ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
કાઠિયાવાડમાં અગાઉ બાપુઓના રાજ્ય સિવાય સંખ્યાબંધ આવેલા ગામડાઓ વિષે લોકોને ઓછી જાણ છે. અમે નાનપણમાં ભૂગોળ ભણતા ત્યારે વર્ણન કરાતા શહેરના તાબામાં કેટલા ગામ અને કેટલી નદીઓ એનું સવિસ્તાર વર્ણન છપાતું. એનાથી વિદ્યાર્થીઓને ભૂગોળનું જ્ઞાન જિંદગીભર યાદ રહેતું. સુરેન્દ્રનગરથી માંડીને હળવદ વચ્ચેના વિસ્તારોમાં આવેલા નાના-મોટા શહેર-ગામ ત્યાં તો ક્યાંય રોજમદારી એટલે કે કોઈ ઉદ્યોગો ધમધમતા હોય ત્યાં હજારો કર્મચારીઓ નોકરી કરતા હોય એવું ક્યાંય દેખાતું નથી. જ્યાં જુઓ અરે, નાનકડા ગામડામાં પણ બધાને નાનકડી હાટડી કરવી ફાવે છે. આમ ફાવવામાં ને ફાવવામાં નાનકડા ગામડામાં પણ જ્યાં જગ્યા મળી ત્યાં ભલે ટેણકી પણ હાટડીનો આરંભ કરીને જય ગણેશાય થઇ ગયા હોય જ.
વાત નીકળી છે તો ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલા રાજસીતાપુર ગામની વાત ઉખેળવાની ઇચ્છા થઇ ગઈ. હજીય ગામડાના ખેડૂતો કોઈ કોઈ પાટલા પર રોટલા ગોઠવીને જમે છે. વાત સીતાપુરની કરવી છે કે જ્યાં લાંબી સરસ સગવડ ધરાવતી વાવ કોણે બાંધી હશે એનું નામ નિશાન નથી. પણ જ્યારે આ ગામમાં પાણીનો દુકાળ પડયો હશે જળ પ્રાપ્ત કરવા ફાંફા મારવા પડતા હશે દરમિયાન એ જ ગામમાં રહેતા કોઈ દાનેશ્વરીએ 'ઘરનું ગોપીચંદન' કાઢીને પાણીની સગવડ માટે લાંબી વાવ ખોદાવીને બનાવી નાખી. એ સમયે તો નાળિયેર હોમાયુ હશે. ઢોલ નગારા વાગ્યા હશે. અને સર્વત્ર પાણી... પાણીનો જયજયકાર થઇ ગયો હશે ! પરંતુ અત્યારે 2020માં ? ત્યાંથી પસાર થનારી પનિહારીઓ કે ગ્રામજનો પણ એ વાવ સામે નજર સુધ્ધા નાંખતા નથી.
નજરોનજર ત્યાં પસાર થતા હાઈ-વે પરથી જોયું તો બે નહેરો વાજતી ગાજતી ખળખળ વહી જતી હતી અને અડખે-પડખેના ખેતરો લીલાછમ એવા હરિયાળા બની લ્હેરાતા હતા. આ તો કુદરતની કૃપા હતી પણ ઘરમાં ન્હાવા-ધોવા, પાણિયારે ગોઠવાયેલા માટલાઓને સંતોષવા દૂર દૂર એમ ક્યાંકથી ગ્રામપનિહારિઓ પાણીના બેડા ભરીને આવતી-જતી હશે - પણ ભૂતકાળ ભૂલાઈ ગયો છે. આજનો માનવી દુઃખી હોય છે ત્યારેબધાને યાદ કરે છે - પણ પાછો સુખી થઇ જાય ત્યારે બધું ભૂલી જાય છે એવું આજકાલ ગામડાઓની દશા-સ્થિતિ વિષે થઇ ગયું છે. આ વાવ અત્યારે ઉકરડામાં ફેરવાઈ ગઈ છે. ખેડૂતો પાસે બાઈક, અને ટ્રેકટરો આવી ગયા જમીનો તો બાપદાદાની તૈયાર છે જ. અરેહતી.
બસ માત્ર વરસાદ ઉપર આધાર રાખવામાં આવતો. બાકી પાનના ગલ્લે, ચાની કીટલીએ આપણા ગામડાના ખેડૂતો ત્યાં બેસીને ભૂતકાળ ભૂલી જાય છે. ભૂલી જ ગયા છે. રાજસીતાપુરની સુંદર વાવ જે વર્ષોથી ખંડિત અવસ્થામાં છે જેની સામે કોઈ જોતું પણ નથી. આ વાવનો ઇતિહાસનો કોઈ ફાંફાફોળા કરીને લાવો બાપુ - પણ સુંદર વાવને અખંડ સૌભાગ્યવતી કરી દો....