Get The App

ભારતીય શૈલીનાં પ્ર-શાંત ચિત્રો .

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય શૈલીનાં પ્ર-શાંત ચિત્રો                                 . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

ભારતીય શૈલીની ચિત્રકળાના પ્રહરી પ્રશાંત

કોઈ પણ કળા હોય એને નિખાર ત્યારે જ આવે કે જ્યારે એનાં બીજ નાનપણથી જ કળાકારનાં પંડમાં હોય. મૂળ કલોલ તાલુકાના ગામ હાજીપુરના પ્રશાંત પટેલે કાચી વયે પોતાની માતાને માટીની આકર્ષક કોઠી માવજતથી બનાવતાં નિરખી હતી ત્યારથી એમને માટીના પિંડમાંથી વિવિધ આકૃતિઓ બનાવવી ગમતી. શાળેય જીવનમાં પણ ભણવામાં ઓછો અને કળામાં વધુ રસ હતો એ બાળકને. પ્રાથમિક અને માધ્યમિકના ડ્રોઇંગ શિક્ષકોએ પ્રશાંત ભાઈને નાણી લીધા અને એમને કળામાર્ગે વાળ્યા. ગ્રામ્યજીવનને ઘડીક આરામ આપી તેઓએ અમદાવાદ જેવા વિકસિત શહેર ભણી પ્રયાણ કર્યું. અને સી.એન.ફાઈન આર્ટ્સમાં ન માત્ર અભ્યાસે ચડયા પણ ગુરુ. શ્રી સી.ડી.મિસ્ત્રી, નટુભાઈ પરીખ અને જય પંચોલી તેમને પ્રાપ્ત થયા. અહિં ગરવા ગુરુ રસિકલાલ પરીખ પાસે ઘડાયા. નાટય નૃત્ય લોકકલા, ગીત-સંગીત, રમતો આદિમાં રહેલો તેમનો રસ રેલાયો. પાંગર્યો અને અનેકવિધ ક્ષેત્રોમાં રહેલી રંગરાશિમાં તેઓ ઝબોળાયા. ભારતીય શૈલીની ચિત્રકળામાં ઓતપ્રોત થઈ પોતાની આગવી શૈલી વિકસાવી. આરંભકાળે જળરંગ અને પછી કેનવાસ પર એક્રેલિક રંગો તેમજ કેનવાસ પર તૈલરંગોમાં ડૂબકી મારી અર્થસભર, રસાત્મક, ઘેરા રંગ પ્રચુર ચિત્રોનાં સર્જન કર્યા. સમય જતાં સ્વયમ્ કલાગુરુ બની વિદ્યાર્થીઓમાં એકરૂપ થઈ જઇ એમણે પોતાની યાત્રા આગળ ધપાવી. એમનાં ચિત્રોમાં વિષયવસ્તુ વૈવિધ્ય ઘણું મહાકાવ્યો આધારિત, કલિકુલગુરુ કાલિદાસનાં વિખ્યાત સર્જનો રઘુવંશમ્ મેઘદૂતમ્, શાકુંતલ, કુમારસંભવ, માલવિકાગ્નિમિત્રમ્ વિક્રમોર્વશીયમ્, આદિને અનુસરી તેમણે જે ચિત્રો કલાજગતને અર્પણ કર્યા તે કાબિલે દાદ છે. માનવ પાત્રો, પશુ-પંખી, વનરાજી, વાદળ, જળચર, બ્રહ્માંડીય તત્ત્વોનો જે યથોચિત ઉપયોગ માણવા મળ્યો તે લાજવાબ છે.

કલ્પના વિસ્તાર એ જ સાચા કલાકારની ઓળખ

આદર્શ બહુરંગી ચિત્રો કેવાં હોય એનો ઉત્તર પ્રશાંતભાઈની પીંછીમાંથી પ્રગટે. પિછવાઈનાં રંગો, તેની કલા, પાત્રોના મુખભાવ ગતિશીલતા, સ્વયંસ્ફૂટ સંવાદના સ્ત્રોત એમાંથી રસળે. વૃક્ષોના આકાર, પવનને કારણે ઝોલાં ખાતાં હોય એવાં પર્ણ અને અસ્કૂટ મર્મર ભાવકના હૃદયનો કબજો લઈ લે. ચિત્રની પશ્ચાદ્ભૂમાં 'વોશ'માં ભવ્ય દીર્ઘ રંગ છટા અને ઝાંય બધી જ આકૃતિઓને ઊંચાઈ પર લઈ જાય. વળી, ક્યાંક સ્થાપત્યનાં ચિત્રો રંગોળી પૂરતાં લાગે. 'મદનદહન' ચિત્રમાં પાત્રો વચ્ચેના સંબંધોની પરાકાષ્ટા અને રંગ સંયોજન, છટા, અગ્નિ, સર્પ, તીરકામઠું, ત્રિશૂળ આદિનાં કલ્પનો પ્રતીકાત્મક બને છે. જે પારિતોષિક મેળવવામાં નિમિત બને છે. રામાયણના કેટલાક હકારાત્મક પ્રસંગોની શ્રેણીવાળા દીર્ધ ચિત્રમાંથી ઘટના અનુસાર કાવ્યગાન-અરજ સંભળાય. કેવટ રામને વિનંતી કરે કે 'પગ મને ધોવા ધો રઘુરાય..!' અને વળી, લવ-કુશ સાથે ગેલ કરતા માતા સીતા, પ્રિયપાત્ર હનુમાનજી અને ચિત્રનું મુખ્ય પાત્ર પ્રખર નથી સૂરજ જાણે કે આશિષ વરસાવે છે. તેની જવાળાઓ ઉપરનું તંત્ર આખી પૃથ્વીને ટાઢક આપે એવી અભિલાષા જાગે. પશ્ચાદ્ભૂ ઘેરો મૂળ લીલો રંગ અન્ય રંગોને કેવો ઉઠાવ આપી જાણે છે તે તો 

ચિત્રદર્શકને જ ખબર પડે. આમ, ચિત્રોમાં ઉત્સવો નૃત્યો, શૃંગાર-સજાવટ, સંવાદ, પ્રણયભાવ, વાત્સલ્યભાવ.. આહાહા..વન્યજીવો- હરણાંની ચાલ અને મનોભાવ પણ સમજાય. વૃક્ષ-ડાળી, પાન, ફળફૂલમાં જે આકાર વૈવિધ્ય છે તે ચિત્રોની ખરી શોભા છે. ક્યાંક વળી આ અદના-આગવા કલાકારે પોતાની કલ્પના થકી પાત્રો અને તેની 'પ્રોપર્ટીમાં ફેરફાર કર્યા છે. નાયિકાના હાથમાં બેડલાને બદલે તાર વાદ્ય મૂકીને તેને માનનીય અને મનનીય બનાવે તે કલાકાર ખરો.

નર્ત,નૃત્ત અને નૃત્યમાં રમમાણ પાત્રવિશ્વમાં ભ્રમણ

નૈસર્ગિક સૌંદર્યની સાથે સાથે પ્રશાંત પટેલે નૃત્ય કળાનાં કામણ વિશે પણ આંધણ મેલ્યાં છે. દીર્ઘ દૃષ્ટિ-એવી કે એ ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ધાટન નૃત્યકારો કરે. મૌલિક શાહ-ઇશિરા પરીખ પણ વિચારમાં પડી ગયા હશે કે અરે ! અમે આવાં વળાંકદાર નૃત્યોના કસબીઓ છીએ ! આ ચિત્રોમાં પણ ઘેરા-ઘાટા રંગો તો છે જ સાથે સાથે 'પેસ્ટલ કલર્સ મિશ્રિત રંગોનો જાદુ પણ તેમણે પાથર્યો છે. સંગીત મુજબ, ખાસ તો નૃત્ય- કથકમાં તાલ અને બોલ અગત્યનાં છે તેને ધ્યાને રાખીને આ વિશિષ્ટ કલાકારે પ્રત્યેક સ્ટેપ, મુદ્રા, પદચાપ, ઉઠાન, મુખભાવને ચોક્કસ નિરીક્ષણ સહિત અહીં જીવિત કર્યા છે. કેવો સુંદર કલાસંગમ ! નૃત્ય, નાટય, ગીત-સંગીત, ચિત્ર એ સૌ બની ગયાં એકમેકના મિત્ર ! આ ચિત્રોમાં પાત્રોનાં આંતરસંબંધ પણ અલૌકિક ! કઠિન મુદ્રા અને અભિનય ભાવ નૃત્યના વિષયવસ્તુને ઉજાગર કરે. ઘણાં પાત્રો 'ફેસલેસ લાગે. અધૂરાં ટાંચણ હોય પણ ભાવપૂર્ણ હોય ! વસ્ત્રાભૂષણ માટેની ઝીણી દૃષ્ટિ ઓછા-આછા રંગોવાળા ચિત્રોને બહુરંગી બનાવે છે. નૃત્યાંગના દ્વય સામસામે આંગિકમ વાચિકમ્ સહ પ્રવૃત્ત હોય ત્યારે મંચ પરની જવનિકા અજબગજબના આકારે ભેળી થતી- લહેરાતી લાગે. રંગ લસરકા ઓછા અને ભાવ વધુ. ઓછામાં વધુ કહેવાની કળા આવા પીઢ-અનુભવી કલાકારમાં જ હોય. પીળો રંગ અહીં પીઠીની યાદ અપાવે છે. આવી રંગીનયાત્રામાં ભાઈ પ્રશાંત શ્વેતશ્યામના ગૌરવને રસિકો સમક્ષ એચિંગ પધ્ધતિમાં લઈને આવે છે તે તેમનું નવલું નજરાણું છે. બસ, હવે ભાવકોની દૃષ્ટિ વિદેશને બદલે દેશ ઉપર સ્થિર થાય તો ભયો ભયો !

લસરકો : ખમતીધર બહુદિશ બહુરંગી ચિત્રોનાં પાત્રો પ્રવૃત્ત અને બોલકાં.

ગરવા ગુરુનું સ્મરણસાતત્ય એ જ વહેતીગંગા

જગતની સર્વે કલાઓમાં ચિત્રકળાનું સ્થાન અતિ અગત્યનું અને અનોખું છે. કારણએ છે કે એમાં એનો કલાકાર સંપૂર્ણપણે ઓગળી જઈને કળા કરે છે. ચિત્રનાં પ્રત્યેક લક્ષણને કલાકાર પામે છે ત્યારે તે સોળે કળાએ ખીલે છે. ચિત્રમાં અભિવ્યક્તિ સૌથી મોટો ભાગ ભજવે છે. પ્રસ્તુતિના પવિત્ર જળમાં નહાઈ કલાકાર અનર્ગળ સૌંદર્ય પ્રગટાવી શકે છે. વળી પોતે જાણે એમાંથી એ જ સમયે જન્મ્યો હોય એવી અનુભૂતિ એને થાય છે. જન્મદાત્રી મા પ્રસવ પછી જે આનંદ અને સંતોષ અનુભવે છે તે કલાકાર અને સાહિત્યકાર-બન્નેને માટે સાચું છે. આમ તો કલાકાર કોઈની પાસે કોઈ નક્કર કે ભૌતિક અપેક્ષા રાખતા નથી પરંતુ જ્યારે કલાકૃતિની સર્જન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી એના કર્તાને કોઈ સંભાળનાર જોઈએ. ક્યાં તો એ કલાકર્મી અતિ આનંદમાં આવી જઈ પોતાનાં સર્જનના દર્શનમાં ઘેલો થઈ જાય છે. અને કદાચને એને પોતાની કૃતિમાં કોઈ કચાશ દેખાય તો એ એનો નાશ કરી દઈ ફરીથી સર્જન પ્રક્રિયામાં ડૂબી જાય છે. કુદરતને ઘડીને નવરા પડેલા ઇશ્વરની પણ મનોદશા એવી જ થતી હશે. ગમ્યું તો વાહ ! ને ન ગમ્યુ તો વિાનશ ! ટૂંકમાં, સર્જક ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેને પોતાનું સર્જન પોતાના લોહીના સ્ત્રોત બાળક જેટલું જ વ્હાલું હોય છે. જેમ ઇશ્વરને તેમ કલાકારને પણ વિષયને ખોળવા ફાંફાં મારવા નથી પડતા. એ તો સહજ છે. આંતરમનમાંથી પ્રગટતી ચિત્રકળાનું જન્મસ્થાન કલાકારની દૃષ્ટિ, નિરીક્ષણ અને આંતરસૂઝમાં હોય છે. પછી જ તે કાગળ કેનવાસ, કાપડ, ભીંત કે શિલા પર દૃષ્ટિગોચર થાય છે. જરૂર પડે છે એક નેક દિલ ઇન્સાન તેના રાહબરની ગુરુની. બસ, પછી તો બધું ગોઠવાઈ જાય છે.

Tags :