ઊંચે ચડવા માટે બોજ હલકો કરવો પડે!
- ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઈ
એ ક સંતને અંતે સત્ય લાધ્યું. એને પરમાત્માની પ્રાપ્તિ થઈ. આ જાણીને લોકો એને ઘેરી વળ્યા અને આતુરતાથી પૂછવા લાગ્યા કે આ પ્રાપ્તિ થઈ કેવી રીતે ?
ત્યારે સંતે પરમાત્માની પ્રાપ્તિની પોતાની આપવીતી રજૂ કરી :
એક દિવસ એક અધ્યાત્મ જિજ્ઞાાસુ વ્યક્તિ એના વૈભવી આવાસમાં સૂતી હતી, કિંતુ એના ચિત્તમાં સતત પરમાત્માની પ્રાપ્તિની અવિરત ખોજ ચાલતી હતી. એક રાત્રે સ્વપ્નમાં દેવદૂત આવ્યો. આ સંત હૃદયવાળા માનવીએ કહ્યું કે મારે પરમાત્માને પામવા છે. હું અહર્નિશ એને માટે પ્રયત્ન કરું છું.
દેવદૂતે કહ્યું, 'તમે આટલાં બધાં સંપત્તિના બોજ સાથે પરમાત્માને મળી પણ નહીં શકો. જો ઊંચાઈએ ચડવું હોય, તો ભાર હલકો કરવો પડે. પરમાત્માની ઊંચાઈથી તો વધુ કોઈ ઊંચું નથી. તમે આ ભાર ઓછો કરો, તો પરમાત્મા જરૂર મળશે.'
બીજે દિવસે સવારે આ જિજ્ઞાાસુએ પોતાની સઘળી સંપત્તિનો ત્યાગ કર્યો. માત્ર પહેરવા માટે એક પોશાક જ રાખ્યો.
વળી રાત્રે પુનઃ સ્વપ્નું આવ્યું. દેવદૂતે એને ફરી પૂછયું કે તમારો ઇરાદો છે શું ? અને આ વ્યક્તિએ ફરી એ જ જવાબ આપ્યો કે 'પરમાત્મા પામવાનો.'
દેવદૂતે ખડખડાટ હસીને કહ્યું, 'હજુ ક્યાં તમે કશું છોડયું છે ? બોજ ઓછો નહીં કરો, તો પરમાત્મા મળશે નહીં.
પેલી વ્યક્તિએ કહ્યું કે મેં તો બધું જ છોડી દીધું છે. ધન સંપત્તિનો ત્યાગ કર્યો. મકાન છોડયું, બાકીની ચીજવસ્તુઓ વહેંચી દીધી. હવે આ પહેરવાનાં પોશાક સિવાય કશું મારી પાસે નથી.
દેવદૂતે કહ્યું, 'તમે કશું છોડયું નથી.જે મમતા સોનામાં હતી, એ જ મમતા હવે પહેરણમાં રહી છે. જે મમતા હીરામાં હતી, એ જ પાયજામામાં આવી છે.'
બીજે દિવસે આ વ્યક્તિએ પોશાક પરનો પ્રેમ પણ છોડી દીધો. ફરી રાત્રે દેવદૂત સ્વપ્નમાં આવ્યો. અને એણે પૂછ્યું,
'હવે તારી ઇચ્છા શું છે ?'
સંતહૃદયી વ્યક્તિએ કહ્યું, 'એ જ. પરમાત્મા પામવાની.'
દેવદૂત બોલ્યો, 'હવે તારે પરમાત્માને શોધવાની જરૂર નથી. હવે પરમાત્મા ખુદ તારી પાસે આવશે. અત્યાર સુધી તારી પાસે બોજ હતો, એથી જવાની જરૂર મુશ્કેલી હતી. હવે એ જ બોજ ચાલ્યો જતાં તું પરમાત્માની સમીપ પહોંચી ગયો છે. હવે એને ખુદ તારી પાસે આવવું પડશે.'
- અને સાચે જ માનવી પાત્રતા પામે તો પ્રાપ્તિ એને સામે ચાલીને મળે છે. પાત્રતા માટેની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે. બોજ ઓછો કરવો પડે. પરિગ્રહ ઓછો થતાં પરમ આનંદ તરફ ગતિ થાય છે.
જીવનમાં ઊંચે ચડવા માટે જેમ બોજ ઓછો થશે, તેમ પરમ આનંદની સમીપે જવાશે.