Get The App

રેડી ટુ રિપેર .

- સ્માઈલરામ- સાંઈરામ દવે

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
રેડી ટુ રિપેર                     . 1 - image


નૂ રો અને પીરો બંન્ને મગજ વગરના પાક્કા મિત્રો છે. ઈશ્વર જયારે અક્કલ આપતો હતો ત્યારે બે'ય ગેરહાજર હતા. આ બંન્ને જ્યાં સુધી વાત ન કરે ત્યાં સુધી ખુબ જ જ્ઞાાની લાગે, પરંતુ વાત શરુ કરે પછી સૃષ્ટિના તમામ અજ્ઞાાનીઓ તેમની પાસે પાણી ભરે.

લવીંગીયાની સેરની જેમ નુરા અને પીરાની વાતો ક્યાંથી શરુ થાશે અને ક્યાં પુરી થાશે એ બરમુન્ડા ટ્રાઈન્ગલ જેટલું જ રહસ્યમય છે. કોરોનાથી કંટાળેલો નૂરો બોલ્યો, ભાઈ પીરા આપણે તો કેવો સમય જોઈ લીધો કાં ? પીરો કહે હા ભાઈ, નોટબંધી, વાવાઝોડું, ભુકંપ, મંદી, તીડ, ગેસ લીકેજ, અને ધારાસભ્યોની લે - વેચ એક સાથે નિહાળનારી આપણી પહેલીને છેલ્લી પેઢી હશે હો !

પીરો કહે, ભાઈ આમાં બે ચાર વસ્તુ કિરતારે ભેંટ કરી બાકીની સરકારે હો !

'બસ હવે એકાદ પરમાણું ધડાકો થઈ જાય એટલે કોટા પૂરો થઈ જાય !' એ સાંભળી ને પીરો કહે, કેમ ભાઈ આવી નેગેટીવ વાતો કરે છે ?

નુરો: જો આ કોરોનાએ કોઈ રોગ નથી !

પીરો: તો શું છે ભાઈ ?

નુરો: યમરાજાનું ફૂલ પેકેજ છે. મહામારી, ભુકંપ, તીડ, સરહદની તંગદીલી, વાવાઝોડું બધું ઈન્ક્લુડ છે બસ એક પરમાણુ ધડાકો ઘટે છે.

પીરો: પણ ભાઈ ધડાકા પરથી યાદ આવ્યુ કે સાઉથ કોરીયા વાળો કીમુડો તો ગુજરી ન ગયો ?

નુરો: હા, રોયો કીધા વગરનો ગુજરી ગયો. અને આ મૂઆ કોરીયાવાળાને જો પૂછવા જઈએ તો આપણને ગુજરાવી દે.

પીરો: ક્યાંક આપણું બોલીવુડનું 'ગુજર જાયેગા' ગીત સાંભળીને તો કીમુડો ગુજરી નથી ગયો ને ?

નુરો: ભગવાન જાણે પણ આ બોલીવુડમાં કોઈ જયારે પણ ગુજરી જાય ત્યારે ચેનલ વાળા તો રીતસર એના પિતૃએ વિદાય લીધી હોય એવી કા'ણ માંડે હો.

પીરો: હા ભાઈ, જાણે કેમ આપણાં લીધે આ હીરો ગુજરી ગયો હોય.

નુરો: હીરા ઉપરથી યાદ આવ્યું પીરા ! જો સુરતમાં મંદી આવશે તો હીરાના ભાવ બહુ ઉંચા જાશે કે 

નહી ?

પીરો: પણ ભાઈ મારે તો ૨૦૨૦માં હીરા વાળી એકેય વસ્તુ ખરીદવી જ નથી. હું તો આપણાં ગામના હીરાભાઈને પણ બોલાવતો નથી. ૨૦૨૧માં જીવતો પહોંચી જાવ એટલે ગંગ ન્હાયા.

નુરો: આ ૨૦૨૧ થી યાદ આવ્યુ કે કેટલાય નેતાઓને વૈજ્ઞાાનિકો જે એકવીસમી સદીના આપણને સપના દેખાડતા હતાં એ આટલી ભયંકર હશે ખબર નહોતી.

પીરો: એકવીસમી સદી એક વસમી સદી થઈ રહી છે.

નુરો: સદીથી યાદ આવ્યુ ધોનીએ સદી પુરી કરી પણ તેની એક્ટીંગ કરનાર સુશાંત હિડ વિકેટમાં આઉટ થઈ ગયો.

પીરો: લાબું જીવવા માટે MDH મસાલાવાળા પેલા દાદાના સૌએ વેબીનાર કરવા જોઈએ. 

નુરો: આ વેબીનાર એટલે શું પીરા ?

પીરો: સેમીનારનો ફોરેનવાળો ભાઈ છે જે કુંભના મેળામાં કોક ફોરેનર ભેગો વિદેશ વયો ગયો હતો, હમણાં જ રીટર્ન થયો છે.

નુરો: અરે રે, વિદેશના ભૂરા ને ભૂરી હવે આપણાં મેળામાં કોઈ દી' નહી દેખાય ને ?

પીરો: કેમ તને દુઃખ થાય છે ?

નુરો: દુઃખ તો નહી પણ તારા મારા જેવા નખશીખ વાંઢાઓને તો આ ફોરેનરો જોઈને જ રાજી રહેવાનું હતું. 

પીરો: ખારા સમદરમાં મીઠી વીરડી સુકાઈ ગઈ ભાઈ. આ રોગની ફોરેનવાળાએ જ ઘો ઘાલી છે હવે શાંતી રાખજો.

નુરો: સાચું કહ્યું ભાઈ, પ્લેનવાળાએ એસ.ટી. બંધ કરાવી.

પીરો: એસ.ટી. ભલે બંધ હતી પણ આપણાં દેશના ગરીબ મજૂરો અમેરિકાના લૂંટફાટ કરતા સીટીઝનો કરતાં વધારે ચારિત્ર્યવાન સાબિત થયા.

નુરો: ચારિત્ર્યથી યાદ આવ્યુ કેટરીના કૈફનો વાસણ ઉટકતો વિડિયો આવ્યો પછી કપડાં ધોતો વિડિયો આવ્યો કે નહીં ?

પીરો: ના રે ના ભાઈ એ બધુ સ્ટારલોકોનું બ્રાન્ડીંગ હોય એ બધા તો રીસોર્ટમાં ધુબાકા દેતા હશે.

નુરો: પણ રીસોર્ટમાં તો ધારાસભ્યો ને જ રખાય છે ને ? 

પીરો: અરે ભાઈ એ પણ પાર્ટીનું બ્રાન્ડીંગ હોય છે જેથી લોકોને યાદ રહે કે ફલાણી પાર્ટી હજી જીવે છે.

નુરો: ઓહ...આઈ સી...! બ્રાન્ડીંગથી યાદ આવ્યું દોસ્ત કે મારા મોબાઈલમાં બ્લ્યુટૂથથી નવું સ્પીકર જોઈન્ટ કરું એટલે 'બ્લ્યુ ટૂથ રીપેર' નો જ મેસેજ આવ્યા રાખે છે. 

પીરો: ઘેલા એ રીપેર નથી 'રેડી ટુ પેર' નો મેસેજ છે. જોડી બનાવ જોડી.

નુરો: જોડી તો બનાવી ઈશ્વરે વિરાટ અને અનુષ્કાની, રણબીર ને દીપીકાની અને ઐશ્વર્યા ને અભિષેકની.

પીરો: અભિષેકથી યાદ આવ્યુ મંદી આખા દેશ પર બહુ આવવાની છે. તૈયાર રહેજે.

નુરો: મંદીનો બ્રાન્ડ એમ્બેસેડર અભિષેકને બનાવી એ તો ? પ્રોબ્લેમ સોલ્વ થાય ?

પીરો: રહેવા દે, સ્વચ્છતા અભિયાન વખતે પણ બહુ બધા એમ્બેસેડરો બન્યા હતા, પછી એ લોકો જ કચરો વધારતા હતા.

નુરો: આમે'ય જોકે હવે ઈનોવા ને ફોર્ચ્યુનરના જમાનામાં એમ્બેસેડર કોણ રાખે ?

(ત્યાં પીરાએ ગેસ છોડયો...) લે આ પરમાણુ ધડાકો... સાંઈરામના સ્માઈલરામ 

ઝટકો:

યહાં હર શખ્સ હર પલ હાદસા હોને સે ડરતા હૈ, 

ખિલૌના હૈ જો મીટ્ટીકા ફના હોને સે ડરતા હૈ.

- કવિ રાજેશ રેડ્ડી

Tags :