે. બાળકનું ગળું દબાવીને એને મારી નાખવામાં આવ્યું છે !''
શીતલ ચીસ પાડીને બેભાન થઈ ગઈ. ફલેટવાળા બહેનો અને ત્યાં હાજર હતા એ બધા સ્તબ્ધ બનીને જશોદા સામે તાકી રહ્યા હતા. ભારેખમ વાતાવરણ વચ્ચે વીસેક મિનિટ સ્તબ્ધતા છવાયેલી રહી અને પોલીસની જીપ આવી પહોંચી.
એમ્બ્યુલન્સની ડોક્ટરે જશોદા તરફ આંગળી ચીંધીને ઈન્સ્પેક્ટરને કહ્યું. ''આ બાઈની કુંવારી દીકરીને ડિલિવરી આવી. બાળકને ટ્રેમાં મૂકીને ઉપર લાવતી વખતે જ આ બાઈએ હાથચાલાકી કરીને માસુમ બાળકને મારી નાખ્યું !''
ઈન્સ્પેક્ટરે જશોદા સામે જોયું. જશોદાએ એમના પગ પકડી લીધા. ''સાહેબ ! મારી દીકરી હજુ માંડ વીસ વરસની છે…'' ભીની આંખે જશોદા ધૂ્રજતા અવાજે બોલતી હતી. ''કુંવારી દીકરીને કોઈક હરામીએ ભોળવી એમાં આ ભવાડો થઈ ગયો. આ પાપના પોટલાનો ભાર મારી દીકરી કઈ રીતે વેંઢારી શકશે ? એ વિચારથી મગજ ભમી ગયું હતું. એકાદ વર્ષ પછી આ વાત દબાવીને છોકરીને બીજે ક્યાંક પરણાવી દઈશ એવી મનમાં ગણતરી હતી, પણ પછી તરત થયું કે છોકરું આંગળીએ હોય એનો હાથ કોણ ઝાલશે ? આ પાપનું પોટલું જ નડતર બનશે.''
ધૂ્રજતા અવાજે આટલું બોલ્યા પછી જશોદા પોતાનું રૂદન રોકવા મથી, પરંતુ પારાવાર પીડા અને પસ્તાવાની દશામાં એ રડવાનું રોકી શકી નહીં. ધુ્રસકે ધુ્રસકે રડતી વખતે એણે ઈન્સ્પેક્ટર સામે હાથ જોડયાં.
''સાહેબ ! એ પાપના પોટલાના ડાચા સામે નજર પડે ને લોહી ઉકળી ઉઠતું હતું. આ કાળમુખો નહીં હોય તો જ દીકરીનું ઠેકાણે પડશે… એ એક જ વિચારમાં મગજ ભમી ગયું હતું. આ પાપનું પોટલું ના જ જોઈએ. એવા હથોડા મગજમાં વાગતા હતા… હૈયામાં ભડભડતી આગ સળગતી હતી, અને મગજમાં ધૂંધવાટ હતો એ દશામાં હું ડાકણ બની ગઈ. ડાબા હાથે ટ્રે પકડી હતી ને ભાન ભૂલીને મેં જમણા હાથે એનું ગળું દબાવી રાખ્યું !…''
આંખમાં આંસુ સાથે એ બોલતી હતી. આજુબાજુ ઊભેલા બધાય સ્તબ્ધ બનીને ભારે હૈયે જશોદાનો વલોપાત સાંભળી રહ્યાં હતાં.
(દાયકા અગાઉની એક સત્ય ઘટનાના આધારે)
(શીર્ષક પંક્તિ : લેખક)