Shatdal

માતા-પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી

By GS Team
8 Sep 20266 mins read
માતા-પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી
  • વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
  • વૃદ્ધાવસ્થા સૂકા પાંદડા જેવી હોય છે. આ જીવનનો એવો પડાવ છે જ્યાં સૂકા પાંદડા નવા પાંદડાઓને જગ્યા આપવા માટે ધીમે ધીમે ખરી પડે છે. વહેલું કે મોડું આ બધાની સાથે થવાનુંજ છે

(ગતાંક થી ચાલુ)
આ પણે ગતાંકમાં જોયું કે વૃદ્ધ માતા પિતાને વૃધાશ્રમમાં છોડી ને આવવામાં કેટલાક સંતાનો ને કોઈ શરમ નથી વૃદ્ધ્શ્રમમાં એક વૃધ્ધે તેમની સાથેની મુલકાતમાં એવું કહ્યું કે ''ધિક્કાર છે આવા સંતાનો પર . આના કરતાં સંતાન ન હોવું કદાચ વધારે સારું હોઈ શકે.
કારણ પ્રત્યેક માતા પોતાના બાળકો માટે શું
નથી કરતા?
માતા-પિતા પોતાના બાળકોને દુનિયાની દરેક ખુશી આપવા માંગે છે. ભલે તેમના ખિસ્સા ખાલી હોય, પોતાના પેટમાં ભૂખ લાગી હોય, પોતે સારા કપડાં ન પહેરી શકે તો પણ તેમના જીગરના ટુકડાની દરેક ઈચ્છા અને માંગ પૂરી કરવા માટે આખું જીવન ખર્ચી નાંખે છે.
પરંતુ જ્યારે વૃદ્ધ માતા-પિતાને પોતાના બાળકોના સાથની જરૂર પડે છે ત્યારે એજ હોનહાર બાળકો પોતાના માતા-પિતા સાથે અજાણ્યા લોકો જેવો વ્યવહાર કરવા લાગે છે. જો ભૂલથી પણ માતા-પિતા એકજ વાત બે વખત પૂછી લે તો બૂમ પાડીને કહે છે ''એક વાર સમજાવ્યું તોય સમજાતું કેમ નથી… જવાબ આપો… બોલતા કેમ નથી?''
અને આજ માતા-પિતા જ્યારે બાળક નાનું હતું ત્યારે ૨૫ વખત એકની એક વાત સમજાવતા હતાં તો પણ તેને સમજાતી નહતી છતાં પણ પ્રેમ અને શાંતિથી વાત સમજાવતા રહેતા હતાં.
મારે યુવાનોને એટલું જ પૂછવું છે કે માતા-પિતાને ખરેખર તમારી પાસેથી શું જોઈએ છે એ તેમે જાણો છો?
મારો જવાબ છે ''કંઈ જ નહિ, હા ખરેખર કંઈ જ નહીં.''
આ દુનિયામાં સંતાન અને માતા-પિતાનો એક જ એવો સંબંધ છે જે નિ:સ્વાર્થ છે. દુનિયાના બાકીના મોટા ભાગના સંબંધો કોઈને કોઈ સ્વાર્થથી જોડાયેલા હોય છે.
માતા-પિતાની બાળકો પાસેથી માત્ર એટલી જ અપેક્ષા હોય છે કે તેમનું બાળક સફળ બને. એક સારો માણસ બને અને વૃદ્ધાવસ્થામાં તેમનું ધ્યાન રાખે. આ સિવાય તેમનો કોઈ સ્વાર્થ હોતો નથી.
એક હકીકતનો હું સ્વીકાર કરું છું કે આજની પેઢી અનેક બાબતોમાં અગાઉની પેઢી કરતાં વધુ સારી સગવડ ભોગવે છે. આજના બાળકો પાસે જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપણા સમયમાં ન હતી. આજે ૨ વર્ષનું બાળક પણ મોબાઈલ ફોન ચલાવે છે. કદાચ આપણા હાથમાં મોબાઈલ ફોન જ્યારે આવ્યો હતો ત્યારે જીવનના ત્રણ કે ચાર દાયકાઓ આપણે વિતાવી ચુક્યા હતાં. આવી તો અસંખ્ય સુવિધાઓ અને રમત-ગમતના સાધનો આજના બાળકો સાથે ઉપલબ્ધ છે. પરંતુ આજ બાળકો જ્યારે ૧૪ થી ૨૦ વર્ષના થાય છે ત્યારે તેમનામાં હોર્મોનલ પરિવર્તનો ઝડપથી થાય છે અને તેની ગંભીર અસર એ થાય છે કે બાળકો ધીમે ધીમે માતા-પિતાથી દૂર થવા લાગે છે. કારણકે આ ઉંમરે બાળકોને સ્વતંત્રતા જોઈએ છે. પરંતુ માતા-પિતા તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા તૈયાર નથી. કારણ તેઓ એવું માને છે કે આવી સ્વતંત્રતા માટે આ ઉંમર યોગ્ય નથી. એટલે માતા-પિતા તેમને રોકે છે. સમજાવે છે. તેમને ખબર હોય છે કે આ ઉંમર બહુ નાજુક છે. આ એજ ઉંમર છે જેમાં ભવિષ્ય બની પણ શકે છે અને બગડી પણ શકે છે. પરંતુ બાળકોને લાગે છે કે આ ૨ વ્યક્તિઓ જ મારા સૌથી મોટા દુશ્મન છે. તેઓ માતા-પિતાથી વાતો છુપાવવા લાગે છે. જુઠ્ઠું બોલવા લાગે છે. મિત્રો સાથે રહેવામાં તેમને વધારે આનંદ આવે છે. અને પોતાના જ માતા-પિતા તેમને દુશ્મન જેવા લાગવા માંડે છે. માતા-પિતા કોઈ વાત પર ઠપકો આપે તો આજના બાળકોનો મનપસંદ પ્રતિભાવ એ હોય છે કે ''અમારા પેરેન્ટ્સ તો જુના જમાનાનાં છે.'' જો બાળકો આવું કહે છે તો તેમાં મને આશ્ચર્ય નથી થતું કારણ આ સ્વાભાવિક છે. બધા જ આવું કરે છે. ૨૫-૩૦ વર્ષ પહેલા આપણે પણ આવુંજ કરતા હતાં અને આજથી ૨૫-૩૦ વર્ષ પછી આજના બાળકોના બાળકો પણ કદાચ આ તીવ્રતા સાથે આવુંજ કહેશે. આમ આ ચક્ર ચાલતું જ રહેશે.
આ ઉંમરે બાળકો ઘણી વખત પોતાના માતા-પિતાની વાતો સાંભળતાં નથી પરંતુ બીજા માતા-પિતાની વાત સરળતાથી સાંભળી લે છે. મારું જ ઉદાહરણ આપું. આજે ઘણા લોકો મારી વાત સાંભળે છે અને માને છે. પરંતુ મારા સંતાનોને મારી વાત સમજાવવામાં હું નિષ્ફળ જાઉં છું. તમને યાદ અપાવું કે કપિલ શર્માના શોમાં આમીર ખાને પણ આજ સમસ્યા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક સ્ટારનાં બાળકો પોતાની ભાવી કારકિર્દી વિશે મારી સલાહ લેવા આવે છે પરંતુ મારા બાળકો મારી વાત સાંભળતાં નથી. આ વાત ખૂબ જ સામાન્ય છે.
આજની અત્યંત પ્રતિભાશાળી પેઢીને હું એટલું જ કહેવા માંગુ છું કે પિતાનું સન્માન ભગવાન રામની જેમ કરો. ભગવાન રામે પિતાના વચનને પૂર્ણ કરવા માટે ૧૪ વર્ષનો વનવાસ ખુશી ખુશીથી વિતાવ્યો હતો. યાદ રાખો, તમારા માતા-પિતાને તમારી પાસેથી કંઈજ જોઈતું નથી. આ દેશના દરેક યુવાનને હું કહેવા માંગુ છું કે આજથી ત્રણ બાબતો કરવાની શરુ કરો, જો તમે હજી સુધી ન કરતાં હોવ તો.
૧. દરરોજ માતા-પિતા માટે ૩૦ મિનીટ કાઢો.
તમારા વ્યસ્ત જીવનમાંથી માત્ર ૩૦ મિનીટ કાઢીને તમારા માતા-પિતા સાથે બેસો. તેમને તમારા પૈસા નથી જોઈતા પણ તમારો સમય જોઈએ છે. કારણકે તેમની પાસે હવે બહુ ઓછો સમય છે. બાળપણમાં તમારા માતા-પિતા તમારી સાથે સાપ-સીડી રમતાં હતાં.
લૂડો રમતા હતાં હવે તમારો વારો છે. હવે તમે એમની સાથે રમો. એમને એટલો આનંદ થશે જેની તમને કલ્પના પણ નહીં હોય. એમની સાથે એમના શાળા કોલેજના દિવસોની વાત કરો. જૂની વાતો યાદ કરતી વખતે એમની આંખોમાં જે ચમક આવશે એ જોઈને તમને પણ આનંદ થશે. એક હકીકત છે કે જ્યારે મન પ્રસન્ન અને તાજું રહે છે ત્યારે શરીરનું સ્વાસ્થ્ય પણ આપોઆપ સારું રહે છે. ૧ મહિનો આ રીતે કરીને જુઓ, કદાચ તેમના બેડની બાજુમાં પડેલી બી.પી. અને ડાયાબીટીસની દવાઓના ડોઝ પણ ઓછા થઇ શકે છે.
૨. માતા-પિતા સાથે ક્યારેય ઊંચા અવાજે વાત ન કરો.
જેમ જેમ તમે મોટા થઇ રહ્યા છો તેમ તેમ તમારા માતા-પિતા વૃદ્ધ થઇ રહ્યા છે. આ સમય ફરી પાછો આવવાનો નથી. એમના ગયા પછી મનમાં ઘણો અફસોસ થશે કે
''કાશ… આ કરી લીધું હોત.''
''કાશ… એમની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો''
''કાશ… એ દિવસે તેમની સાથે પ્રેમથી વાત કરી હોત તો''
યાદ રાખો વાચક મિત્રો, માતા-પિતાનું ણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી પરંતુ પોતાનો સમય આપીને તમે ઓછામાં ઓછું એ ણનું વ્યાજ તો ચૂકવી શકો છો.
અને એક વાત યાદ રાખો, ભૂલથી પણ માતા-પિતા સાથે ક્યારેય ઊંચા અવાજે વાત ન કરશો. તેમને ક્યારેય એવું લાગવા ન દેશો કે હવે તેઓ વૃદ્ધ થઇ ગયા છે, નબળા થઇ ગયા છે એટલા માટેજ અમારા સંતાન અમારી સાથે આ રીતે વાત કરે છે. ક્યારેય એ ભૂલશો નહીં કે તમારા કારણે એમની આંખમાંથી નીકળેલ એક એક આંશુ તમારી જિંદગી પર ભારે પડી શકે છે. માતા પિતા કદાચ તમને માફ કરી દેશે પરંતુ જીવન તમને દરેક બાબતમાં માફ કરે એ જરૂરી નથી.
૩. માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરેથી નીકળો.
આ ત્રીજી બાબત ખૂબજ મહત્વની છે. માતા-પિતાને પગે લાગ્યા વગર ઘરની બહાર ન નીકળો. તમારા દરેક દિવસની શરૂઆત તેમના આશીર્વાદ લઈને કરો. માતા-પિતાના દિલથી મળેલા આશીર્વાદ એક એવું સુરક્ષા કવચ છે જે તમને જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓ સામે શક્તિ આપે છે. તેમના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદને દેવતાઓ પણ રોકી શકતા નથી. હું દાવાપૂર્વક એવું કહી શકું છું કે માતા-પિતાના આશીર્વાદ સાથે આગળ વધશો તો દુનિયાની કોઈ શક્તિ તમને જીવનમાં આગળ વધતા રોકી નહિ શકે. અને છેલ્લે એટલુંજ કહીશ કે ઘરમાં બેઠેલા માતા-પિતા લક્ષ્મી નારાયણથી ઓછા નથી. દિલથી તેમના પગે માથું મુકીને જે માંગશો તે મેળવવા માટે તેમના આશીર્વાદ તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. હું ઈચ્છું છું કે આ સંદેશ દેશના દરેક યુવાનો સુધી પહોંચે, માતા-પિતા સુધી પહોંચે અને માતા-પિતા સાથે બેસીને આ સંદેશ વાંચે અને સમજે. આપણે રોજ અનેક વસ્તુઓ એકબીજા સાથે વહેંચીએ છીએ એટલેજ હું તમને વિનંતિ કરું છું કે આ સંદેશને આખા દેશમાં પહોંચાડો.
ચાલો આપણે સૌ મળીને એક એવું ભારત બનાવીએ જ્યાં કોઈ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં જવાની ફરજ ન પડે. માતા-પિતાને સમય આપો, તેમનું સન્માન કરો, તેમની સાથે પ્રેમથી વાત કરો, તેમના આશીર્વાદ લો.
ન્યુરોગ્રાફ
માતા-પિતા એક વખત ચાલ્યા જાય પછી દુનિયાની કોઈ તાકાત તેમને પાછા લાવી શકતી નથી.