For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બદાયુમાં બે માસૂમની હત્યાનું રાઝ ખૂલશે?

Updated: Apr 2nd, 2024

Article Content Image

- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- સાજિદ ભાગતો હતો ત્યારે એના મોઢા પર માંસના લોચા અને લોહી ચોંટેલું હતું. બાળકોની હત્યા કરીને સાજિદે એમનું લોહી પીધું હશે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી! 

- અહાન

- આયૂષ

- આરોપીઓના પિતા બાબુ

- જાવેદ

- બચેલો પીયૂષ દાદી સાથે

- સાજિદ

- માતા સંગીતા

- પિતા વિનોદ ઠાકુર

ઉ ત્તરપ્રદેશનું બદાયું શહેર હિન્દુ-મુસ્લિમની લગભગ સમાન વસ્તી ધરાવે છે. આ શહેરમાં તારીખ ૧૯-૩-૨૦૨૪,મંગળવારે બનેલી એક ઘટનાએ આખા ઉત્તરપ્રદેશને આંચકો આપ્યો છે. દેશભરના અખબારોએ પણ બે માસુમ બાળકોની ક્રૂર હત્યાની ઘટનાને ચમકાવી છે.

આ ઘટના સાથે સંકળાયેલા કુટુંબનો પરિચય મેળવવા માટે ભૂતકાળમાં જવું પડશે. ચોત્રીસ વર્ષ અગાઉ,ઈ.સ.૧૯૮૯ માં ઉપરૈલા ગામમાં જન્માષ્ટમીના દિવસે પાલખીયાત્રા દરમ્યાન જફરૂદ્દીનનો બાર વર્ષનો પુત્ર હસનૂ ગૂમ થઈ ગયો. બે દિવસ પછી ખેતરમાંથી હસનૂની લાશ મળી! પોલીસને કોઈ સાક્ષી કે પુરાવા ના મળ્યા એટલે કોઈની ધરપકડ ના થઈ, પરંતુ ગામના બધા લોકોને ખાતરી હતી કે આ હત્યા બાબુએ જ કરી છે! પોલીસે કંઈ ના કર્યું પણ ગામલોકોનો આક્રોશ ભભૂકતો હતો એટલે જફરૂદ્દીનના પરિવાર સાથે મળીને એ લોકો હુમલો કરશે એવી બીકને લીધે બાબુએ ગામ છોડયું અને રાતોરાત પોતાની બીબીને લઈને ભાગી ગયો! એણે બદાયુંથી ચૌદ કિલોમીટર દૂર સખાનું કસબામાં જીવવાનું શરૂ કર્યું. બાબુનો વ્યવસાય હજામનો હતો. એણે સખાનુંમાં જૈન દેરાસરની સામે પોતાનું હેરકટિંગ સલૂન શરૂ કર્યું. 

માર્ચ,૨૦૨૪ ની સ્થિતિ જોઈએ તો બાબુ પંચોતેર વર્ષનો છે. એને સંતાનમાં ત્રણ દીકરા. સૌથી મોટો સાજિદ બત્રીસ વર્ષનો. આઠમું ધોરણ પાસ કર્યા પછી એણે બાપનો ધંધો સ્વીકાર્યો હતો. સાજિદથી નાના જાવેદે તો છઠ્ઠા ધોરણ પછી જ તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. એ બંનેથી નાનો વાજિદ પણ બાપના ધંધામાં જ લાગી ગયો હતો. 

સાજિદ અને જાવેદના લગ્ન થઈ ચૂક્યા હતા, વાજિદ હજુ કુંવારો હતો. નાના ગામના એક સલૂનમાં બાપ અને ત્રણ દીકરાઓ એકસાથે શું કમાય? એટલે ઈ.સ.૨૦૧૯ માં બદાયુંમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં બાબા કોલોનીની સામે લાકડાની કેબિનમાં સાજિદે હેરકટિંગ સલૂન ખોલ્યું. સખાનુંમાં બાબુ અને સૌથી નાનો દીકરો વાજિદ ધંધો સંભાળતા હતા. બદાયુંમાં સાજિદના સલૂનમાં જાવેદ મદદ કરવા આવતો હતો.

બાબા કોલોનીમાં સાજિદના સલૂનની સામે જે બે માળનું મકાન હતું એમાં વિનોદ ઠાકુરનો પરિવાર રહેતો હતો. વિનોદ કોન્ટ્રાક્ટર હતો. હર ઘર જલ યોજનામાં ગામેગામ ઓવરહેડ ટાંકીઓ બનાવવાનો એણે કોન્ટ્રાક્ટ રાખેલો હતો. ઘરના નીચેના એક ઓરડામાં વિનોદની પત્ની સંગીતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. વિનોદ અને સંગીતાને સંતાનમાં ત્રણ પુત્રો. મોટો તેર વર્ષનો આયૂષ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. વચેટ આઠ વર્ષનો પીયૂષ. એ ત્રીજામાં અને સૌથી નાનો છ વર્ષનો અહાન પહેલા ધોરણમાં ભણતો હતો. શીવદેવી સરસ્વતી વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા ત્રણેય ભાઈઓ ઘેર આવીને વિનોદના માતા મુન્નીદેવી-દાદી સાથે મસ્તી કરતા હતા.

એમના ઘરની સામે છેલ્લા પાંચ વર્ષથી સાજિદનું હેરકટિંગ સલૂન હતું એટલે વિનોદ અને ત્રણેય દીકરાઓ એને ત્યાં જ હજામત કરાવતા હતા. કોઈ નાનું-મોટું કામ હોય તો સાજિદ એમના ઘેર પણ આવતો હતો. સાજિદના સલૂનની બાજુમાં એના જ્ઞાતિબંધુઓએ પણ લાકડાની ચારેક કેબિન બનાવીને ત્યાં પરચૂરણ ચીજવસ્તુઓનો ધંધો શરૂ કરેલો હતો. સલૂનનો કારોબાર સાજિદ સંભાળતો હતો. જાવેદ પણ આવતો હતો. 

રોજ તો રાત્રે નવેક વાગ્યા સુધી સાજિદનું કામકાજ ચાલુ રહેતું હતું, પરંતુ તારીખઃ ૧૯-૩-૨૦૨૪, મંગળવારે સાંજે ચાર વાગ્યે કેબિન બંધ કરીને એ જતો રહ્યો એટલે બધાને નવાઈ લાગેલી. સાંજે સાડા સાત વાગ્યે સાજિદ પાછો આવીને વિનોદ ઠાકુરના ઘરમાં ગયો. એની સાથે આવેલો જાવેદ બાઈક લઈને ઘરની બહાર ઊભો રહ્યો. સાજિદે સંગીતાને કહ્યું કે મારી બીબીને ડિલિવરી આવવાની છે, દવાખાને લઈ જવા માટે તાત્કાલિક પાંચ હજાર રૂપિયાની જરૂર છે. તમે ઉછીના આપશો? સંગીતાએ એને કહ્યું કે તમે બેસો, હું ચા બનાવું છું. 

ઓવરહેડ ટાંકીના કામ માટે વિનોદ એ દિવસે લખિમપુર ખીરી ગયેલો હતો. રસોડામાં ચા બનાવતી વખતે સંગીતાએ પતિને ફોન કરીને પૂછયું કે સાજિદને પાંચ હજાર આપું? વિનોદે હા પાડી. સંગીતાએ ચા આપીને સાજિદને કહ્યું કે ચિંતા કર્યા વગર બેસો, પૈસાની વ્યવસ્થા થઈ જશે. ચા પીને સાજિદ ઊભો થયો. એણે સંગીતાને કહ્યું કે મને અકળામણ થાય છે, ઉપર ધાબામાં ખુલ્લી હવામાં સારું લાગશે. એમ કહીને એ સીડી ચડીને ધાબામાં ગયો. એ વખતે આયૂષ અને અહાન ધાબામાં રમતા હતા. પીયૂષ નીચે દાદી મુન્નીદેવી પાસે બેઠો હતો. જતી વખતે સાજિદે પીયૂષને કહ્યું કે થોડી વાર પછી મને પાણી આપી જજે.

દસેક મિનિટ પછી પાણીનો ગ્લાસ લઈને પીયૂષ ધાબા પર ગયો એ સાથે જ ત્યાંનું દ્રશ્ય જોઈને એ હબકી ગયો. લોહીથી તરબોળ મોટો છરો લઈને સાજિદ એની સામે ઘૂરકી રહ્યો હતો, આખું ધાબું લોહીથી ખરડાયેલું હતું, આયૂષ અને અહાન લોહીલુહાણ હાલતમાં ફરસ પર પડયા હતા! પીયૂષના હાથમાંથી ગ્લાસ નીચે પડી ગયો અને જોરથી ચીસ પાડીને એ નીચે ભાગવા ગયો ત્યારે સાજિદે એને પકડી લીધો. લોંકી ખાઈને પીયૂષ છટક્યો, ભાગતા પીયૂષના હાથ પર સાજિદે છરો તો માર્યો પણ જબરજસ્ત સ્ફૂર્તિથી પીયૂષ નીચે દોડયો અને એની ચીસાચીસ તો ચાલુ જ હતી. એની ચીસો સાંભળીને મુન્નીદેવી અને સંગીતા ઓસરીમાં આવ્યા. ગભરાયેલો પીયૂષ ચીસો પાડતો સીડી પરથી ઊતરતો હતો અને લોહીવાળો છરો લઈને સાજિદ એની પાછળ આવી રહ્યો હતો. એ જોઈને મુન્નીદેવી અને સંગીતાએ પણ ગભરાઈને ચીસાચીસ કરી એટલે પાડોશીઓ પણ દોડી આવ્યા.એ વખતે સાજિદે સંગીતાની સામે છરો લહેરાવીને કહ્યું. ''મૈંને મેરા કામ કર દિયા!''

સમયસૂચકતા વાપરીને પાડોશીઓએ પીયૂષ, મુન્નીદેવી અને સંગીતાને ઝડપથી બહાર ખેંચી લીધા અને ઘરનું બારણું બંધ કરી દીધું! સાજિદ અંદર હતો અને ચીસાચીસના અવાજથી બહાર ભીડ થઈ ગઈ હતી, એ જોઈને જાવેદ બાઈક લઈને ભાગી ગયો!

કોઈકે ફોન કરી દીધેલો એટલે પોલીસની જીપ આવી ગઈ. એ પછી બારણું ખોલ્યું અને બધા અંદર ધસ્યા. પોલીસે સાજિદને પકડયો, પરંતુ ભીડ અને અંધારાનો લાભ લઈને મરણિયો બનીને એ છટકીને ભાગી ગયો! ધાબાનું દ્રશ્ય ખોફનાક હતું. આયૂષ અને અહાનની લોહીલુહાણ લાશની આસપાસ એમના લોહીભીના પગલાંની છાપ દર્શાવતી હતી કે બચવા માટે એ બંનેએ દોડાદોડી કરી હશે! બંને લાશ જોઈને સંગીતા અને મુન્નીદેવી બેભાન બનીને ઢળી પડયા! બંને બાળકોની ક્રૂર હત્યા થઈ હતી અને હત્યારો સાજિદ છટકી ગયો હતો એટલે ત્યાં આવેલી ટીમે જિલ્લાના પોલીસવડાને જાણ કરી. પાડોશીઓએ સંગીતા અને મુન્નીદેવીને સંભાળી લીધા હતા. પીયૂષને હાથમાં છરો વાગ્યો હતો એટલે બે પાડોશીઓને સાથે લઈને પોલીસ એને હોસ્પિટલમાં લઈ ગઈ. મુન્નીદેવીએ ધૂ્રજતા અવાજે વિનોદને ફોન કર્યો. જલ્દી આવ.. જલ્દી આવ..બે દીકરાઓને સાજિદે મારી નાખ્યા છે!...એથી વિશેષ એ કંઈ બોલી ના શક્યા.

વિનોદ  ઠાકુરના બે બાળકોની હત્યા કરીને સાજિદ અને જાવેદ ભાગી ગયા છે, એ સમાચાર ફેલાયા અને બાબા કોલોનીમાં લોકોની ભીડ વધી ગઈ. આક્રોશિત લોકોએ તોફાન શરૂ કર્યું. સાજિદની અને એની સાથેની બીજી ચારેય કેબિનોને લોકોએ આગ લગાડી દીધી. એ પછી વિફરેલું ટોળું ત્યાં આવેલા એક ધાર્મિક સ્થળ તરફ આગળ વધી રહ્યું હતું. આ મામલો કોમી રમખાણમાં ફેરવાઈ જશે એવી પોલીસને દહેશત હતી. પોલીસે બળ વાપરીને એ ટોળાને અટકાવ્યું.

પોલીસ એન્કાઉન્ટરમાં સાજિદ મૃત્યુ પામ્યો છે!રાત્રે અગિયાર વાગ્યે આ સમાચાર આવ્યા એ પછી ભીડ ઓછી થઈ પણ પોલીસે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાજિદના એન્કાઉન્ટર વિશે ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈએ વર્ણન કર્યું કે અમને જાણકારી મળી કે હત્યારો ગૌરીશંકર મંદિર પાસે થઈને એકલહરી મુજાહિદ તરફ ભાગી રહ્યો છે, એટલે અમે જીપને એ તરફ દોડાવી. શેખપુરાના જંગલમાં સાજિદ સો મીટર દૂર હતો ત્યારે અમે એને સરન્ડર થવા કહ્યું, પણ એણે તમંચાથી ગોળીબાર શરૂ કર્યો. અમે વળતો ગોળીબાર કર્યો એમાં સાજિદ મરી ગયો!

આ એન્કાઉન્ટર ઉપર રાજકીય બબાલ જામી. હત્યા માટે સાજિદ પાસે છરો હતો, તો પછી એની પાસે તમંચો ક્યાંથી આવી ગયો? આરોપીને મારી નાખ્યા પછી કેસ કઈ રીતે ખૂલશે? એને લીધે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે મનોજકુમારે આ એન્કાઉન્ટરની મેજિસ્ટ્રિયલ તપાસ કરીને પંદર દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે.

પરિવારને સાંત્વના આપવા માટે શિક્ષણ રાજ્યમંત્રી ગુલાબદેવી અને સંસદસભ્ય સંઘમિત્રા મૌર્ય પણ ઘેર આવેલા. સંઘમિત્રાએ કહ્યું કે સાજિદને મારી નાખ્યો, એ જ રીતે બીજાને પણ પકડીને મારી નાખવો જોઈએ. 

ફરાર થયેલા જાવેદને પકડવા માટે પોલીસે પચીસ હજારનું ઈનામ જાહેર કર્યું. સુખાનુંમાં સાજિદ-જાવેદના પિતા બાબુને અટકાયતમાં લઈને એના ઘર પાસે એક ટીમ ગોઠવી દેવામાં આવી.

બે માસુમ બાળકોની હત્યા સાજિદે કેમ કરી એ કોઈનેય સમજાતું નહોતું. પાંચ વર્ષથી એ અહીં સલૂન ચલાવતો હતો એમાં એક પણ દિવસ એણે કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ નહોતી કરી. વિનોદ ઠાકુરના પરિવાર સાથે તો એને સારા સંબંધો હતા, તો એણે આવું કેમ કર્યું? એમાં એક ફણગો જાદૂટોના, મંત્રતંત્ર અને કાલાજાદૂનો ફૂટયો. સાજિદની પત્ની સનાએ ચાર વર્ષના ગાળામાં બે સંતાનને જન્મ આપેલો, પરંતુ જન્મીને તરત જ એ મરી ગયેલા, એટલે સંતાન પ્રાપ્તિ માટે સાજિદે આવો ટૂચકો કર્યો હશે એમ કહીને કોઈએ કહ્યું કે સાજિદ ભાગતો હતો ત્યારે એના મોઢા પર માંસના લોચા અને લોહી ચોંટેલું હતું. બાળકોની હત્યા કરીને સાજિદે એમનું લોહી પીધું હશે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી! સાજિદના મોત પછી આનો ખુલાસો કોણ કરે?

તારીખ ૨૦-૩-૨૦૨૪, બુધવારે સવારે બંને બાળકોની લાશનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે સાજિદની હેવાનિયતથી તબીબો ચોંકી ઉઠયા. આયુષના શરીર પર છરાના ચૌદ ઘા અને અહાનના શરીર પર નવ ઘા-અને બંનેની ગરદન કપાયેલી હતી! બપોરે બાર વાગ્યે કછલા ગંગા તટ પર પોલીસ બંદોબસ્ત સાથે બંને લાશને દફન કરવામાં આવી.

સાજિદની લાશ પાસે પંચનામું કરવા માટે પોલીસને પાંચ માણસ પણ ના મળ્યા. બાબા કોલોની પાસેના મહોલ્લામાંથી પોલીસ પાંચ માણસોને પકડી લાવી. બુધવારે બપોરે એની લાશનું પોસ્ટમોર્ટમ થયું. એને બે ગોળી છાતીમાં અને એક ગોળી પેટમાં વાગી હતી. પોસ્ટમોર્ટમ રૂમ પાસે સાજિદની માતા નાઝિયાએ પત્રકારોને કહ્યું કે મારા દીકરાએ ખોટું કામ કર્યું એનો એને બદલો મળ્યો, એટલે એના મોતનું મને કોઈ દુઃખ નથી, પણ બે માસુમ ફૂલની હત્યાની મને પણ પીડા છે. સાજિદના કાકા ક્યામુદ્દિને કહ્યું કે સાજિદ ક્યારેય કોઈની સલાહ સાંભળતો નહોતો, એણે આ કામ ખૂબ ખોટું કર્યું છે. એની લાશને પણ પોલીસ બંદોબસ્ત સાથે સખાનું લઈ જવામાં આવી અને ત્યાંના કબ્રસ્તાનમાં દફનવિધિ થઈ.

પોલીસે સાજિદની પત્નીની તપાસ કરી. પંદર દિવસથી એ પિયરમાં હોવાથી એને સાજિદના આ કારસ્તાનની ખબર જ નહોતી. એની ડિલિવરીના બહાને સાજિદે સંગીતા પાસેથી પાસેથી પાંચ હજાર રૂપિયા માંગેલા, પણ સનાએ સ્પષ્ટ કહ્યું કે હું ગર્ભવતી નથી!

જાવેદને પકડવા પોલીસ મથતી હતી ત્યારે તારીખઃ ૨૧-૩-૨૦૨૪, ગુરૂવારે બદાયુંથી ચોપ્પન કિલોમીટર દૂર બરેલીના બારાદરી પોલીસસ્ટેશનની સેટેલાઈટ પોલીસચોકીમાં જાવેદે નાટયાત્મક રીતે આત્મસમર્પણ કર્યું! એ અગાઉ પોતે નિર્દોષ છે એ જણાવતો એક વીડિયો એણે વાઈરલ કરેલો. એમાં એણે કહ્યું કે જે કર્યું એ સાજિદે કર્યું છે.

 હું તો એ સમયે બહાર જ હતો અને એ પછી લોકોના ફોન આવવા લાગ્યા ત્યારે મને ખબર પડી!

જાવેદને બદાયું લાવવામાં આવ્યો ત્યારે એણે કબૂલ્યું કે એ દિવસે હું તોસખાનું હતો. સાજિદે મને કહ્યું કે ચાલ, બદાયું જઈને ચીકન ખાઈશું. અમે બદાયું આવ્યા ત્યારે મને એક જગ્યાએ બેસાડીને એ મટન કાપવાનો મોટો છરો ખરીદી આવ્યો. એ પછી અમે બાબા કોલોની આવ્યા. હું ઘરની બહાર હતો. સાજિદે અંદર જઈને બાળકોને મારી નાખ્યા અને ભીડ ભેગી થઈ ગઈ એ જોઈને હું ગભરાઈને ભાગી ગયો. એ રાત્રે મારા સાસરે રોકાયો. એ પછી દિલ્હી પહોંચી ગયો. મારા બાપા હેરકટિંગના ઉસ્તાદ હતા અને અમારા ગામના અનેક છોકરાઓને એમણે તાલીમ આપીને તૈયાર કરેલા. એમાંથી ઘણાં દિલ્હીમાં ધંધો કરે છે. હું એમને ત્યાં ગયો અને ટીવીમાં બધું જોઈને મને એન્કાઉન્ટરની બીક લાગી એટલે બરેલીમાં સરન્ડર કર્યું.

એણે વધુ માહિતી આપી કે સાજિદ માનસિક રીતે બીમાર છે. એને બે બચ્ચાં થઈને મરી ગયા એ પછી ક્યારેક બચ્ચાંઓ જોઈને એની ખોપડી છટકે છે. બીમારી ઠીક કરવા માટે એ કાયમ ઝિયારતે જાય છે, જાદૂટોના કરવાવાળા સાથે પણ એને દોસ્તી હતી!

એણે પોલીસને આવું કહ્યું પરંતુ વિનોદ ઠાકુર એ માનવા તૈયાર નથી. સાજિદે તો અનેક બાળકોની હજામત કરેલી. એ વખતે બાળકની ગરદન અને અસ્ત્રો બંને એના હાથમાં હોવા છતાં અગાઉ કદી કોઈને ઈજા પણ પહોંચાડી નથી. વળી, હત્યા કર્યા પછી એણે સંગીતાને કહેલું ''મૈંને મેરા કામ કર દિયા!'' એનો શો અર્થ?

પોલીસે સાજિદ અને જાવેદની કોલ ડિટેઈલ ખંખોળી, પણ એમાંથી કંઈ છેડો મળ્યો નથી. બનાવની રાત્રે તોફાન કરીને દુકાનો બાળનાર સિત્તેર અજાણ્યા માણસો સામે પોલીસે ફરિયાદ નોંધી છે ને સીસીટીવીની મદદથી એમની ઓળખ મેળવવાની મથામણ ચાલુ છે. 

બે પુત્રોની હત્યાનો આઘાત કારમો હતો અને એમાંય સાજિદ માનસિક બીમાર હતો એવું પોલીસે સ્વીકાર્યંી એને લીધે વિનોદ ઠાકુરની કમાન છટકી. એણે પોલીસને જણાવેલું કે તમે સાજિદની બીમારીનું કારણ પકડી રાખશો તો હું આત્મહત્યા કરી લઈશ!

તારીખઃ ૨૩-૩-૨૦૨૪ સવારે નવ વાગ્યે બાબા કોલોની ફરીથી ખળભળી ઉઠી. શોકમાં ગરકાવ વિનોદે માનસિક સંતુલન ગૂમાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો! પોતાની મોટરસાઈકલની પેટ્રોલની નળી ખેંચીને પોતાના ઉપર પેટ્રોલનો છંટકાવ કર્યો. મોટરસાઈકલ પણ પેટ્રોલથી લથબથ થઈ ચૂકી હતી. એણે દીવાસળી ચાંપી અને ભડકો થયો. ત્યાં ગોઠવાયેલા અર્ધસૈનિક દળો અને પાડોશીઓ દોડી આવ્યા. નજીકમાં ગોઠવાયેલો લાયબંબો પણ આવી ગયો. બાઈક બળી ગઈ પણ વિનોદ ઠાકુરને બચાવી લીધા. આત્મહત્યાના એમના પ્રયાસથી બધા સ્તબ્ધ છે.

હવે નાર્કો ટેસ્ટ કે બીજી કોઈ રીતે, જો જાવેદ મોઢું ખોલે કરે તો બે બાળકોની હત્યાનું રહસ્ય ખૂલશે.

Gujarat