Get The App

ડરામણી પ્રતિમાઓ... .

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
ડરામણી પ્રતિમાઓ...                                 . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- શું આપણે ભાવ-ભાવનાવિહીન થતા જઇએ છીએ ? શું આપણે જ આપણી એક ડરામણી પ્રતિમા રચી રહ્યા છીએ?

બ્રાઇન્ટ મેકગિલે તેના 'વૉઇસ ઑફ રિઝન' નામના એક ગ્રંથમાં આજના આપણા સમયનું યથાર્થ ચિત્રણ થોડાક જ શબ્દોમાં કરાવ્યું છે. તેણે ધર્મ, ન્યાય, રાજકારણ, સમાજ, શાસન, મૂડીવાદ કે નીતિ વગેરેનો ઉપદેશ આપ્યા કરતી બધી સંસ્થાઓ આજે લગભગ હિંસાથી પ્રભાવિત થયેલી છે તેવું તારણ કાઢ્યું છે. આપણે સંમત થઇએ કે ન થઇએ પણ આજે હિંસકવૃત્તિનું પ્રમાણ વધ્યું છે, અણસમજ વધુ વિસ્તરતી જાય છે. માણસ વધુ અસહિષ્ણુ બનતો જાય છે, અસત્ય હવે સત્યના જેવો મહિમા પામતું જાય છે. વિવેકની વાત પણ સહજ બનવાને બદલે જીવનશાસ્ત્રનો ઘસાઈને લુપ્ત થવા આવેલા સિક્કા જેવો શબ્દ બની ગયો છે. સંસ્કૃતિની વાતો કરતાં કરતાં આપણે વિકૃતિના પ્રદેશમાં વિના રોકટોક પ્રવેશી ગયા છીએ. કોઈ આપણને હાડ-ચામ-માંસનો એક સાવ નિરર્થક આકાર હવેનાં વર્ષોમાં કહી બેસે તો નવાઈ નહીં.

હું આ બધું લખું છું ત્યારે તાજેતરનાં બે દ્રશ્યો મારા ચિત્તમાં અનેકરૂપે આવીને ઘણા પ્રશ્નો જગવી રહે છે. વાત મારે બે માણસની કરવી છે, સાથે બે કૂતરાંની પણ. દ્રશ્યમાં જોયેલા બંને માણસો દેખાવ-પહેરવેશમાં તો શિક્ષિત લાગતા હતા. મધ્યમ નહીં, મધ્યમ વર્ગમાંથી આવતા હોય તેવું ય સ્પષ્ટ લાગતું હતું. એમ કહેવામાં દેખાવ ઉપરાંત બીજું કારણ એય હતું કે બંને પાસે પોતે પાળેલા, રાખેલા હૃષ્ટપુષ્ટ કૂતરા હતા. તેનું લાલન-પાલન સારી રીતે થતું હશે એવું પણ પહેલી નજરે જ જણાતું હતું. માત્ર દ્રશ્ય વિસ્તરે છે ત્યારે ખ્યાલ આવતો જાય કે આ બંને યુવકો જેવા છે તેવા અંદરથી નથી. તેમની સારી જણાતી વેશભૂષા છેતરામણી ભરેલી છે. બંનેનાં કૃત્યોમાં નર્યુ અસહજ વર્તન હતું. બંને અધીર હતા, અસંસ્કૃત તો નહીં કહું પણ સંસ્કૃત કહી શકીએ તેવું તેમનામાં જોવા મળ્યું નહીં. પહેલું દ્રશ્ય એક-બે મિત્રો પોતાના એક પાળેલા શ્વાનને લઇને રસ્તા પર પોતે અથવા તો કૂતરાને ફરવા લઇને નીકળ્યા છે. આવાં કૂતરાં લઇને નીકળનારાઓના ચહેરા, ચાલ પણ નોખાં હોય છે. આ દ્રશ્યમાં પણ એવું હતું. રોડની એક બાજુ વૃક્ષોની હારમાળા હતી. વૃક્ષોના છાંયામાં નાખેલા એક બાંકડા પર ત્રણ-ચાર સિનિયર સિટિઝન બેઠેલા હતા. કહો કે વરિષ્ઠ નાગરિકો. ઘણુખરું નિરુપદ્રવી તેવાઓ હોય - સાલસ પણ, પેલું કૂતરું અને એનો નવલોહિયો માલિક ત્યાંથી પસાર થાય છે. કૂતરું ત્યાં પેશાબ-પાણી કરે છે. પેલા બાંકડા નજીક. વાત સામાન્ય છે. કૂતરાનો કે માલિકનો તેમાં દોષ ન કાઢી શકાય. પણ પેલા વરિષ્ઠ નાગરિકોમાંથી એક જણ આમ જ, સહજભાવે કહ્યું કે આવી રીતે, અહીં માણસો બેઠા હોય ત્યાં ગંદવાડ ચાલે નહીં. વરિષ્ઠની વાત ખોટી તો નહોતી જ. કૂતરું પાળનારે થોડીક સ્વચ્છતાની તકેદારી રાખવી જોઇએ. ખાસ તો કૂતરું પાળ્યું છે ત્યારે. પણ પેલા યુવકોને આ વાત સ્વમાનભંગ જેવી લાગી. વાતને તેમણે સાચી દિશામાં લેવાને બદલે અહમ્નો મુદ્દો બનાવી વરિષ્ઠ નાગરિકને આવેશથી મારવાનું શરૂ કરી દીધું. વરિષ્ઠ નાગરિકે બચવા માટે વૃક્ષની ઓથે લપાઈ જઇ આઘા-પાછા થતા રહ્યા. પ્રયત્નો એળે ગયા, માર ખાવો જ પડયો અને યુવકો એવા વૃદ્ધ સામે વિજયી નીવડયા તેઓનો અહમ્ પોષાયો ! ટાળી શકાય તેવી હિંસાને બદલે હિંસા વડે બળ અને અસહિષ્ણુતાની વૃત્તિને પરોક્ષપણે સધિયારો મળ્યો. આ ક્રોધ, આ હિંસા, આ સહિષ્ણુતા, આ અવિવેકનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. માણસ પોતાનાથી જ ઘણો દૂર નીકળી ગયો છે અને પોતાની જ સાચી ઓળખ ભૂલી પણ ગયો છે. રચાતા આવતા નવા સમાજની આવી જો તાસીર હોય તો મેકગિલને સાચો જ લેખવો પડે.

- અને મારી સમક્ષ એક બીજું દ્રશ્ય છે. આ દ્રશ્ય પણ આજના જ અપ-ટુ-ડેટ યુવકનું છે. દેખાવે સંસ્કારી, વસ્ત્રપરિધાનમાં સંસ્કારી પણ વર્તનમાં નરી અધીરાઈ, ધીરજનું લક્ષણ જ ન જણાય. રેલવેના પ્લેટફોર્મ પર એ યુવક પણ એના શ્વાન સાથે લટાર મારી રહ્યો છે. પોતાને જ્યાં જવાનું હશે ત્યાં જતી ટ્રેનની એ રાહ જોઈ રહ્યો છે અને એટલામાં પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઊભી રહે છે. પણ આશ્ચર્ય એ છે કે ટ્રેન સ્ટાર્ટ થઇ ધીમી ગતિએ આગળ વધવાનું શરૂ કરે છે ત્યારે જ પેલો યુવક કૂતરાને ટ્રેનના ડબ્બામાં બેસાડવા આખા શરીરનું બળ એકઠું કરી ધક્કો મારે છે, કૂતરું કોઇને કોઈ રીતે અંદર જવા તૈયાર નહોતું. ટ્રેનની ધીમી ગતિએ યુવક પણ દોડતા જઇ કૂતરાને લઇને, ડબ્બામાં તેને ધકેલવા પ્રયત્ન કરે છે, પણ ટ્રેન વધુ ગતિ પકડે છે. કૂતરું ડબ્બામાં જતું નથી ને ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગામાં છેવટે એ નીચે પડી જાય છે ! ગાડી પસાર થઇ જાય છે, પેલો યુવક મોં વકાસીને જોઈ રહે છે. આજુબાજુના લોકો પોતાની રીતનું તર્કશાસ્ત્ર રચતા જાય છે, સિક્યોરિટી ગાર્ડ જેવો આદમી પણ નીચે નજર નાખીને બે ડગલાં આગળ વધે છે. પછી કૂતરું ચગદાઈ ગયું હશે કે બચી ગયું હશે, કે પેલા ભાઈની મનોદશા શી કે કેવી થઇ હશે તે એ દ્રશ્યમાં જોવા મળ્યું નહીં. પણ આ 'દ્રશ્ય' ય આજના સમાજની જ જુદી છબી રજૂ કરે છે. તમે ગાડી ગતિમાં આવે ત્યારે ટ્રેનમાં કેમ ચઢવાનું પસંદ કરો છો ? કૂતરાને સાથે લઇને પ્રવાસ કરો છો તો તેનો આગોતરો પ્રબંધ કેમ કરતા નથી ? કૂતરાને ડબ્બામાં ધકેલવા જતાં તમે જાતે જ સંતુલન ગૂમાવો તો કૂતરા જેવી શું તમારી પણ દશા ન થાય ? 'જોશ'ની સામે 'હોશ' જરૂરી નથી ? મૂંગાં પ્રાણીઓ પાળતા હોઈએ તો આમ તેમના વાંક વિના તેઓને મૃત્યુના મુખમાં ધકેલી શકો ખરા ? આવી બધી બાબતોમાં સાર-અસાર-વિવેક શું જરૂરી નથી ? શું આપણે સાચેસાચ શિક્ષિત છીએ ખરા ? શું આપણે આપણા કે પશુના જીવનના મૂલ્યને સમજ્યા છીએ ખરા?

શું આપણે ભાવ-ભાવનાવિહીન થતા જઇએ છીએ ? શું આપણે જ આપણી એક ડરામણી પ્રતિમા રચી રહ્યા છીએ ? શું આપણે આલ્બર્ટ કામૂ કે કાફકાની કોઈ કૃતિના પાત્રો બની રહ્યાં છીએ ? રે યુવાન ! જાગતા રહેવા જેવું છે. અંધત્વનું કાજળ આંજી આપવા અનેક પરીઓ નીકળી પડી છે. ચેતો ! બુધ્ધ-મહાવીર હવે નથી જન્મવાના. અહિંસા-કરુણાની દિશા આજે સૌને સાદ દઈ રહી છે. એ ચૂક્યા તો ભવિષ્ય કોઇને માફ કરતું નથી, કરશે નહીં... વરણાગી વાચાળતા વિષકન્યા છે.

Tags :