Shatdal

નૂતન વર્ષમાં ખોલો ખુશીઓનો ખજાનો : જાણો હેપ્પી હોર્મોન્સનું રહસ્ય

By GS Team
9 Nov 20266 mins read
નૂતન વર્ષમાં ખોલો ખુશીઓનો ખજાનો : જાણો હેપ્પી હોર્મોન્સનું રહસ્ય
  • ગોચર-અગોચર-દેવેશ મહેતા
  • સંતોષને અમૃત સમાન કહેવામાં આવ્યો છે. સંતોષ પ્રસન્નતાનો આધાર છે અને પ્રસન્નતાની સહજ અભિવ્યક્તિ છે. પ્રસન્નતા અને સંતોષ એકબીજાના પૂરક છે.'

‘Happiness is not only in achieving a goal, it is also in the anticipation and pursuit of it.
ખુશી (સુખ) માત્ર લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જ નથી, પરંતુ તે લક્ષ્યની આશા રાખવામાં અને તેને મેળવવા માટે પ્રયત્ન કરવામાં પણ છે.'
‘Let your dreams give you direction and your progress give you joy.
તમારા સપનાઓને દિશા નક્કી કરવા દો અને તમારી પ્રગતિને ખુશીનું કારણ બનવા દો.
‘Emotional Well-being is not about feeling happy every moment, it is about learning to navigate your emotions.'
ભાવનાત્મક સુખાકારીનો અર્થ દરેક ક્ષણે ખુશ રહેવું નથી, પરંતુ પોતાની લાગણીઓને સમજતાં અને સંભાળતાં શીખવું છે.
‘Peace begins when you stop fighting every feeling and start understanding it.
જ્યારે તમે દરેક લાગણી સામે લડવાનું છોડીને તેને સમજવાનું શરૂ કરો છો ત્યારે શાંતિ આવે છે.'
‘Laugh often, love deeply and live joyfully.
ખૂબ હસો, દિલથી પ્રેમ કરો અને ખુશીથી જીવન જીવો.'
‘Love, laughter and kindness are the little medicines for the soul.
પ્રેમ, હાસ્ય અને દયાભાવ આત્મા માટે નાની નાની ઔષધિઓ સમાન છે.'
‘A Warm hug can say what a thousand words cannot.
એક હૂંફાળું આલિંગન એ કહી શકે છે, જે હજારો શબ્દો પણ નથી કહી શકતા.'
‘Surround yourself with people who make your soul happy.
એવા લોકોની સાથે રહો, જે તમારા આત્માને ખુશી આપે છે.'
એક સંસ્કૃત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે - 'ચિત્તે પ્રસન્ને ભુવનં પ્રસન્નમ્, ચિત્તે વિષણ્ણે ભુવનં વિષણ્ણમ્ । અતો।ભિલાષો યદિ તે સુખે સ્યાત્' ચિત્તપ્રસાદે પ્રથમ યતસ્વ ।। જો આપણું મન પ્રસન્ન (ખુશ) હોય તો આપણને આખું જગત પ્રસન્ન દેખાય છે, જો આપણું મન વિષાદ ભરેલું હોય તો આપણને આખું જગત વિષાદ (દુઃખ) ભરેલું લાગે છે. એટલે જો તમે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માંગતા હો તો સૌથી પહેલાં તમારા પોતાના મનને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો.' અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ જનક રાજાને પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં કહે છે - 'ક્ષમાર્જવદયાતોષસત્યં પીયૂષવદ્ભજ ।। ક્ષમા, સરળતા, દયા (કરુણા) સંતોષ અને સત્યને અમૃત જેવું સમજીને એનું સેવન કરો. આમાં સંતોષને અમૃત સમાન કહેવામાં આવ્યો છે. સંતોષ પ્રસન્નતાનો આધાર છે અને પ્રસન્નતાની સહજ અભિવ્યક્તિ છે. પ્રસન્નતા અને સંતોષ એકબીજાના પૂરક છે.'
શ્રીમદ્ ભગવગ્દીતાના બીજા અધ્યાયના પાંસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે । પ્રસન્નચેતસો હયાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ।। ચિત્ત પ્રસન્ન (શાંત/નિર્મળ) થાય છે ત્યારે મનુષ્યના બધા દુઃખોનો નાશ થઈ જાય છે. પ્રસન્ન ચિત્તવાળા વ્યક્તિની બુદ્ધિ ચોક્કસ જ ખૂબ જલદીથી સ્થિર થઈ જાય છે.'
શાસ્ત્રો પ્રસન્નતા, સંતોષ, પ્રેમ, કરુણા જેવા સદ્ભાવોને અમૃત જેવા કહે છે તેમ શરીર વિજ્ઞાાનીઓ પણ એમને સ્વાસ્થ્ય માટે સંજીવની રૂપ અમૃત કહે છે. પ્રશ્ન એ થાય કે આવી ખુશી, સંતુષ્ટિ અને સંતૃપ્તિની અનુભૂતિ આપણને કેવી રીતે થાય છે ? તો એનો જવાબ આપતા શરીર વિજ્ઞાાનીઓ કહે છે કે આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન અને ન્યૂરોટ્રાન્સમીટર આવી અનુભૂતિ કરાવે છે. હોર્મોન શરીરમાં આવેલી જુદી જુદી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન કરાતા રસાયણો હોય છે. તે રક્તપ્રવાહના માધ્યમથી ફરે છે, સંદેશવાહકના રૂપમાં કાર્ય કરે છે અને અનેક શારીરિક પ્રક્રિયા થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મહત્વપૂર્ણ કાર્યોમાં એક આપણા મૂડને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. કેટલાક હોર્મોન ખુશી અને આનંદ સહિત હકારાત્મક ભાવોને વધારવા સહાયકારી બને છે. એમને 'હેપી હોર્મોન્સ', 'ફિલ ગુડ હોર્મોન્સ' તરીકે ઓળખવામાં આવે છે.
મસ્તિષ્કના ૩૦ જેટલા દ્રવ્ય પદાર્થ ન્યૂરો હોર્મોન્સ, ન્યૂરો ટ્રાન્સમીટર્સની ભૂમિકા ભજવે છે. જ્યારે શરીર વિજ્ઞાાનીઓએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે અફીણ (Morphine) સખત પીડા કે વેદનાની અનુભૂતિને દબાવી દેવા માટે મસ્તિષ્કના ક્યા ભાગ પર અસર કરે છે તો તેમણે મધ્ય મસ્તિષ્ક (Midbrain) ના ભાવનાઓ સાથે સંબંધિત ભાગમાં એવી વ્યવસ્થા જોઈ જે અફીણના રસાયણો સાથે જોડાઈ પીડા-વેદના દબાવી દેતી હતી. એ શોધના સંદર્ભમાં ૧૯૭૫માં જ્હોન હયુજેસ અને અન્ય શરીર વિજ્ઞાાનીઓએ અફીણ સાથે મળતી આવે તેવી રાસાયણિક સંરચનાવાળા પીડાનાશક અને આનંદની અનુભૂતિ કરાવનારા એન્કેફેલિન (Enkephalin) હોર્મોનની શોધ કરી. એન્કેફેલિન નાના પેપ્ટાઇડસ છે જે ન્યૂરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. તે માનસિક દબાણ ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ વચ્ચે મનોબળ દ્રઢ બનાવે છે અને તણાવમાંથી છૂટકારો અપાવે છે.
મસ્તિષ્કમાં ઉત્પન્ન થતું એન્ડોર્ફિન (Endorphin) હોર્મોન પણ ન્યૂરોટ્રાન્સમીટરનું કામ કરે છે. તે પિટયુટરી અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ દ્વારા બનાવવામાં આવતા પોલીપેપ્ટાઇડસ છે જે તણાવ ઘટાડે છે અને પીડા દૂર કરે છે. એન્ડોર્ફિનની કામગીરી વખતે જ ડોપામાઇનનું ઉત્પાદન વધી જાય છે જેનાથી ખુશી-આનંદની અનુભૂતિ થાય છે. ડોપામાઇન (Dopamine) હોર્મોન અને ન્યૂરોટ્રાન્સમીટર બન્ને છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ તેને 'ધ પાથવે ટુ પ્લેઝર (the pathway to pleasure) તરીકે ઓળખાવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રોબર્ટ વાલ્ડિંગર (Robert Waldinger) દ્વારા પ્રસ્તુત સુખી જીવન માટે આવશ્યક તત્ત્વો પર કરાયેલા સંશોધનોને પૂરા થવામાં ૭૫ વર્ષથી વધુ સમય લાગ્યો એમાં ૨૦૦૦થી વધુ લોકો પર અધ્યયન કરાયું. એનું વિશ્લેષણ કર્યા પછી મજબૂત સંબંધો, સારું સ્વાસ્થ્ય અને ખુશી (પ્રસન્નતા) વચ્ચે એક સ્પષ્ટ સંબંધ જોવામાં આવ્યો. હકારાત્મક સંબંધો બનાવી રાખવાથી ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડવા અને લાંબી ઉંમર સુધી જીવવામાં મદદ મળે છે. ખુશીના હોર્મોન (Happ Hormones) થી અને શારીરિક - માનસિક લાભ થાય છે. ડોપામાઇન ખુશીનો અનુભવ કરાવે છે ત્યારે તે કંઈક કરવાની પ્રેરણા આપે છે. તે વ્યક્તિને તેના કામ માટે પુરસ્કૃત પણ કરે છે કેમ કે તે આપણા પુરસ્કાર તંત્ર સાથે જોડાયેલ છે.'
સેરોટોનિન (Serotonin) એક મહત્વપૂર્ણ ન્યૂરોટ્રાન્સમીટર અને રસાયણ છે તેને પણ ખુશીનું હોર્મોન (Feel-good chemical) કહેવાય છે. સેરીટોનિન તંત્રિકા કોશિકાઓ (nerve cells) ની વચ્ચે સંદેશા મોકલવાનું કામ કરે છે. એનો લગભગ ૯૦ % ભાગ આપણા આંતરડા (digestive tract) માં અને ૧૦ % મસ્તિષ્કમાં બને છે. તે જરૂરી એમિનો એસિડ ટ્રિપ્ટોફેન (Tryptophan) થી બને છે.
સેરોટોનિન મનોદશા (mood) ને નિયંત્રિત કરે છે. તેનું સ્તર સામાન્ય રહે ત્યારે તે વ્યક્તિને શાંત, ખુશ અને સ્થિર રાખે છે. તે નિદ્રાના ચક્રને નિયંત્રિત કરનારા હોર્મોન મેલાટોનિનમાં મદદરૂપ બને છે. તે આંતરડામાં પાચનક્રિયા સારી કરે છે. તે રક્તવાહનીઓને સંકોચીને લોહીને ગંઠાવામાં મદદ કરે છે. સેરોટોનિનની ઓછપ અવસાદ (Depression), અત્યધિક ચિંતા (Anxiety) અને અનિદ્રા (Insommia) જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. તડકાનું સેવન કરવાથી, યોગાસન અને વ્યાયામ કરવાથી અને યોગ્ય ખાન-પાનથી ટ્રિપ્ટોફેન અને સેરોટોનિનમાં વૃદ્ધિ થાય છે.
ઓક્સીટોસિન (Oxytocin) શરીરનું મુખ્ય હોર્મોન અને ન્યૂરોટ્રાન્સમીટર છે જેને લવ હોર્મોન (Love Hormone) કે 'બોન્ડિંગ હોર્મોન' કહેવામાં આવે છે. તે આપણા સામાજિક સંબંધો, ભાવનાઓ અને પ્રજનન પ્રણાલી (Reproductive System) માં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મસ્તિષ્કના હાઇપોથેલમસ ભાગમાં બને છે અને પિટયુટરી ગ્રંથિ દ્વારા રક્તમાં રેડવામાં આવે છે. આ હોર્મોન પારસ્પારિક પ્રેમ, લગાવ, વિશ્વાસની વૃદ્ધિ કરે છે, કોઈના પરત્વે હૂંફાળી લાગણી, સ્નેહ જાગે, આંતર-ઐક્ય ઉદ્ભવતા પ્રેમનો ભાવ જાગે ત્યારે આ હોર્મોન ઉત્પન્ન થાય છે. આ બધા ઉત્કટ ભાવો સાથે જોડાયેલી કેટલીક વિશિષ્ટ શારીરિક પ્રક્રિયાઓ જેવી કે પ્રિય વ્યક્તિનો હાથ પકડવો, તેના હાથમાં હાથ પરોવી રાખવો, તેને આલિંગન આપવું (Hugging), ચુંબન કરવું વગેરે ઓક્સીટોસિન હોર્મોન ઉત્પન્ન કરે છે. શરીર વિજ્ઞાાનીઓ કહે છે કે જે યુગલ લાગણીસભર આલિંગન, ચુંબન, શારીરિક સંબંધ કરે છે તે વધારે પ્રેમસભર, ખુશ અને સ્વસ્થ રહે છે. 'હગ ડોક્ટર' તરીકે પ્રસિદ્ધ ડૉ. સ્ટોન કૌશર (Stone Kraushaar) જણાવે છે કે ઓછામાં ઓછું ૨૧ સેકન્ડ માટે કરાયેલું આલિંગન ગમગીની, ચિંતા, ભય અને નકારાત્મકતા દૂર કરીને ખુશી, શાંતિ અને પરમ સંતુષ્ટિ ઉત્પન્ન કરે છે. મિત્રો સાથે વાતચીત કરવી, હસી-મજાક કરવી, સંગીત સાંભળવું, પાળેલા પશુ-પક્ષી સાથે રમવું કોઈને મદદ કરવી એ બધાથી પણ ઓક્સીટોસિનની વૃદ્ધિ થાય છે.
ઓક્સીટોસિન માતા અને તેના બાળક વચ્ચેના સંબંધને મજબૂત અને અતૂટ કરે છે. ગર્ભાવસ્થા, પ્રસવ અને સ્તનપાન દરમિયાન મહિલાઓમાં આનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તે મહિલા પ્રજનન અંગોના કાર્યો અને સંકોચનને નિયંત્રિત કરે છે. પ્રસવ સમયે તે ગર્ભાશયને સંકુચિત(Contraction) કરવાના કામમાં મદદ કરે છે. બાળકના જન્મ બાદ તે માતાના સ્તનોમાંથી દૂધના પ્રવાહ (milk ejection) ને પ્રેરિત કરે છે. પુરુષોમાં ઓક્સીટોસિન હોર્મોન શુક્રાણુ (Sperm) ના સંચલન અને ટેસ્ટોલ્ટેરોન હોર્મોનના ઉત્પાદન માટે મદદ કરે છે. તે પુરુષોને પોતાના પાર્ટનર પ્રત્યે વધારે વફાદાર બનાવે છે. પોતાના જીવનસાથી, પાર્ટનર કે પરિવારની રક્ષા કરવા, એમનો સાથ નિભાવવા અને તેમની સાર-સંભાળ રાખવાની (care taking) ભાવના ઉત્પન્ન કરે છે.