Get The App

વાઘને ય વાઘણ પર વહાલ હોય છે...ને દીપડો ય દીપડી આગળ દિલ ફેંક બની જાય છે !!

- ને બેય જણાં એકી સાથે શ્વાસના પંખાળા ઘોડા પર બેસીને ભોલે ભંડારીનાં ચરણોની સેવા કરવા ઊપડી ગયાં !!

- રણને તરસ ગુલાબની- પરાજિત પટેલ

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
વાઘને ય વાઘણ પર વહાલ હોય છે...ને દીપડો ય દીપડી આગળ દિલ ફેંક બની જાય છે !! 1 - image


'હું જઈશ જ, જે થવાનું હોય તે છો થાય !' શાશ્વતીના મનમાં બસ, એક જ ધૂન છે: જવું છે એટલે બસ, જવું છે ! હું કશાયથી ગભરાતી નથી ! મારે વળી ચિંતા શાની ? ચિંતાને મેં ચિતા પર ચઢાવી દીધા છે ! ફિકરની ફાકી કરી નાખી છે ! મારો મુરલી આવશે જ. એ ય નીકળી ગયો હશે ! મહાદેવના મંદિરે બેઠો બેઠો મારી રાહ જોતો હશે... ને હું ન જાઉં ? મારા વાલમને મળવા હું ન જાઉં ? મુરલી તો મારો મનનો માણીગર છે ! આગળ જંગલ છે તો શું થઇ ગયું ? જંગલમાં વાઘ-દીપડા છે તો શું થઇ ગયું ?

હું જઇશ જ.

એ બેઠો હશે જંગલની વચ્ચોવચ્ચ વહેતી નદીના કિનારે મંદિરના ઓટલે ! પાક્કો શિવભક્ત છે: 'ઓમ નમઃ શિવાય'નો મંત્રજાપ કરતો હશે !

ને ત્યાં જ હું જઈશ. મને એ જોશે, ને જોતાં જ બોલી ઊઠશે: 'આવી ગઈ મારી ઢીંગલી ?'

'આવવું જ પડે ને !'

'હું તારી જ રાહ જોતો હતો, મારી ઢીંગલી !'

'આ આવી ગઈ તમારી ઢીંગલી ! હવે તો રાજીને ?'

'રાજી ! રાજી ! તારા વગર રાજી નહોતો... તારી જ ચિંતા સતાવતી હતી મને ! થતું હતું: મારી ઢીંગલીને જંગલનાં જાનવર હેરાન તો નહિ કરે ને ?'

'ના... હેરાન નથી કરી મને ! ને એક વાત સાંભળી લે, મારા ઢબૂડા ! આ ખૂંખાર જંગલી જાનવર વિરહની આગમાં શેકાતા માણસને હેરાન નથી કરતાં ! વાઘને ય વાઘણ પર વહાલ હોય છે, ને દીપડો ય દીપડી આગળ દિલફેંક બની જાય છે ! પ્રેમીઓને વનનાં જાનવર ન સતાવે ! હું ક્યાં બીજા કશા કામે નીકળી હતી ? હું તો મારા સાયબાને મળવા નીકળી હતી !'

એક વાત કહું ?

કહી જ નાખું.

મુરલી મને 'ઢીંગલી' કહે છે ! નામ તો છે, શાશ્વત ! પણ આ તો પ્રિયજને દીધેલું નામ છે: ઢીંગલી ! એ ય પાછી એની ઢીંગલી ! હા, એક વાત કહી દઉં તમને ! હું ય ઓછી રૂપાળી નથી ! ગોરો ગોરો વાન છે ગોળ મટોળ ચહેરો છે. નશીલાં નેણ છે... ને મારું મોટામાં અને રૂપાળામાં રૂપાળું અંગ તો મારું સ્મિત છે ! હું સહેજ ગુસ્સામાં બોલું, તો ય હોઠ પર સ્માઇલ તો હોય જ વાત કરતાં કરતાં સ્મિત વેરવાની આદત છે ! હસીને કોઇના દિલમાં વસવું !

ને બીજી વાત.

મુરલી ય દેખાવડો છે. ગોરી-ગુલાબી કાયા છે. ઊંચો પૂરો અને કસાયેલો દેહ છે ! એય હસે તો છે જ. પણ એની સ્ટાઇલ જુદી છે. એ તેની આંખો વડે હસે છે... અને આમ હસવામાં તો અમે એકમેકના દિલમાં વસી ગયાં ! નદી કિનારે છે ભોલે ભંડારીનો મુકામ ? પુરાતન મંદિર છે ! હું ય દર્શનાર્થે આવી હતી, દર્શન કરતી હતી, શિવજીને હાથ જોડીને કરગરતી હતી: 'તારી કૃપાનો વરસાદ મારા પર વરસાવજે, મારા બમ બમ ભોલે !'

ને મંદિરના જ ખૂણા પર બેસવા જતી હતી ત્યાં જ 'ઁ નમઃ શિવાય'ના મંત્રજાપનો મધુર સ્વર મારા કાને પડયો. મારી નજરનું હરણું એ દિશામાં દોડી ગયું: ને માંહ્યલું મન રાજી રાજી થઇ ગયું ! જાણે કામદેવ અવતાર લઇને સ્વયં ઊભા હોય, એવું મને લાગ્યું ! હું નજીક ગઈ. એના સ્વરને સાંભળી રહી. મેં સ્મિત ફરકાવ્યું, તો એણે નજર દ્વારા મારા ભણી સ્મિતનું પાર્સલ મોકલ્યું... પછી એણે સ્મિતના ફુવારાનો મારા પર છંટકાવ કર્યો.

એ ય હસ્યો.

ને હું ય હસી.

'નામ ?'

'મુરલી ! ને તમારું ?'

'શાશ્વતી !'

'વાહ, નામ તો સરસ છે, પણ હું તો તમને ઢીંગલી જ કહીશ. ગમશે ?'

'તમે કહેશો તો જરૂર ગમશે !'

હાથને સ્પર્શી ગયા હાથ. થઇ ગયો કાયમનો સંગાથ. કહી દીધી એકમેકના હૈયાની વાત. રદિયાને મળી ગયો મોંઘેરો સાથ ! જોઈ રહ્યો બેયને જગતનો નાથ ! એણેે કૃપાનો વરસાવ્યો સતત વરસાદ !

અમે ક્યારેક મળીએ.

ક્યારેક મંદિરના ઓટલે તો ક્યારેક નદીના કિનારે ! ક્યારેક વૃક્ષની નીચે, તો ક્યારેક જળના ઓવારે ! અમે પાવા વગાડી દીધા પ્રીતના ! અમે મનડાં ભરીને ગાયાં ગીતડાં !

આજે એનો મેસેજ આવ્યો છે: 'હું મંદિરના ઓટલે બેઠો બેઠો સાંજના પાંચ વાગે તારી રાહ જોતો હોઈશ, તું આવી જજે, મારી ઢીંગલી !'

મેં ફોન કરી દીધો: 'આજ આવું છું મારા વાલમને મળવા. તારી હાર્યે મારે ભવ ભવના સાગર છે તરવા !'

ને હું નીકળી છું.

મારા વાલમને મળવા.

મારા મુરલીને મળવા.

મારા ઢબુડાને મળવા.

વચ્ચે ખાઈ આવે છે.

ડરતી નથી !

જંગલ આવે છે !

ચિંતા નહિ !

વાઘ દીપડા ય હશે જંગલમાં !

હું ગભરાતી નથી !

ને હું પહોંચી ગઈ નદીના કિનારે: કલ્પના હતી કે વાલમ નદીના કિનારે બેઠો હશે ! વિચાર્યું હતું કે વાલમ મંદિરના ઓટલે બેસીને મારી રાહ જોતો હશે ! પણ આ શું ? ન દેખાયો વાલમ ! મુજને ક્યાંય મળ્યો ના સાજન ! મેં બૂમો પાડી: 'મુરલી ! 

મારા મુરલી !! જો, હું આવી ગઈ છું તારી ઢીંગલી ! તું ક્યાં છે ?'

અને ત્યાં જ પીપળાના થડ પાસેથી લથડિયાં ખાતો મોંઢામાં ફીણ ફીણ વાળો મુરલી મારી સામે આવ્યો. ને ત્યાં જ લથડીને ઢગલો થઇ ગયો ! 'શું થયું છે, મારા મુરલી ?' તો એણે જવાબમાં ત્રુટક સ્વરે લોચા વાળતાં કહ્યું: 'ઢીંગલી, મને નાગે ડંસ દીધો છે. મારા પાપની સજા ઊપરવાળા હજાર હાથવાળા ભોલે ભંડારીએ મને આપી દીધી છે. મેં તને છેતરવાનું પાપ કર્યું... છે !' ને હું એને પૂછી રહી: 'કયું પાપ ? કઇ રીતે છેતરી છે મને ?' ને શ્વાસહીન બની ગયેલા મુરલીના હાથમાંનો કાગળ મેં ખેંચી લીધો. એમાં લખ્યું હતું: 'ગઇકાલે રાત્રે ભોલે ભંડારી મારા સપનામાં આવ્યા હતા, ને બોલ્યા હતા: 'શાશ્વતીને અંધારામાં રાખીને તેં પાપ કર્યું છે ! તું તો પરણેલો છે, બે બાળકોનો બાપ છે ! છતાં એક નિર્દોષ યુવતીના ભોળા નાજુક હૈયા સાથે શા માટે ખેલ ખેલી રહ્યો છે ? તેં પાપ કર્યું છે, ને પાપનું ફળ તારે ભોગવવું જ પડશે !' પછી સ્વપ્ન ઊડી ગયું હતું. મેં તારી સાથે કરેલા પાપની હું માફી માગવા માગતો હતો...ને હું અહીં આવ્યો હતો...'ને પછી જે બન્યું હતું તે શાશ્વતીની સમજમાં આવી ગયું ! એણે ખેલ ખેલ્યો હતો, મારા દિલ સાથે ! ને એનું પરિણામ એને મળી ગયું હતું.

શાશ્વતીએ એના દેહ પર હાથ ફેરવીને કહ્યું: 'મુરલી, હું તને માફ કરું છું. ઉપરવાળો તને ભવોભવ સુખી કરે એવી યાચના કરું છું. ભોલે ભંડારી સમક્ષ !'

ને માનશો ?

એ જ ક્ષણે શાશ્વતી પણ ઢગલો થઇ ગઈ: શ્વાસ પંથકનો ઘોડાપલાણી ગયા ! ને બેય જણાં એક સાથે જ ભોલેનાથનાં ચરણોની સેવા પામવા શ્વાસના પંખાળા અશ્વ પર બેસીને દૂર-સુદૂર ચાલ્યાં ગયાં !! વગડો રોયો ! વહેતી નદી રડી ! મંદિરનો ઓટલો રડયો ! ને સાંજની આરતીની ઝાલર બજી ઊઠી !

Tags :