પવિત્ર સાધુતાને પૈસા રળવાનું સાધન બનાવી દીધી!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ધ ર્મગુરુએ રાજાને કહ્યું, 'હે રાજન, વહેલી પરોઢે આવતાં સ્વપ્ન હંમેશાં સત્ય ઠરતાં હોય છે.'
રાજાને આ વાતમાં વિશ્વાસ બેઠો નહીં. એણે ફરી ધર્મગુરુને પૂછયું, 'શું આપ ખરેખર એમ માનો છો ?'
ધર્મગુરુએ કહ્યું, 'હા રાજન, હું જે માનું છું તે જ કહું છું.'
રાજાએ કહ્યું, 'તો ગુરુદેવ ! આજે મને અત્યંત વિચિત્ર સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં શહેરના વિખ્યાત સાધુને નરકલોકનાં યમદૂતો પુષ્કળ યાતના આપતા હતા. એક તો આવા વિખ્યાત સાધુ અને તે સ્વર્ગલોકને બદલે નરકલોકમાં ! વળી એમને નરકની આવી અપાર યાતના સહેવી પડે!'
ધર્મગુરુએ કહ્યું, 'સાચે જ. આ અત્યંત વિચિત્ર સ્વપ્ન કહેવાય.'
રાજાએ એમને અધવચ્ચેથી અટકાવતાં કહ્યું, 'અરે ગુરુદેવ! વિચિત્રતાની પરાકાષ્ઠા તો હવે આવે છે. મેં સ્વપ્નમાં જોયું તો નગરની મુખ્ય ગણિકા કીમતી રથમાં બેસીને જઈ રહી હતી અને તે પણ સ્વર્ગ ભણી.'
ધર્મગુરુએ કહ્યું, ' સાચે જ, આ વાત ઘણી રસપ્રદ અને રહસ્યપ્રદ છે.'
'તો એનું રહસ્ય આપ મને સમજાવો.' રાજાએ કહ્યું.
ધર્મગુરુએ કહ્યું, 'હે, રાજન, આ બે તદ્દન ભિન્ન અને વિચિત્ર લાગતાં સ્વપ્ન અત્યંત સંવાદી છે. પેલો સાધુ સદા અહંકારથી ઘેરાયેલો રહ્યો. એણે સદૈવ પોતાનાં માન, સન્માન અને ગૌરવનો વિચાર કર્યો. સાધુતાને વેપારનું સાધન બનાવી.
એણે ધનિકોની ખુશામત કરી, પણ આ ગર્વ અને ખુશામતમાં એ ખુદાને ભૂલી ગયો. આથી એને નરક મળ્યું અને યાતના સહેવાનો વારો આવ્યો.'
રાજાએ અધીરાઈથી પ્રશ્ન કર્યો, 'પણ આ ગણિકાને સ્વર્ગ કઈ રીતે ? આ તો હડહડતો અન્યાય કહેવાય.'
ધર્મગુરુએ કહ્યું, 'જો સાંભળો, આ ગણિકા પોતાની જાતને અત્યંત સામાન્ય માનતી હતી અને તેથી પોતાની આવી પરિસ્થિતિ વિશે દુઃખ અનુભવતીએ સતત ઈશ્વર-સ્મરણ કરતી હતી. આથી જ એને સ્વર્ગ મળ્યું.'