મનખાવતાર પ્રેમાવતાર છે! .

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
મનખાવતાર પ્રેમાવતાર છે!                                     . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- તું જે જુએ છે તેમાં શું સ્વીકાર્ય છે કે કયું અસ્વીકાર્ય છે તેનો વિવેક સ્વયં કરવાનો છે. 

મ નુષ્ય અવતાર દુર્લભ છે. એકવાર મળ્યો છે તો તેને જીવી જાણવાનો છે, જીવી બતાવવાનો છે, તેને જીતી લેવાનો છે. બાકી જીવી તો બધા જ જાય છે. ખાવું-પીવું-ભણવું-લગ્ન કરવાં - સંતાનો પેદા કરવાં-તેમની જવાબદારી લેવી-નોકરી કરવી અને પછી ટાંપીને બેઠેલું મોત એકાએક આવી આપણી બાજીને સંકેલી લે છે. જીવ્યા ખરા, પણ ખરું જીવી જાણવાનું બાકી જ રહી જાય છે. રાંડયા પછીનું કોઈનું પણ ડહાપણ નકામું જ હોય છે. ક્યારેક થોડી થોડી તે વિશે સમજ પડવા માંડે છે ત્યારે મોટાભાગનું આયુષ્ય હાથમાંથી સરકી ગયું હોય છે. એક પગ જીવનમાં, બીજો પગ મૃત્યુ લગોલગ- કહો પછી એવી સમજને ય શું કરવાની.... ?

જીવન દોહ્યલું છે. મનખાવતાર પ્રેમાવતાર છે, સમતા અને મમતાનો આ અવતાર છે, કલ્યાણ અને સભર સૌંદર્યનો આ અવતાર છે, માણસને જ નહીં, સમગ્ર સૃષ્ટિને ચાહી લેવાનું આ અનૂઠું ભ્રમણ છે. ઈશ્વરે અહીં મોકલ્યા, ઈશ્વરે જ અહીંથી ઉપાડી લીધા. આ બે વસ્તુ ઈશ્વરાધીન છે. પણ એ બે બિન્દુ વચ્ચેનો થતો વિસ્તાર આપણા થક્કી થયેલો હોય છે. બસ, ત્યાં જ પ્રશ્ન કરી રહેવાનો છે : મારે મારો વિસ્તાર કેવી રીતે કરવો છે ? મળેલાં વર્ષોને કેવી રીતે ધન્ય કરી રહેવાં છે ? માત્ર પશુવત્ જીવી જીવું છે કે કશુંક સમયની આ પટ્ટી પર અંકિત કરીને જવું છે. ખાલી હાથે આવીને, ખાલી હાથે જ જવાનું - એવું ચવાઈ ગયેલું વિધાન આપણે સૌ વારંવાર ઉચ્ચાર્યા કરીએ છીએ પણ એ માત્ર પોપટિયું ઉચ્ચારણ થઈને રહી જાય છે. ખાલીહાથે ભલે આવ્યા, ખાલી હાથે ભલે જઈએ - પણ એ વચ્ચેના અવકાશમાં માણસ ઈચ્છે તો ઘણું ઘણું કરી શકે. બીજું તો ઠીક, પણ પોતાને, પોતાના આત્માને, એ સવેળા ઓળખી લે તોય એનો બેડોપાર થઈ જાય. સૌનો રસ્તો ભલે અલગ હોય, પણ એ રસ્તે કાંટા તો પાથરવાના નથી જ, એ રસ્તે વેરઝેરનાં બી તો વાવવાનાં નથી જ, એવો રસ્તો બીજાને મુશ્કેલીમાં મૂકે તેવો તો ન જ હોઈ શકે. એ રસ્તો બીજાને અવળે માર્ગે ચઢાવી દે તેવો લગીરે ન હોવો જોઈએ. વ્યવસાય ગમે તે હોય, જાતિ-પાતિ ભલે અલગ અલગ હોય, પદ-પ્રતિષ્ઠામાં ભલે ફરક હોય પણ છેવટે સમાન વસ્તુ તો આપણે 'માનવ' છીએ એ જ અવશેષમાં રહે છે. બસ, આ 'માનવ' છીએ એટલી સમજ કેળવાય તો પછી માનવે સાચે સાચ શું કરવું જોઈએ તે વિશેનાં દ્ધાર આપો આપ ખૂલી રહેશે. ઈશ્વરે એના સાચ્ચા પ્રતિનિધિ રૂપે આપણને 'આત્મા' આપ્યો છે. બસ, જરૂર પડે તેને પૂછો, તે અવશ્ય સાચા પંથે દોરશે. પણ આપણે આત્માને ભંડકિયામાં પૂરી દઈ બુધ્ધિ પાસે તેના ઉત્તરો મેળવવા જઈએ છીએ. બુધ્ધિ અને તર્કને ઘણી લેતી-દેતી છે. આત્મા-હ્ય્દયને યથેચ્છ રીતે નિયંત્રિત કરીને પછી આપણને જુદા પાટે ચઢાવી દે છે. બાકી આત્મા કહે છે :

નિહાળી રહે, જો ચારે તરફ જો. બધે સૌંદર્ય જ સૌંદર્ય છે. જળ છે, જળપ્રપાત છે, નદી છે, નદ છે, સમુદ્ર છે, પહાડો છે, ખીણો છે, વૃક્ષો છે, વનશ્રી છે, પંખીઓ છે, પશુઓ છે, પંખીના અવાજ છે. આ આકાશ છે, આ પૃથ્વી છે, આ ઋતુઓ છે, તેની સમયે સમયે વૈભવી મુદ્રાઓ છે. આ બધું તો જો. અને હા, તારી ચારે તરફ માનવ મહેરામણ છે. તેમના ભાતભાતના ચહેરા છે, તેમનાં એકાધિક કર્મો છે, તેની ચાલના પણ ભિન્ન ભિન્ન છે. મનુષ્ય તું એ બધું માણી લે, નીરખી લે. અને તું માનવ ! એ સર્વને સાંભળી પણ રહે. અહીં અકલ્ય અવાજોનું એક બીજું વિશ્વ છે. બોલનારે બાલનારે જુદા શબ્દો છે, જુદા અવાજ અને તેમના જુદા આરોહ-અવરોહ છે. અને હા, જુદા જુદા અર્થો પણ એ બધું કાન સરવા કરી સાંભળવા જેવું છે. 'જોવાની' ક્રિયામાં જેવાં રૂપ-અરૂપ, સૌંદર્ય અને કદરૂપતા બંને છે, તેમ નારી 'સાંભળવાની' ક્રિયામાં પણ વિરોધોનું વિશ્વ પડેલું છે. ક્યાંક એ અવાજ કર્કશ છે, ક્યાંક એ અવાજ મધુર છે, ક્યાંક ને તને દૂર દૂર ખેંચી જઈને તારા આત્માને પ્રફુલ્લ કરી રહે છે. તો કોઈક કોઈક અવાજો તને દિશાભ્રાન્ત પણ કરી મૂકે. વશીકરણ તો બંને અવાજોમાં છે. દ્રશ્યો તો બંને પ્રકારનાં છે. જ્ઞાાન-વિજ્ઞાાન છે, સંવેદના છે, કરુણા છે, કરુણતા પણ છે, પ્રેમ છે, નફરત પણ છે, મીઠો આવકાર છે તો તિરસ્કાર પણ છે કોઈક કોઈને માટે હાથ પ્રસારી રહે છે તો કોઈક પકડેલા હાથને તરછોડી પણ રહે છે. કોઈકની જીભ પર સરસ્વતી છે, તો કોઈકની જીભ પર સાક્ષાત રાવણ જેવી અહ્મભરેલી ભાષા પણ છે. કોઈક અહીં શિશુની જેમ ભલોભોળો છે તો કોઈક અહીં શકુનિની જેમ દુષ્ટતાની જાળ પણ બિછાવી રહ્યું હોય છે. તારી આ 'જોવાની' અને 'સાંભળવાની' ક્રિયા એમ એકદમ તને મૂંઝવી રહે તેવી છે. તું બધીવાર કંઈ તારી ઈચ્છા પ્રમાણે આંખને બંધ પણ કરી શકે તેમ નથી, તો કાન પર હાથ રાખીને સાંભળ્યું - ન સાંભળ્યું પણ કરી શકે તેમ નથી. 

કારણ કે તું આ સૃષ્ટિનો, આ સમગ્ર સંસારપ્રપંચનો, એક હિસ્સો છે. તું એ બધાં સાથે ક્યાંક ને ક્યાંક, કશેક જોડાયેલો છે. તારે એવા સંબંધનો સહજ રૂપે સ્વીકાર કરવો રહ્યો અને એ અનિવાર્ય પણ છે....

પણ ખરી વાત 'જોવા', 'સાંભળવા' પછીની એ સર્વને તારી રીતે અનુભવવાની છે. તું જે જુએ છે તેમાં શું સ્વીકાર્ય છે કે કયું અસ્વીકાર્ય છે તેનો વિવેક સ્વયં કરવાનો છે. સૂપડું તારી પાસે છે. તારે તારા હાથે છડતાં છડતાં એ વચ્ચેનો ભેદ જાણી અનુભવવાનું છે, ગ્રહણ કરવાનું છે. એ જ રીતે 'સાંભળવા'નું તો પારાવાર છે. ન્યાયાધીશ મૂંઝાઈ જાય એ રીતે તારી અંદર બેઠેલા વકીલો સામસામી દલીલો કરશે, પ્રમાણો આપશે, તર્ક-દ્રષ્ટાંતો રજૂ કરશે. સૌ પોતાનો સત્ય હોવાનો દાવો સિદ્ધ કરવા મળશે. તારે તે વખતે ભેદ કરી, ફરી વિવેકને કામે લગાડી જાણી લેવાનું છે કે ક્યા અવાજને મારે, કેટલો સ્મરણમાં રાખવાનો છે. ખરી વાત, મનુષ્યને આ જગતને એમ અનુભવવાની છે. પણ એ 'અનુભવવાની' ક્રિયા આપણી પાસે અમુક સજ્જતા માગી લે છે. તુલસીએ એના સમયમાં કહ્યું તે આજે વિભિન્ન રીતે પ્રસ્તુત તો છે જ :

તુલસી ઈસ સંસાર મેં પાંચ રતન કૈ સાર,

સંત મિલન, અરુહરિકથા, દયા, ધર્મ, ઉપકાર.

અહીં  સંત મિલન એટલે સદ્દપુરુષ, સદમિ, સાચી વ્યક્તિનો સંગ એમ સમજવાનું છે. હરિકથામાં કથાની વાત કરતાં સજ્જન પુરુષોની વાણીનો આપણા સમયમાં અર્થ લેવાનો છે. એ આપણને સદ્દ-અસદ્ વચ્ચેના અંતરનો ખ્યાલ આપી રહે છે. દયા-કરુણાની વાત આજે એજ રૂપે, પ્રેમ-સ્નેહભાવ રૂપે સાચી છે. ધર્મનો અર્થ અહીં ધર્મ નથી, કર્તવ્ય છે, ધર્મ એટલે ઊચું નૈતિક જીવન. ઉપકારનાં અર્થ અન્યને મદદરૂપ થઈ રહેવું, એક મનુષ્યે બીજા મનુષ્યને સધિયારો પૂરો પાડવાનો છે, તેના હમદર્દ બની રહેવાનું છે. માણસ માણસ સાથે તો એમ જોડાયેલો રહે પણ પેલી આખીય પ્રકૃતિ-પંખી સૃષ્ટિ સાથે પણ એવા જ કરુણાના ભાવે જોડાયેલો રહેવો જોઈએ. તેના થકી કશે-કશું ક્ષત-વિક્ષત ન થાય તેવી તેની ઉમદા જીવનશૈલી હોવી જોઈએ. કહો કે આ બધું આપણા ભીતરને ભિન્ન રીતે સજ્જ કરી રહે છે. જીવનનો ખરો અર્થ જ આવી વ્યાપક ચેતના સાથે વિધાયક રીતે જોડાઈ રહેવાનો છે. હું મને ચાહતો થઈશ તે ક્ષણથી જ અન્યને ચાહતો થઈશ. એટલે આરંભ સ્વજાગૃતિથી થવો જોઈએ. જીવનને પ્રેમભૂમિ બનાવવાની છે. વૈકુંઠ જવા કરતાં વ્રજ વહાલું ત્યારે જ લાગે જ્યારે ચેતના પૂર્ણ રૂપે વિકસિત થઈ રહે. ઈશ્વરે આપણી સામે એમ વિશ્વ મૂકી આપ્યું છે, માણસ મૂકી આપ્યો છે. તેનો આખો સંસાર ખડો કરી દીધો છે પણ શાનું ચયન કરવું તે તો પેલો વિવેક જ શીખવે છે. પરોપકાર નિષ્ઠા, પવિત્રતા, આભિજાત્ય, માનવતા, સંસ્કાર, શીલ વગેરે શબ્દો શબ્દકોશમાંથી બહાર નીકળવા જોઈએ અને જીવનકોશમાં તેનું રૂપાન્તર થઈ રહેવું જોઈએ. એમ થાય તો અશુભ વિચાર કે અશુભ કર્મ આપોઆપ નિર્મૂલ થઈ રહેશે. જીવન ખુદ એક સભરયાત્રા બની રહેશે. ઈચ્છીએ તો એમ જિંદગીને હરિયાળો બગીચો બનાવી રહીએ, અન્યથા જીવન તો જીવી જવાય પણ ઉપર ભૂમિ જેવું - લુખ્ખું, ખડબચડ ગતિ ચૈતન્ય છે, અગતિ જડતા છે. ગતિ છે ત્યાં અસ્તિત્વ છે, 'બિઈંગ' છે અને ત્યાં જ જીવનના આનંદઓધ છે, સાર્થક્ય પણ.


Google NewsGoogle News