પ્રાર્થના... ઈશ્વરનો આભાર માનવાની ભાવદશા...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન
- જીવનમાં કશું પણ એકસરખું હશે તો કંટાળો આવવાનો જ છે. એકસરખું સુખ હોય કે એકસરખા દુઃખ હોય એ આપણને યંત્રવત બનાવી દે છે
આભાર માન
કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા,
શ્વાસ તારાથી સહજ લેવાય છે ? આભાર માન.
કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન.
કૈંકને દ્રષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું,
આંખથી ચોખ્ખું તને દેખાય છે ? આભાર માન.
જ્ઞાાનતંતુની બીમારી ને હૃદયની કોઈને,
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન.
કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા,
જીવવાનું મન પળેપળ થાય છે ? આભાર માન.
એકસરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ,
વત્તુંઓછું જો હૃદય હરખાય છે, આભાર માન.
જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ,
હોઠ આ ફફડે છે તો બોલાય છે ? આભાર માન.
વ્હેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી,
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન.
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત,
આજે આ આભારવશ થઈ જાય છે, આભાર માન.
- રાજેશ વ્યાસ મિસ્કીન
આ પૃથ્વી ઉપર ઘણીવાર મહારોગ આવ્યા છે, મહાવિનાશક બન્યા છે અને ઘણાં મનુષ્ય જાતિ તેના સંસ્કાર અને સંસ્કૃતિને બચાવીને બહાર આવતી રહી છે. આજનો કોરોના મહારોગ શરૃઆતમાં કદાચ એટલો ગંભીર ન્હોતો લાગ્યો પણ આજે એના ડર અને એના ભણકારા એટલા જ ભયંકર બની રહ્યાં છે. વર્ષો પહેલા લખેલું આ કાવ્ય અત્યારે ખાસ્સુ વાયરલ થયું છે ત્યારે તે નિમિત્તે થોડીક વાત કરવાનું મન થયું.
જીવનમાં જ્યારે પણ દુઃખ પડે ત્યારે મનમાં થતું કે હે ભગવાન મારા જીવનમાં જ આવું કેમ બને છે ? મેં કોઈનું ય બગાડયું નથી અને છતાં હું આટલો બધો કમનસીબ છું. નાના-નાના દુઃખમાં મોટી-મોટી ફરિયાદો કરવાની આપણને ટેવ પડી ગઈ છે.
મારા એક ડૉક્ટર મિત્ર વર્ષો પહેલા તેમની હોસ્પિટલ જોવા મને લઈ ગયા. મનમાં થતું હતું કે હોસ્પિટલમાં વળી શું જોવાનું ? પણ એ મિત્ર એ હોદ્દા ઉપર હતો કે એણે હોસ્પિટલની વ્યવસ્થા કેવી કરી છે એ બતાવવા માંગતો હતો અને હું પણ ના ન પાડી શક્યો. કશું ખાસ જોવાનું નથી દર્દીઓ અને ખાટલા સિવાય એ ભાવ સાથે હું એ હોસ્પિટલમાં પ્રવેશ્યો હતો પણ એક પછી એક વોર્ડ જોતો ગયો અને જીવનમાં પહેલીવાર આંખ ખુલી ગઈ વારંવાર ભગવાનને ફરિયાદ કરનારો હું ભગવાનનો આભાર માની રહ્યો હતો. એક પછી એક વોર્ડમાંથી પસાર થતો ગયો અને દુઃખ અને પીડા શું છે એનો ખ્યાલ આવ્યો. આખી હોસ્પિટલ જોઈને બહાર નીકળતો હતો ત્યારે હોસ્પિટલની બહાર એક બહેન ઉભા હતા મને થયું કે આ ટ્રાફિકને લીધે એ રસ્તો ઓળંગી નથી શકતા લાગતા. મેં તેમને પૂછ્યું શું તમને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરું ? અને બહેને કહ્યું કે ના ભાઈ. હું મારા ઓકિસજન સિલિન્ડરની રાહ જોઈ રહી છું. બધાના ભાગ્યમાં જે મફત હવા છે ને એ મારા ભાગ્યમાં નથી આ શબ્દોએ મને હચમચાવી નાખ્યો હતો.
ઘરે પહોંચ્યા પછી પ્રાર્થનાને બદલે આ ગઝલ લખાઈ. ઈશ્વરનો આભાર માનવાનું મન થયું. આ જે શ્વાસ આપણે સરળતાથી લઈ રહ્યા છીએ એ શ્વાસ કંઈકને માટે દુર્લભ છે. એ લોકોને ગજું ના હોય તો પણ ઓક્સિજન ખરીદીને લેવો પડે છે. જો તમારાથી શ્વાસ સહજ લેવાતા હોય તો ઈશ્વરનો આભાર માનજો.
ઘણાં પથારીમાં મૃત્યુથી બદતર પરિસ્થિતિની અંદર જીવી રહ્યા હોય છે. આપણાથી પણ થઈ જાય કે હે પ્રભુ ! આના કરતા તો એ છૂટી જાય તો સારું. જો તમે આવી સ્થિતિમાં ન હોવ તો ઈશ્વરનો આભાર માનજો કે મને તેં જીંદગી સારી આપી છે. લોકોને ઉપયોગી થઈ શકો તમે પોઝિટિવ બનો એવી દ્રષ્ટિ મળે એવી પ્રાર્થના કરજો. આંખનો વોર્ડ જોયો ત્યારે કોઈની આંખમાં ઓપરેશન થયેલ હતા, કોઈ ઓપરેશનની રાહમાં હતું. તમને આશ્ચર્ય થશે પણ આંખનું ય કેન્સર હોય છે. જો તમારી આંખથી તમને ચોખ્ખું દેખાતું હોય તો દુનિયાનો વૈભવ તમારી પાસે છે એવું માનજો.
ન્યુરોના વોર્ડ તરફ જઇએ ત્યારે, હૃદયરોગના વોર્ડ તરફ જઇએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કંઇકને જ્ઞાાનતંતુની બિમારી છે, કંઇકને હૃદયની જુદી-જુદી બીમારી છે. આ જગતની અંદર તમે કોઇ વસ્તુને સ્પર્શી શકતા હોય, તમારી આજુબાજુનું જગત તમે સમજી શકતા હોવ તો તમે ઇશ્વરનો આભાર માનજો.
જીંદગીમાં માણસ દુઃખથી ઉબાઈ જાય છે એવું નથી, ઘણાં માણસો સુખથીએ ઉબાઈ ગયા હોય છે. કંઈક માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયા છે. પાગલ થઈ ગયા છે. જો પ્રત્યેક પળે જીવવાનું મન થતું હોય તો પ્રભુનો આભાર માનજો. આ દુનિયામાં ઘણાંય એવા માણસો છે જે મન વગર જીવી રહ્યા છે.
જીવનમાં કશું પણ એકસરખું હશે તો કંટાળો આવવાનો જ છે. એકસરખું સુખ હોય કે એકસરખા દુઃખ હોય એ આપણને યંત્રવત બનાવી દે છે. જડ બનાવી દે છે. ઈશ્વરની કૃપા છે અને ભાગ્યની ખૂબી છે કે સુખમાં પણ ચડ-ઉતર હોય છે અને દુઃખમાં પણ ચડ-ઉતર હોય છે. સુખ-દુઃખમાં પણ વધઘટ ચાલ્યા કરતી હોય છે. અને એટલા માટે જ મન ક્યારેક વધારે હરખાઈ જાય છે ક્યારેક ઓછું હરખાય છે. આ જે વત્તુ-ઓછું થયા કરે છે ને, આ ભરતી અને ઓટ આવ્યા કરે છે ને એ આપણી જીંદગીને ધબકતી રાખે છે. તેને લીધે જીવવાનું મન થાય છે.
ક્યારેક આપણે બોલવું હોય છે ને બોલી નથી શકતા હોતા. પણ લકવાગ્રસ્ત મેં ઘણાં એવા જોયા છે જેમને બોલવું હોય છે ને નથી બોલી શકતા અને ત્યારે બોલવાના શબ્દો આંખથી આંસુ બનીને દદડતા હોય છે. આપણે જ્યારે જે બોલવું હોય એ બોલી શકતા હોઈએ તો ઈશ્વરનો અચૂક આભાર માનવો જોઈએ. આંખોની બીમારીમાં ઘણાંને આંખ સૂકાઈ જતી હોય છે. આંખ કોરી પડી જતી હોય છે અને આ સંસારમાં પણ ઘણાં એવા પથ્થર જેવા થઈ ગયા હોય છે કે રડી શકતા નથી. સુખ-દુઃખના અવસરે તમારી આંખો ભીંજાઈ શકતી હોય, તમારા આંસુઓની પણ આબરૃ હોય, તમારા આંસુઓ પણ પાંચમાં પૂછાતા હોય તો ઈશ્વરનો આભાર માનજો.
માણસ ક્યાં તો સ્મરણોમાં જીવે છે કાં તો સપનાઓમાં જીવે છે. કાં તો ગઈકાલમાં જીવે છે કાં તો આવતીકાલમાં જીવે છે. માણસ બહુ ઓછીવાર આજમાં, અત્યારમાં, આ પળમાં જીવતો હોય છે. સુખનું સરનામું આ પળ છે. ભવિષ્યને બદલવાની શક્તિ આજની અંદર છે. ભવિષ્યમાં જે ઊગવાનું છે એના બી આજે તમે વાવો છો. જો તમે આજે પોઝિટિવ હશો તો તમારી આવતીકાલ વધુ ઉજ્જ્વળ હશે. પ્રાર્થના એટલે માંગણીઓ નહીં, પ્રાર્થના એટલે તો આભાર માનવાની ભાવદશા.