For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'બર્બરતા' અને 'ક્રૂરતા' શબ્દો વામણા લાગે એવા કરતૂતોવાળી ડાકૂરાણી કુસુમા

Updated: Jan 24th, 2023

Article Content Image

ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક

જેની જિંદગી રોમાંચક હોવા છતાં જેના પર ફિલ્મ નથી બની છે એ ખૂંખાર ડાકુરાણી અત્યારે કાનપુરની સેન્ટ્રલ જેલમાં ભક્તિ કરે છે. ભયાનક ગુસ્સાવાળી કુસુમા નાયીનની ક્રૂરતાની કથાઓ જાણ્યા પછી એનું પરિવર્તન આશ્ચર્યજનક છે

માણસ જે પરિસ્થિતિમાં મૂકાય છે એ મુજબ એનું ઘડતર થાય છે. કોઈ ડાકુ શોખથી ડાકુ બન્યો હોય એવું જાણવા નથી મળતું. અન્યાયથી ત્રાસીને ડાકૂ બન્યાની વાતો જ જાણવા મળે છે. ચંબલની ડાકુરાણીઓની કથાઓમાં પણ સ્વૈચ્છિક ડાકુગીરી સ્વીકાર્યાનો એકેય કિસ્સો જડતો નથી. મજબૂરીથી હાથમાં બંદૂક પકડનારી ડાકુરાણી પૂતળીબાઈ કે ફૂલનદેવીના જીવન પર આધારિત ફિલ્મો પણ બની ચૂકી છે.

જેની જિંદગી રોમાંચક હોવા છતાં જેના પર ફિલ્મ નથી બની છે એ ખૂંખાર ડાકુરાણી અત્યારે કાનપુરની સેન્ટ્રલ જેલમાં ભક્તિ કરે છે. ભયાનક ગુસ્સાવાળી કુસુમા નાયીનની ક્રૂરતાની કથાઓ જાણ્યા પછી એનું પરિવર્તન આશ્ચર્યજનક છે.

ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાના ટિકરી ગામમાં ઈ.સ. ૧૯૬૪માં કુસુમાનો જન્મ થયેલો. બાપા ગામના સરપંચ અને સરકારી રેશનની એમની દુકાન. લાડકોડમાં ઉછરેલી કુસુમાને ભણવું નહોતું. એ છતાં, નવ-દસ વર્ષની ઉંમરે એને નિશાળમાં ધકેલવામાં આવી. ત્રણ વર્ષમાં લગીરેય અક્ષરજ્ઞાાન એણે નહોતું મેળવ્યું પણ સરપંચની દીકરી હોવાથી તેર વર્ષની ઉંમરે એ ત્રીજા ધોરણમાં પહોંચી ગઈ!

એ વખતે પાડોશમાં રહેતો છોકરો કુસુમાને ગમી ગયેલો. એ માધવ મલ્લાહ કુસુમાથી આઠેક વર્ષ મોટો હતો. સરપંચની આ એકની એક દીકરી માધવને પણ ગમતી હતી પરંતુ પોતાની હેસિયતનો એને ખ્યાલ હતો. હિંમતની સાથે ભયાનક ગુસ્સો, ક્રૂરતા અને પરપીડન વૃત્તિ કુસુમાના લોહીમાં વણાયેલી હતી. તેર વર્ષની ઉંમરે એણે માધવનો હાથ જકડયો. પ્રેમનો એકરાર કરીને કહ્યું કે આપણે ગામ છોડીને ક્યાંક ભાગી જઈએ. મારા બાપથી તું કેમ ડરે છે? તું બીકણ છે? આવા ટોણાં મારીને એણે માધવને પાનો ચડાવ્યો એટલે માધવ મલ્લાહ એને ભગાડી જવા તૈયાર થયો. એક રાત્રે એ બંને ભાગીને દિલ્હી પહોંચી ગયા. આખા ગામમાં હોહા મચી ગઈ. પોતાના તમામ સંબંધો વાપરીને દીકરીને શોધવા માટે કુસુમાના બાપાએ એડીચોટીનું જોર લગાવ્યું.

ઉત્તરપ્રદેશની પોલીસ ધારે તે કરી શકે છે. વીસેક દિવસમાં જ આ પ્રેમીપંખીડાને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધા. કુસુમાને એના પરિવાર પાસે પહોંચાડી દીધી. ડાકુગીરીનો કેસ કરીને માધવ મલ્લાહને જેલમાં ખોસી દીધો. પોતે ચંબલનો ડાકૂ તો હતો નહીં એ છતાં પોલીસે એને ડાકુ ગણાવીને જેલમાં પૂરેલો એટલે માધવ મલ્લાહનું મગજ ભમી ગયું હતું. ત્રણ મહિના પછી જેલમાંથી છૂટીને સીધો જ વિક્રમ મલ્લાહ પાસે પહોંચી ગયો. ફૂલનદેવી અને વિક્રમ મલ્લાહની ગેંગ એ સમયે નવી જ હતી. મલ્લાહ હોવાથી માધવને વિક્રમે ગેંગમાં સમાવી લીધો.

આ તરફ કુસુમા પાછી આવી એના એક જ મહિનામાં એના પરિવારે મુરતિયો શોધી કાઢયો. કુસુમાને કરેલી ગામના કેદાર નાયી સાથે પરણાવી દીધી..

વિક્રમ મલ્લાહ-ફૂલનદેવીની ધાક હવે વધતી જતી હતી. જેલમાં ગયો ત્યારે માધવ લાચાર હતો પણ હવે ગેંગનો ટેકો હતો. કુસુમાને પરાણે પરણાવી દીધી છે એવી જાણકારી મળી એટલે પોતાના પ્રેમ પ્રકરણની વાત કરીને એ વિક્રમને કરગર્યો કે મારે કુસુમા જોઈએ છે. ઈ.સ.૧૯૭૭માં વિક્રમ અને માધવ પોતાના ડઝન સાથીઓ સાથે કરેલી ગામ પર ત્રાટક્યા. કુસુમાના પતિ કેદાર નાયીની છાતી પર બંદૂકનું નાળચું રાખીને એ લોકો કુસુમાને ઉઠાવી ગયા!

પોતાના પ્રેમીએ જે ખેલ પાડયો એનાથી કુસુમા ખુશ હતી. હવે માધવની સાથે સુખેથી રહેવા મળશે એવી એને કલ્પના હતી, પરંતુ એનું સપનું રોળાઈ ગયું. ચંબલના કોતરો વચ્ચે રહેનારી આ ડાકૂટોળીમાં ફૂલનદેવીનો જ હુકમ ચાલતો હતો. કુસુમા આવી એ ફૂલનદેવીને જરાયે ગમ્યું નહોતું. એને બીક હતી કે ભૂલેચૂકેય પોતાનો પ્રેમી વિક્રમ મલ્લાહ જો આ છોકરી ઉપર ફીદા થઈ જશે તો? એ શંકાને લીધે એ કુસુમાને હડધૂત કરતી હતી. આખી ટોળકી માટે રસોઈ બનાવવાની, પાણી ભરવાનું, વાસણ ઉટકવાના આ તમામ કામ એને વળગાડી દેવામાં આવ્યા. કુસુમાએ પોતાના પ્રેમી માધવની પાસે ઉભરો ઠાલવ્યો કે તું મને આવી મજૂરી કરવા માટે ઉઠાવી લાવ્યો છે? એણે ફરિયાદ કરી પણ માધવ ખુદ ફૂલનદેવી અને વિક્રમની તાબેદારીમાં હતો. મોં ખોલવાની એનામાં હિંમત નહોતી. પોતે ઉલમાંથી ચુલમાં પડી છે એની અનુભૂતિ થયા પછી પણ કુસુમા પાસે કોઈ વિકલ્પ નહોતો. માધવ, વિક્રમ અને ફૂલનદેવી-એ ત્રણેય પ્રત્યેનો હડહડતો ધિક્કાર મનમાં ધરબીને પારાવાર પસ્તાવા સાથે એ જીવતી હતી.

બેહમેઈ ગામમાં પોતે જે અમાનુષી  અત્યાચાર વેઠેલો એની આગ ફૂલનદેવીના હૈયામાં સતત સળગતી હતી. ઠાકુરો ઉપર બદલો લેવા માટે એણે મલ્લાહ યુવાનોની ટોળી બનાવી હતી. ડાકુ લાલારામની ગેંગ ઠાકુરોની હતી અને ફૂલનદેવી લાલારામને ખતમ કરવા માગતી હતી. યુવાન કુસુમાને જોઈને એણે પ્લાન બનાવ્યો. એણે વિક્રમ અને માધવને કહ્યું કે આપણે કુસુમાને લાલારામ પાસે મોકલી દઈએ-મારણ તરીકે! કુસુમા લાલારામને પોતાની પ્રેમજાળમાં ફસાવીને મારી નાખે તો ચંબલમાં આપણો કોઈ હરીફ ના રહે.

ઓપરેશન સરસ રીતે પાર પડયું અને આશરો માગતી યુવતી બનીને કુસુમાએ લાલારામની ગેંગમાં પ્રવેશ મેળવી લીધો. વિક્રમ અને ફૂલનદેવી ખુશ હતા કે કુસુમા લાલારામને પ્રેમમાં ફસાવીને ટૂંક સમયમાં આપણા સકંજામાં લઈ આવશે. આ તરફ ફૂલનની જોહૂકમીમાંથી છૂટવાનો કુસુમાને આનંદ હતો. લાલારામ રંગીલો હતો એટલે એને લપેટમાં લેવામાં કુસુમાને વધારે દિવસ ના લાગ્યા. ફૂલને એને ગેંગમાં નોકરાણીની જેમ રાખેલી, અહીં લાલારામ એના પર મરતો હતો. લાલારામે એને હથિયારોની તાલીમ આપી. રિવોલ્વર, રાયફલથી માંડીને સ્ટેનગન ચલાવવામાં કુસુમાએ માસ્ટરી મેળવી લીધી. એને મોકલી હતી પ્રેમનું નાટક કરવા, પણ લાલારામની દિલાવરી જોઈને કુસુમા લાલારામની પત્ની બનીને રહેવા લાગી. એને લીધે ગેંગમાં એનું બે નંબરનું સ્થાન બની ગયું.

લૂંટ કરવા જાય ત્યારે કુસુમાનો ગુસ્સો અને ક્રૂરતા જોઈને લાલારામ પણ ડઘાઈ ગયો હતો. બંદૂક તાકીને પોતે ધમકી આપે ત્યાં તો કુસુમા સ્ટેનગનથી ધડબડાટી બોલાવી દેતી. સ્ટેનગન અને કારતૂસોનો ડબ્બો હમેશાં સાથે જ રાખતી.

સાસરેથી ઉઠાવી લાવીને માધવે ફૂલનની ગેંગમાં પોતાની હાલત નોકરડી જેવી કરી નાખી હતી. વાઘનો શિકાર કરવા મારણ તરીકે બકરી બાંધવામાં આવે છે એમ ફૂલન અને વિક્રમે પોતાને લાલારામ પાસે ધકેલી હતી-આ બધુંય યાદ આવે ત્યારે કુસુમાના હૈયામાં વેરની આગ ભડકી ઉઠતી હતી. બંને મલ્લાહને ખતમ કરી નાખવા માટે એ મોકાની રાહ જોતી હતી. પોલીસની ઘોંસ વધે ત્યારે વિક્રમ અને માધવની સંતાઈ રહેવાની જગ્યાની કુસુમાને ખબર હતી. એ ત્યાં નજર રાખતી હતી. એ બંને ત્યાં છે એવી ખબર પડી કે તરત એણે લાલારામને જાણકારી આપી. લાલારામ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યો. સામસામે ગોળીઓની રમઝટ બોલી. લાલારામ પૂરી તૈયારી સાથે આવેલો અને પેલા બંને ઊંઘતા ઝડપાયેલા. એ અથડામણમાં વિક્રમ અને માધવ બંનેને લાલારામે મારી નાખ્યા! હવે લાલારામની ગેંગમાં કુસુમાના માનપાન વધી ગયા.

પોતાના જીગરના ટૂકડા જેવો વિક્રમ અને એની સાથે માધવની હત્યા થઈ એને લીધે ફૂલનદેવી વેરની આગમાં સળગતી હતી.

લાલારામની તાકાત હવે વધી ગઈ હતી. એણે અને કુસુમાએ સીમા પરિહારનું અપહરણ કર્યું. (એ સીમા પરિહાર પણ પાછળથી કુસુમાની જેમ ડાકુરાણી બનેલી) લાલારામ અને કુસુમાની પ્રેમકથા હવે જગજાહેર હતી.

લાલારામ અને શ્રીરામ ઠાકુરની ગેંગ ઠાકુરોના બેહમાઈ ગામમાં છે એવી બાતમી મળી એટલે ફૂલને આરપારની લડાઈ માટે તૈયારી કરી. આમ પણ બેહમાઈમાં થયેલી પોતાની બેઈજ્જતી એ ભૂલી નહોતી. એ વેદનાનો વલોપાત હૈયામાં દાવાનળ બની ચૂક્યો હતો.

તારીખ ૧૪-૫-૧૯૮૧ના દિવસે પૂરી તાકાત સાથે ફૂલનદેવી બેહમાઈ ઉપર ત્રાટકી. લાલારામ કે શ્રીરામ તો ના મળ્યા પણ ફૂલને ગામના ઠાકુરો ઉપર કચકચાવીને વેર લીધું. ગામના ઠાકુરોને લાઈનમાં ઊભા રાખીને ગોળીઓ વરસાવી. એક સાથે બાવીસ ઠાકુરોની હત્યા કરીને એણે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો! ફૂલનદેવીએ જે ખોફનાક રીતે વેર વાળ્યું હતું એનાથી આખા ઉત્તરપ્રદેશની પોલીસ દોડતી થઈ ગઈ હતી. લાલારામ અને કુસુમા પણ ફૂલનને શોધીને મારવા માટે પેંતરા ગોઠવતા હતા. 

કુસુમાની ક્રૂરતા દિવસે દિવસે વધતી જતી હતી. ક્યારેક તો એ લાલારામને પણ ગાંઠતી નહોતી. અપહરણ કરીને જે માણસને પકડી લાવ્યા હોય એને સાંકળથી બાંધીને હંટરથી ફટકારતી, સળગતા લાકડાથી ડામ દેતી. એક દિવસ કરેલી ગામમાં જઈને પોતાના પતિ કેદાર નાયી અને એના સમગ્ર પરિવારને કારણ વગર ઝૂડી નાખ્યો! બેહમાઈ કાંડના એક વર્ષ પછી ફૂલનદેવીએ આત્મસમર્પણ કરી દીધું એ પછી ચંબલની કોતરોમાં ધાડ, અપહરણ અને હત્યાઓ માટે લાલારામ અને કુસુમાને મોકળું મેદાન મળી ગયું.

એક ગામમાં લૂંટ વખતે કુસુમાએ એક સ્ત્રી અને બાળકને જીવતા સળગાવી દીધા ત્યારે કુસુમાની ક્રૂરતા જોઈને બીજા ડાકૂઓ પણ થથરી ગયા હતા. બેતવા નદીના કાંઠે મઈઅસ્તા ગામમાં મોટા ભાગની વસ્તી મલ્લાહોની હતી. માધવ અને વિક્રમ-એ બંને મલ્લાહ પ્રત્યે કુસુમાના મનમાં જે ભયાનક આક્રોશ હતો એ ત્યાં ધાડ પાડવા ગયા ત્યારે બહાર આવ્યો. હાથમાં સ્ટેનગન લઈને કુસુમાએ એક સાથે પંદર મલ્લાહોની  લાશ ઢાળી દીધી!

 એના થોડા દિવસો પછી કોતરમાં સંતોષ અને રાજબહાદુરને પકડીને ચાકુથી એમની આંખો કાઢીને જીવતા છોડી મૂક્યા!

કુસુમાની ક્રૂરતા જોઈને હવે તો લાલારામ પણ મનોમન ફફડતો હતો. એમાં એક દિવસ કુસુમા સાથે ચડભડ થઈ. લાલારામે ગુસ્સે થઈને એને માસમાણી ગાળ દીધી. એ વખતે કુસુમાના હાથમાં સ્ટેનગન હતી. લાલારામની છાતીએ નાળચું અડાડીને કુસુમાએ કહ્યું કે હિંમત હોય તો ફરી વાર બોલ. અત્યારે જ તને વીંધી નાખીશ. ગભરાયેલા લાલારામે ગાળ બોલવાને બદલે કહ્યું કે કુસુમા, મેં તને ધૂળમાંથી ઊંચકીને આકાશ સુધી પહોંચાડી છે.

ગુસ્સાથી લાલઘૂમ કુસુમાએ સામે સંભળાવ્યું કે લાલા, હવે તારી એ ઓખાત નથી કે તું મને આકાશથી નીચે ઊતારી શકે. આજથી આપણો સંબંધ ખતમ-આટલું કહીને સ્ટેનગન અને કારતૂસનો ડબ્બો લઈનેએ ચાલી ગઈ.

ચંબલના બધા ડાકુઓના ગુરૂ ગણાતા રામાશ્રય તિવારી ઉર્ફ્ ફક્કડબાબા પાસે એ પહોંચી ગઈ. કુસુમાના કારનામાઓ બધા જાણતા હતા. આ ગેંગમાં બીજા નંબરનું સ્થાન એને મળી ગયું. ફક્કડબાબા ડાકુ હતા છતાં અધ્યાત્મ અને ભક્તિમાં એમને રસ હતો. એ ફક્કડબાબાને પણ પોતાના પ્રેમના રંગમાં રંગીને કુસુમા એની પત્નીની જેમ રહેવા લાગી!

ફક્કડબાબાનો મુખ્ય કારોબાર અપહરણનો હતો, પણ કુસુમાના આગમન પછી એમાં લૂંટ અને હત્યાનો સિલસિલો ચાલુ થઈ ગયો. ક્રૂરતામૂર્તિ કુસુમા હવે તો હેન્ડગ્રેનેડ પણ છૂટથી વાપરતી હતી. ખંડણીની રકમ ઉઘરાવવા માટે એણે પોતાના લેટરહેડ છપાવ્યા હતા! એક ધાડ વખતે પોલીસ સાથે અથડામણ થઈ ત્યારે કુસુમાએ જીપમાં બેઠેલા ત્રણેય પોલીસને વીંધી નાખ્યા હતા!

ઉત્તરપ્રદેશના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ હરદેવ આદર્શ શર્મા તાજેતરમાં જ નિવૃત્ત થયા હતા. સમાજવાદી પક્ષની નેતા પ્રભા કટિયારે એમના પુત્ર પવન શર્માને ઈટાવા પાસે જુહરિયા ગામમાં એક વાસ્તુપ્રસંગે આવવા ખૂબ આગ્રહ કર્યો. પવનને અભ્યાસના ભોગે જવું નહોતું એટલે તારીખ ૪-૧-૧૯૯૫ના રોજ હરદેવ શર્મા ત્યાં જવા નીકળ્યા. ત્રણ દિવસ સુધી એ પાછા ના આવ્યા એટલે પિતાને શોધવા પવન જુહરિયા પહોંચ્યો. ત્યાં એને જાણકારી મળી કે પ્રભા અને એની સાગરિત નિર્મલા ગંગવારે પિતાનું અપહરણ કરાવ્યું છે. એક જાણકાર વચેટિયાને સાથે લઈને પવન કોતરોમાં પહોંચ્યો. આઠ બંદૂકધારીઓનો પહેરો વટાવીને એ ફક્કડબાબા અને કુસુમા પાસે પહોંચ્યો.

તારા બાપને અમે પચીસ લાખ આપીને ખરીદ્યો છે. તું પચાસ લાખ આપીને એને છોડાવી જા. કુસુમાએ પવનના હાથમાં લેટરહેડ પકડાવીને ધમકી આપી કે પૈસા નહીં મળે તો તારા બાપની લાશ મળશે. પચાસ લાખની વાત સાંભળીને પવલ થીજી ગયો. આટલી મોટી રકમ આપવાનું શક્ય નથી એમ કહીને પવન કરગર્યો પણ કુસુમા અને ફક્કડબાબા મક્કમ રહ્યા.

તારીખ ૮-૧-૧૯૯૫ના દિવસે સહસો પોલીસસ્ટેશન પાસે નિવૃત્ત ADGહરદેવ શર્માની લાશ મળી ત્યારે પોલીસખાતું ખળભળી ઉઠયું. પવન શર્માએ કુસુમા અને ફક્કડબાબાના નામજોગ ફરિયાદ નોંધાવી. કુસુમાને પકડવા માટે પાંત્રીસ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું અને અનેક સ્પેશિયલ ટીમ કોતરો ખૂંદવા લાગી. પણ કુસુમાના સાથીઓ મજબૂત અને વિશ્વાસુ હતા એટલે પોલીસના પ્રયત્નો નિષ્ફળ ગયા.

વહેતા સમયની સાથે ફક્કડબાબા વધુ ધાર્મિક બન્યા અને એમણે કુસુમાને સમજાવી કે આ ભાગદોડની જિંદગી છોડીને આત્મસમર્પણ કરીએ. કુસુમા કમને સંમત થઈ અને ઈ.સ.૨૦૦૪માં આખી ગેંગ સાથે બંનેએ આત્મસમર્પણ કર્યું. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો.  IPC ૩૦૨, ૩૬૫ અને ૩૪ હેઠળ બંનેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી. ચુકાદો જાહેર થયો ત્યારે વિફરેલી કુસુમાએ કહ્યું કે બાબા, આ સજા તારા પાપે. ત્યાં કોતરોમાં જલસાથી રહેતા હતા ને હવે જેલમાં રહેવું પડશે! બાબાએ એને શાંત પાડીને ધર્મધ્યાનની સલાહ આપી.

કાનપુરની સેન્ટ્રલ જેલમાં અત્યારે શ્રેષ્ઠ કેદીનું બિરૂદ મેળવીને ફક્કડબાબા દરરોજ કેદીઓને ધાર્મિક પ્રવચન સંભળાવે છે. કુસુમા દરરોજ સ્નાન કરીને બે કલાક પૂજાપાઠ કરે છે. રામ લખતાં શીખીને નોટબૂકમાં રામ રામ લખ્યા કરે છે!


Gujarat