ભૂખ અને સુખ : ફૂડ એન્ડ સેક્સ સહજભાવે દિવ્ય આનંદ છે, ગંદુ પાપ નથી!
- અનાવૃત- જય વસાવડા .
- બ્રહ્મ એટલે ભારતીય ગ્રંથો મુજબ ચૈતન્ય. તાઓ. ફોર્સ. આત્મા સ્વરૂપનું તેજોમય અદ્રશ્ય પ્રાણતત્વ. પ્રકૃતિના કણકણમાં વ્યાપ્ત એકાકાર સર્જનહાર

ખરેખર તો આટલું જ થયું.
એણે પાલવ ખેંચ્યો,
તેણે સાડી કાઢી.
કોઇએ કહ્યું : 'ખેંચનારો જ ગુનેગાર'
લોકોએ કહ્યું : 'કાઢનારી જ ગુનેગાર'
અમે કહ્યું : ગુનો શોધનાર જ ગુનેગાર !
લગભગ અઢી દાયકા પહેલાના એક લેખમાં મરાઠી કવિ વિંદા કરંદીકરની આ સટ્ટાક કવિતા મૂકી હતી. એ અચાનક સમાચાર વાંચતા વાંચતા યાદ આવી ગઈ.
બન્યું એવું કે ગત બુધવારે એક પુસ્તક પ્રકાશિત થયું. 'ટેરાફ્યુચરા : કન્વર્ઝેશન્સ વિથ પોપ ફ્રાન્સિસ ઓન ઇન્ટીગ્રલ ઇકોલોજી.' રોમન કેથોલિક ખ્રિસ્તી સંપ્રદાયના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે ઇટાલીના વિખ્યાત લેખક અને પાકશાસ્ત્રી કાર્લો પેટ્રિની સાથે કરેલા વાર્તાલાપો, ઇન્ટરવ્યૂઝનું સંકલન છે. પેટ્રિની ય પર્યાવરણ બાબતે જાણીતું નામ. અમેરિકાથી શરૂ થયેલા 'ફાસ્ટફૂડ' કલ્ચર સામે ૧૯૮૦માં 'સ્લોફૂડ' ચળવળ એણે ચલાવી હતી.
પોપ ફ્રાન્સિસ પણ એમના પૂર્વસૂરિઓની સરખામણીએ ખાસ્સા ઉદારમતવાદી ને લિબરલ રહ્યા છે. ઇટાલીની રઝળપાટમાં વેટિકન એમને મુખોમુખ - ઇન પર્સન સાંભળવાનો લ્હાવો મળી ગયેલો. ખડખડાટ હસી શક્તા ધર્મગુરૂઓના દર્શન આમ પણ ગમે. પણ ગળે રૂદ્રાક્ષ પહેરી બેઠેલા આ જીવને એ વખતનો અનુભવ ગમ્યો. નાનકડા પ્રવચન બાદ જનમેદનીને પોપસાહેબે પ્રાર્થના કરાવી આશીર્વચન આપ્યા, ત્યારે જાહેરમાં એમના ખુદના 'દેશ'માં એ કહ્યું કે 'તમારામાંથી ઘણા પ્રવાસીઓ હશે. અન્ય શ્રધ્ધા ધરાવનારા કે કેવળ કૂતુહલથી આવનારા ય હશે. હું મારા ગળાના ક્રોસને સ્પર્શ કરું છું. પણ તમે મનોમન તમને ગમતા કોઈ ચિહ્ન તમારી આસ્થા ઇષ્ટદેવના હોય એ સ્મરણ કરજો.'
જેને જગતનો ઇતિહાસ થોડો ઘણો ય ખબર હોય એ સમજી શકે કે આટલી સહજ વાત પણ મંચ પરથી કહેવા ચર્ચના સર્વોચ્ચ વડામાં સમતા અને સાહસ જોઇએ.ટોચ પર બેસીને પોઝિટિવ પરિવર્તન લાવવાની મથામણ કરનાર દરેક લોકપ્રિય ગુરૂ, અગ્રણી, સેલિબ્રિટીને લોકો 'શું ન કર્યું' એ બાબતે જજ કરતા હોય છે. પણ જેમ કદ અને પ્રતિષ્ઠા વિરાટ, એમ સંપૂર્ણ ક્રાંતિનો મામલો કઠિન. નોર્મલ ઘેર બેસીને શેરીમાં ય કોઈ ઓળખતું ન હોય એવા કોમેન્ટેટર કરતા જાણીતી વ્યક્તિએ ક્યાંય વધુ આકરી તાવણીમાંથી પસાર થવું પડતું હોય. અનેકને જવાબો દેવા પડે, તે કેટલાય ધ્યાનમાં રાખી ટાંપીને બેઠા હોય. સિમ્પલ સાયન્સ છે. સાયકલ જે ઝડપથી ટર્ન મારે, એટલી સરળતાથી ટ્રેનનો ટર્ન લાગે ખરો ? ધર્મક્ષેત્રે વૈજ્ઞાાનિક અભિગમ અઘરો છે કેળવવો.
માટે પરિવર્તનો કોઈ સાચે જ પ્રગતિશીલ, માનવતાવાદી, આધુનિક અને સ્વતંત્રતા - ન્યાય આપતા આવતા હોય, ત્યારે બધા પરિબળોનો વિચાર કરી, જે પ્રયાસો નિષ્ઠાથી ટોચ પર કોઈ કરતું હોય એ વધાવવા ય જોઇએ. પહેલા બંધનની બેડીની એકાદ કડી તૂટે તો પકડ ઢીલી પડે. કાળમીંઢ દીવાલમાં એક બાકોરું પડે તો ધીરે ધીરે ક્યારેક રસ્તો ય થાય બહારની મોકળાશનો. બાકી પોતાની જૂનવાણી જડતા લાદીને વીંખીપીંખી નાખતા ઝનૂની ઝેરી ટોળાઓ ક્યાં ઓછા છે. અંદરના રૂઢિચુસ્તોમાં અળખામણા થવાનો દોષ લાગે.
તો આ પુસ્તકમાં મૂળ તો ભોજનના આનંદ બાબતે પોપને પૂછાયું. ભારત સહિત જગતના ઘણા ધર્મોમાં 'અસ્વાદ'ને વધુ મહત્ત્વ મળ્યું ! (બધે છપ્પનભોગના શામળિયા નથી હોં કે !) દેશના દુશ્મનો કરતા ડુંગળી-લસણ-બટાકા સામે લડનારા ગુજરાતમાં ય ઘણા હજુ મળી આવે. ગાંધીજી જેવા સાદગીપ્રેમી એના ઉપાસક. કોઈ ગુરુજીને ભજીયાં, પાણીપુરી, શીરો, લાડવા, ગાંઠિયા, શિખંડ ભાવે તો ય છુપાવવું પડે. 'તામસી' ખોરાકને અધ્યાત્મ સાથે જોડનાર 'ધાર્મિક' ટોળાઓને 'પચે' નહિ ! એમ તો ગાંધીબાપુને ય પૂરણપોળી અને પકોડાં બહુ ભાવતાં હોં કે ! પણ વ્રત જેનું નામ. પછી અસ્વાદ હોય કે બ્રહ્મચર્ય - પાળવું અઘરું એટલે પડે કે 'એન્ટીનેચરલ' છે. પ્રકૃતિના મૂળભૂત રસની વિરૂધ્ધ છે. પરમાત્મા રસો વૈ સ: છે, એ ગાન આપણે તો વિસારે પાડી દીધું છે.
ઠાવકાઈ માટે જાણીતા પોપે બહુ નિખાલસ ને એકદમ સાચો સ્પષ્ટ જવાબ આપ્યો જીભ ને હોંઠથી થઇ શક્તી બેઉ શ્રેષ્ઠ બાબતોને સાંકળી લઇને. આવી જ સહજતાથી એમણે આર્જેન્ટીનામાં ટીનએજર હતા એ વખતની એક માસૂમ 'લવસ્ટોરી'ને યાદ કરેલી, એ ય આ કટારમાં જ ગાદી પર બેઠા ત્યારે લખેલું. પોપે પુસ્તકમાં કહ્યું છે : 'ભોજનનો, ખાણીપીણી ઉજાણી સ્વાદનો આનંદ મૂળ તો (કુદરતે) આપણે સ્વસ્થ રાખવા માટે છે, જેમ સેક્સ્યુઅલ પ્લેઝર (સંસ્કૃત શબ્દ કેવો રૂડો છે. ઇક્વાલિટી એન્ડ મ્યુચ્યુઅલ કન્સેન્ટ બંને સિધ્ધ કરતો : સમ-ભોગ. પરસ્પરની સહમતીને અનુકૂળતાથી એકબીજાને અપાતો સરખો આનંદ !) પ્રેમને વધુ સુંદર બનાવીને વિવિધ સજીવોની જાતિ આગળ વધારે છે !'
આટલું કહીને અટક્યા વિના એમણે આગળ ઉમેર્યું. 'ઇટીંગ એન્ડ સેક્સના આનંદ તો સીધા ભગવાન પાસેથી આવે છે. દિવ્ય દેવતાઈ સુખ ! અને એટલે જ આવા આનંદો નથી કેથેલિક, નથી ક્રિશ્ચિયન (કે નથી હિન્દુ-મુસ્લિમ-યહૂદી-પારસી-શીખ-જૈન ઇત્યાદિ). એ તો પ્યોર ડિવાઇન છે !' શુધ્ધ અલૌકિક મજા. પ્રિમેરિટલ કે પોસ્ટ મેરિટલ, લગ્ન પહેલાં, લગ્નબાહ્ય કે લગ્નમાં કેવળ સંતાનોત્પતિ માટે જેવી કોઈ પિંજણમાં પડયા વિના જ પોપે માત્ર એટલી નવી પેઢી માટે તો બેહદ જરૂરી ચોખવટ કરી કે ''ચર્ચ કાયમ અમાનવીય, ક્રૂર, વિકૃત પ્રકારની મોજમજાઓની વિરૂદ્ધમાં રહ્યું છે, પણ સાદા, માનવીય, નૈતિક આનંદોનો વિરોધ ન હોય.''
મતલબ જાતીય સુખ હોય કે સ્વાદનું સુખ - અતિ સર્વત્ર વર્જ્યેત. ચુંબન-આલિંગન-સમાગમનો પ્રેમપૂર્વક સ્વીકાર હોય, પણ છેડતી, છેતરપિંડી, શોષણ, બળાત્કાર વગેરેનો તો જડબેસલાક તિરસ્કાર જ હોય. અનેક વાર અનેક અલગ અલગ ધર્મોના ગુરૂજીઓ ય આવા કાંડમાં સંડોવાયેલા નીકળે જ છે, સદીઓથી આજ સુધી. તો ય દંભ છૂટતો નથી સમાજનો. અને આર્જેન્ટીનામાં મૂળ જોર્જે બર્ગોગીલ્યો જેવું સ્પેનિશ નામ ધરાવતા પોપે સહજભાવે એ ય સ્વીકાર્યું સામેથી જ કે ''ચર્ચ ક્યારેક 'ઓવરઝીલસ મોરાલિટી'' યાને અતિઉત્સાહમાં પરાણે પળાવાતી ફરજીયાત નૈતિકતા ભૂતકાળમાં દેખાડી ચૂક્યું છે, જે ક્રિશ્ચિયન સંદેશનું ખોટું અર્ઘઘટન છે. (ધાર્મિક ઘેલછા ધરાવતા ટોળાને ગળે ઉતારવા માટે ધર્મશાસ્ત્રોના સંદર્ભોનો આધાર ગણમાન્ય મહાજનોએ લેવો પડે !) બાકી, નૈતિકતા (વાંચો, ચોખલાઇ)ના નામે ધાર્મિકતા ફરજીયાત લાદીને સુખ, આનંદનો વિરોધ ન હોય !''
આટલું ઓછું હોય, એમ એ ચર્ચામાં પોપે વળી ૧૯૮૭ની ડેનિશ ફિલ્મ 'બેબેટીઝ ફીસ્ટ'નું ઉદાહરણ આપ્યું ! જી હા, ફિલ્મનું. જેમાં ૧૯મી સદીનો એક શેફ કેટલાક 'પ્યુરિટન-મરજાદી' સ્વભાવના ધાર્મિકોને દાવત માટે આમંત્રણ આપે છે, એવી કહાની છે. જેને પોપે પ્રેમ અને ઉદારતાનો ખ્રિસ્તી સંદેશ સમજવાની ચાવી ગણાવી ! ગુરૂઓ સિનેમાની વાત કરે એમાં કશું ખોટું નથી. મેઘાણીથી મોરારિબાપુ સુધીનાની ગમતી કળા છે.
જો કે, આમ તો આ વર્ષોથી જનતાના નોર્મલ લોકોએ તે સ્વીકારી લીધું છે, ને આર્ટિસ્ટોએ તો ગાઇવગાડી રિપિટ કર્યું છે. એટલે કોઇક સિમ્પલ ટીનએજરને એવું ય લાગે કે હવે આ તો લિટરલી 'નગ્ન સત્ય' છે. એ કહીને શી મોટી ધાડ મારી ? સાયન્સ તો બેઉ 'ભૂખ'ને હોર્મોનલ ને કેમિકલ રીતે સરખી જ સિદ્ધ કરી ચૂક્યું છે !
વેલ, એ માટે મધ્યયુગમાં વિચક્રાફ્ટ સુધી પહોંચી ગયેલા ચર્ચના કેટલાક કોન્સેપ્ટ્સનો ઈતિહાસ જાણવો જોઇએ, જે ઈસુ ખ્રિસ્ત એક અદ્ભૂત મિસ્ટીક, ઓલિયા હતા, પણ પ્રેમ-ક્ષમા-માનવતાના મૂલ્યોની વાતો સિવાય ચર્ચની સ્થાપના એમણે તો કરી
નહોતી. એ તો પછીથી સ્થાપના થઇ. ખ્રિસ્તી ધર્મના સાત મહાપાપમાં એક ગ્લુટની છે. જેનો અર્થ જરૂર કરતા વધારેનો પરિગ્રહ એવો થાય ને વધુ પડતા નશા કે અકરાંતિયાની જેમ ખાવાના અર્થમાં ય એનો પ્રયોગ થાય.
એક કોન્સેપ્ટ ઓરિજીનલ સીન છે. જેને એન્સેક્ટ્રલ સીન પણ કહેવાય છે. યાને પૂર્વજોના પાપનો ભોગ બનવું. ક્થાનક મુજબ ઈશ્વરે મસ્તમજાની દુનિયા બનાવી, ને સ્વર્ગીય ગાર્ડન ઓફ ઈડનનો બાગ બનાવ્યો. આદમ અને એની કંપનીમાં સખી તરીકે ઈવ બનાવી. પણ પછી પેલા શેતાન સાપે ટેમ્પ્ટેશન ઊભું કર્યું ને 'ટ્રી ઓફ નોલેજ'નું પ્રતિબંધિત ફળ ખાધું, એટલે બાળક જેવી નિર્દોષતાથી રમતા આદમ-ઈવને અહેસાસ થયો નગ્નતાનો. કામુકતા પ્રવેશી. ઈશ્વરની આજ્ઞાાનું ઉલ્લંઘન થયું, ને પછી સ્વર્ગીય બાગ પરફેક્ટ સંકલ્પના ન રહી. પૃથ્વી પર પાપનો પ્રવેશ થયો. બધા આદમ-ઈવના સંતાનો એટલે બધા એ 'વિકાર' (સેક્સ્યુઅલ એટ્રેકશન)નું પાપ જન્મજાત ભોગવે છે, એવી પણ કેટલાકની માન્યતા છે.
સંત ઓગસ્ટાઇને આ 'ઓરિજીનલ સીન' ડોક્ટ્રેઇન બનાવ્યું, ન્યુ એન્ડ ઓલ્ડ ટેસ્ટામેન્ટના આધારે અને ૧૬મી સદીમાં કાઉન્સિલ ઓફ ટ્રેન્ટમાં રોમન કેથોલિક ડોક્ટ્રેઇનનો એ ભાગ બન્યું. 'ફૉલ ઓફ એ મેન'ની માનવસહજ નબળાઇ ને આકર્ષણની ગાથા તો દરેક સંસ્કૃતિમાં સર્જનકળા માટે પ્રિય થીમ રહી છે. સેક્સમાંથી માનવજાતનો જન્મ આવ્યો, ને એમાંથી જ ડેથની એન્ટ્રી થઇ, એ ય બહુ જૂની ને જાણીતી થિયરી છે. ને લગભગ બધા ધર્મોમાં માણસ પાપનું પૂતળું છે, એવી વાતો 'મૈં સમ કૌન કુટિલ ખલ કામી ?'ની અદામાં થઇ છે.
તો સેઇન્ટ ઓગસ્ટાઇને પ્રજનનના મૂળ સોર્સ એવા સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સને (રેફરન્સ : બ્રિટિશ બીબીસી)થી થતા બાળકના જન્મને જ પાપના વહનની ચેનલ માની. એમાંથી જ આત્મનિયંત્રણ અને ચિંતનના અવરોધરૂપ એવી 'ડિઝાયર' યાને સેક્સ્યુઅલ લસ્ટ વાસનાને ગંદી, ખરાબ ગણવાની વાત તો આમ ખાસ્સા રેશનલ સુધારક પણ આ મામલે તદ્દન જડસુ જૂનવાણી એવા ગાંધીજી સુધી ય પહોંચી. કેવળ લગ્ન પછી અને પ્રજોત્પત્તિ માટે જ સેક્સ એ મોહનદાસ કરમચંદ ગાંધીએ સેઇન્ટ ઓગસ્ટાઇન પાસેથી ઉધાર લીધેલો અને મનમાં ભાવે પણ મૂંડી હલાવે વાળી દંભીસ્તાની પ્રજાને ગમી ગયેલો વિચાર છે !
ભારતના પ્રાચીન ગ્રંથો-પુરાણોની કથાઓમાં આવા નિર્દેશો અમુક પાછળથી લખાયેલા પુરાણ ને સ્મૃતિ સિવાય નથી. મૈથુનની તો ઝીણવટભરી છણાવટ, શિલ્પો, પૂજન, વર્ણન બધું જ છે. ઝાઝું વાંચવું ન હોય તો અધિકૃત મૂળ પાઠમાં રામાયણ-મહાભારત અને બૃહદઆરણ્યક જેવા ઉપનિષદ વાંચી લેવા. ઋગ્વેદમાં અગત્સ્ય લોપામુદ્રાનો સંવાદ વાંચી લેવો ! કામદેવ - કંદર્પનો તિરસ્કાર તો ગીતામાં ય નથી. ને એમાં પ્રજોત્પત્તિ ખાતર એવા લટકણીયા નથી. પણ પ્રજાતંતુનો વાહક કામ એ વૈજ્ઞાાનિક સત્ય છે.
રેનેસાં પછી સાયન્સ અને ફ્રી વિલ / ઈન્ડિવિજ્યુઅલ ચોઇસથી ખાસ્સી પ્રગતિ કરી ગયેલા પશ્ચિમની નવી પેઢીનો મોટો ભાગ તો આવી વાતોમાં માનતો જ નથી. ક્રિશ્ચયાનિટીના પંથોમાં ય મતમતાંતરો છે. પણ હ્યુમન નેચર અવળચંડો છે. ધર્મ કરતાં વધુ વિજ્ઞાાનસિદ્ધ 'ઈન્સ્ટકંટિવ' બિહેવિયર યાને પ્રાકૃતિક બ્લ્યુપ્રિન્ટથી ઉત્ક્રાંતિ થતા થતા દોરવાયેલો છે. સદીઓથી સંકુચિત લોકોએ હથોડા મારી મારીને સેક્સ પાપ છે, ગંદુ છે, અપરાધ છે, એ ગિલ્ટ જડબેસલાક ઠસાવી દીધો છે.
હવે તો અભણ નાદાન જજમેન્ટલોની સંખ્યા જ વધતી જાય છે. જેમની પાસે કોઇ અભ્યાસનો છાંટો નથી. એને દોરવનારા લુચ્ચા એવા છે કે પૂરી ટેક્સ્ટ્સ એમને સમજાવતા નજ નથી. ને જરાક આધુનિક મિજાજની વેસ્ટર્ન મોડર્ન એંગલ સાથે મેચ થતી વાતો આપણા પ્રાચીન વારસામાં આવે (જે વળી જરાક નહિ પણ ઝાઝીબધી છે) એટલે નવો ટ્રેન્ડ નફ્ફટ થઇને નામુકર જવાનો છે. એ ટેકસ્ટ જ (ઘરઘરાઉ સંશોધનો વિનાના કોઇ આધાર વિના) ખોટી છે. પાપી પશ્ચિમનું છીછી કાવતરું છે. એ કોરસગાન જોરશોરથી અધકચરા તર્કો લડાવી શરૂ કરી દેવાનું ! જોરશોરથી મંદિરોના શિલ્પોના ગર્વ લેવા માટે ફોટા ફોરવર્ડ કરવાના પણ શિવલિંગ કે દેવ-દેવીઓની મૂળ વાતો, થિયરીઝ, અરે નજર સામેના પ્રાચીન ગ્રંથો કે શિલ્પોથી છેડો ફાડી નાખવાનો, કે ભળતી જ કાઉન્ટરથૉટ ઠસાવી દેવાના સિલેક્ટીવ ઓડિટિંગથી.
બ્રહ્મચર્યનો આપણો વિકટોરિયન યુગના અંગ્રેજો અને એ અગાઉના મુસ્લિમ શાસકોના યુગમાં અર્થ જ સેલિબસી અને મર્યાદા, ઈન્દ્રિયનિગ્રહ, કામેચ્છાનું દમન કરી નાખ્યો. જોકે, એની શરૂઆત શ્રમણ પરંપરાની મઠ સાધનાથી થઇ જેમાં સાધુઓના નિગ્રહો સમાજમાં ભળી ગયા. મૂળ ભારતમાં સંસારી ઋષિઓ ય પતિત ગણાયા નથી. વિશ્વામિત્ર-મેનકાના આકર્ષણથી ઉત્પન્ન શકુંતલાને (મૂળ તો ખુદ પરના) ક્રોધમાં વિશ્વામિત્ર ઋષિએ ન ઉછેરી, તો કણ્વ ઋષિએ ઉછેરી, જે દુષ્યંત પર મોહિત થઇ તત્કાળ ગાંધર્વવિવાહના સ્નેહલગ્ન કરીને પછી સંતાન સાથે પાછી આવે તો ય મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં સગર્ભા સીતાની કાળજી લેવાઇ એમ જ આશ્રમમાં રહી અને એના પુત્ર ભરતથી તો ભરતવંશ શરૂ થયો ને ભારત નામ પણ ! પરાશર-મત્સ્યગંધા-સત્યવતી-શાંતનુ-વ્યાસ-ભીષ્મ કથા છે.
સેલિબસી યાને સેક્સના સંપૂર્ણ ત્યાગનું અન્ય બે અબ્રાહમિક ધર્મો ઈસ્લામ કે યહૂદીમાં કોઈ ખાસ પ્રચલન નથી. યહૂદી ધર્મમાં લગ્ન અને બાળઉછેર પવિત્ર ફરજ ગણાય છે. અપવાદરૂપ નાના પંથો-અગ્રણીઓ સિવાય યહૂદીઓમાં અપરણીત પુરૂષો તો ઉચ્ચ અગ્રણી હોદ્દાએ બેસી જ ન શકે. ઈસ્લામમાં બ્રહ્મચર્યને બદલે લગ્ન પર ભાર વધુ મૂકાયો છે. - શાદી તો ઉપરવાળાની ભેટ છે. એટલે અપવાદ વિના અપરણીત ધર્મગુરૂ જેવો કોઈ ખયાલ છે જ નહિ. હા, નિયમો ને જૂની રૂઢિઓ દેખીતી રીતે પુરૂષપ્રધાન જ છે.
સ્ત્રીઓને બુરખામાં કેદ કરી (અને એને ય પર્સનલ ચોઈસમાં ખપાવી) 'ધણી'ના માલિકીભાવમાં રાખવાની, વધુ સ્વતંત્રતા ન આપવાની ઘણીબધી બહુ ચર્ચાઈ ગયેલી વાતો છે. પહેલા કરતાં બુરખા ઘટવાને બદલે વધી ગયા છે. ને એ નારીને સેકન્ડરી ગણવાની વૃત્તિ પણ ભારતમાં હિન્દુ ધર્મમાં વિચિત્ર રીતે ગૂંથાઈને સ્થાપિત એવી થઈ ગઈ, કે સ્વયંવરના દેશમાં છોકરીઓને લવમેરજ ન કરવાના શપથ લેવડાવાય કે મારી પણ નખાય, ને એવા ઓનરકિલિંગની ડિજીટલ મોબાઈલ હાથમાં રાખી ડેવિલ જેવા ડોબાઓ વાહવાહી પણ કરે !
પણ સેક્સત્યાગ વાળા સેલિબસી / બ્રહ્મચર્યને ખ્રિસ્તી ધર્મમાં મહત્વ મળ્યું. જીસસ-મેરી મેગ્ડોલીન-વર્જીન મેરી જેવા વિવાદો તો પરદેશી ખ્રિસ્તી સ્કોલર્સ જ સૌથી વધુ ચર્ચે છે. પણ એના મૂળિયા જે સર્વનાશ/પ્રલય/એપોકિલ્પ્સ પછીની દુનિયા રચાશે, એનાં કોઈ જાતીય આકર્ષણ - લગ્ન - સંતાનોત્પત્તિ નહિ હોય ને બધા જ એન્જલ્સ - દેવદૂત જેમ સ્વર્ગીય અમરત્વ ભોગવશે, એ ફ્યુચર ફેન્ટેસી છે. સેઈન્ટ પોલે એ ઈશ્વરના રાજ્ય માટે સેલિબસીનો કમાન્ડ આપ્યો પણ એ 'ઉચ્ચ આદર્શ' સુધી ન પહોંચે એવા દુન્યવી જીવોને લગ્નસંસારની છૂટ આપી. (જેમાં ડિવોર્સની ક્રાંતિએ મોડેથી માંડ માંડ થઈ !) પણ ધીરે ધીરે સ્પેનની રિજીયોનલ કાઉન્સિલ ઓફ એલ્વીરા એ ૩૦૬ની સાલમાં તમામ ધર્મગુરૂઓને સેક્સના સંબંધથી જ દૂર રહેવાનો ઠરાવ કર્યો. લગ્ન કર્યા હોય તો ય દેહસંબંધ નહિ બાંધવાનો ! ૩૨૫માં કાઉન્સિલ ઓફ નિકાઈઆએ તો પાદરીઓએ માતા, બહેનો સિવાય કોઈ પણ સ્ત્રી સાથે રહેવાની જ મનાઈ ફરમાવેલી ! જે આજે આપણે ત્યાં ઘણા ચુસ્ત બ્રહ્મચારીઓ ફોલો કરે છે.
ઈતિહાસ પછીનો લાંબો ને કોમ્પિલિકેટડ છે. અમુકમાં પાદરીઓ લગ્ન કરી શકે, અમુકમાં ન કરી શકે. ઉપદેશ તો સંપૂર્ણ બ્રહ્મચર્યનો જ અપાતો હતો, પણ દસમી સદી સુધી પરણીત પાદરીઓ-બિશપો હતા ય ખરા. પણ ૧૧૨૩ ને ૧૧૩૯માં પ્રથમ-બીજી લેટરન કાઉન્સિલમાં રોમન કેથોલિક ધર્મગુરૂઓ માટે બ્રહ્મચર્ય ફરજીયાત થઈ ગયું.
જોકે, પછી એ બંધન ઢીલું પડયું ને ૧૫મી ૧૬મી સદીમાં તો પોપ એલેકઝાન્ડર છઠ્ઠા પણ બાળકોના પિતા બનેલા. પણ ઘણા પ્રવાહો બાદ પોપ પોલ છઠ્ઠાએ ૧૯૬૭માં ફરી સેલિબસીની ચુસ્ત ફેવર કરી. પછી તો પીડોફાઈલથી અનૈતિક શોષણ સંબંધોના આક્ષેપો ય ચર્ચાતા રહ્યા.
આ કવિક રિકેવના કોન્ટેકસ્ટ સમજો તો ખ્યાલ આવે કે વર્તમાન પોપનું સ્ટેટમેન્ટ ભલે રિવોલ્યુશનરી નહિ, તો ય ઈવોલ્યુશનરી તો ગણાય જ. લહેરથી ખાવું ને લિજ્જતથી સૂવું એના માટે તો જન્મારામાં ધરતીનો ફેરો છે, એવું - માનવું પરફેકટલી નોર્મલ છે. પેલો ગિલ્ટ ધરાર ઠઠાડી દેવાયો છે, ને કેટલાક જનમઘરડા બળતણિયાઓ ખુદના જીવનમાં કોઈ આનંદ નથી, કે કોઈ રંગીન શોખીન જીવન નથી એના ફ્રસ્ટ્રેશન કાઢવા જલન અનુભવી સેક્સની ટીકાઓની ટકટક કરતા રહે છે.
ભલેને વસતિવધારા ને ઓનલાઇન સર્ચમાં 'ઉઘાડી' પડી જાય સાંસ્કૃતિક દંભના ઢોલની પોલ ! ડગલને પગલે સાહિત્યિક ઉપમાઓમાં ય, ઋતુવર્ણનોમાં ય નર-નારીના સૌંદર્ય, શરીર ને ઉન્માદની ઈશ્વરીય ચરિત્રો સુધી મુક્ત ઉપમાઓ પ્રયોજતા ભારતવર્ષમાં બ્રહ્મચર્ય શબ્દનો અર્થ કેવળ વાસના સાથે જોડી દેવાયો. જાણે બ્રહ્મચર્ય કેમ લંગોટી રોટી પૂરતું જ હોય !
દેખીતી રીતે બ્રહ્મ એટલે ભારતીય ગ્રંથો મુજબ ચૈતન્ય. તાઓ. ફોર્સ. આત્મા સ્વરૂપનું તેજોમય અદ્રશ્ય પ્રાણતત્વ. પ્રકૃતિના કણકણમાં વ્યાપ્ત એકાકાર સર્જનહાર. મતલબ, શિશુસહજ વિસ્મય રહેવું એ બ્રહ્મચર્ય. કુદરતી આવેગોને ય સાક્ષીભાવે સ્વીકારવા કોઈને દુ:ખી કર્યા વિના, જોરજબરજસ્તી વિના નૈસર્ગિક આનંદ સ્વાદથી સમાગમ સુધી ભોગવવો. મહાભારત તો શ્રીકૃષ્ણ ઉત્તરાના ગર્ભસ્થ શિશુને સજીવન કરવા બ્રહ્મચારી હોવાની વાત રાણીઓ-સંતાનો હોવા છતાં બોલે છે. પણ કૃષ્ણના રોમાન્સમાં ય નટખટ નંદકિશોરપણુ છે. શેતાની રાવણવૃત્તિ નથી.
મૂળ તો માણસ ખુદ પર કાબૂ ન રાખી શકે ને પ્રલોભનોથી ગભરાય એ વાસ્તવથી ગાંડાઘેલા નિયમો બનાવે. સેક્સ એન્ડ ફુડ બેય કર્મસાધનામાં વિક્ષેપ પાડે નબળા મનના લોકોમાં ફોક્સ રહે નહિ. રમતા રમતા ખાઈ શકો ? લખતા લખતા સમાગમ કરી શકો ? પણ જે આ આત્મનિયંત્રણ રાખી શકે, એને માટે કોઈ ધરાર નિયમનો બંધારણમાં ય નથી. અભ્યાસમાં કાસ્ટ બ્રહ્મચર્યાશ્રમ એટલે લગ્નના કમિટમેન્ટ વિના ફોક્સ કુદરતના માટે પોતપોતાની મરજી, જવાબદારી અને જિંદગી. મેરિડ પર્સનની ય જવાબદારી તો એના પાર્ટનર માટે. એ તો ખાવાની સ્વતંત્રતાને ય લાગુ પડે.
ગૃહસ્થજીવનની જવાબદારીમાં વિદ્યાર્થીકાળ જેવી મોકળાશના પણ બાકી, પર્સનલ લાઈફમાં કોણે શું ખાવું, શું પહેરવું, શું જોવું, શું ગમાડવું, કોની સાથે કેટલીવાર સૂવું કે કેટલા સંબંધો રાખવા એની ઠેકેદારી સભ્ય સમાજમાં કોઈ ત્રાહિત કરી ન શકે. કરે તો એ એની વિકૃતિ બતાવે છે. મલ્ટીપલ રિલેશન્સ ધરાવતા બધા શોષણખોર જ હોય એવું નથી હોતું. જે એવા હોય એની સામે અવાજો તરત ઉઠે જ છે.
બાકી સરાજાહેર કબૂલાત છતાં સંજય દત્ત સામે કોઈ સેક્સ ગર્લફ્રેન્ડનું મીટૂ થયું ? ટીના મુનિમ કે માધુરી દીક્ષિત કોઈએ મોં ફેરવ્યું ? બધા પરસ્પરની સહમતિ અને આનંદથી રચાતા પ્રેમ કે જાતીય સંબંધો શોષણ કે ષડયંત્ર નથી હોતા. ખુશીની પળો હોય છે. કોઈને નડયા કનડયા વિના બે પુખ્ત વ્યક્તિઓ એમની પસંદગીની અભિવ્યક્તિ કરે - એ ઘટના ત્રાસવાદ નથી, સંવાદ છે સ્પર્શનો ! ફ્રીડમ ફોર ફન ઈઝ ફેર !
જરૂરી નથી કે અપચો ભોજનનો જ થાય. અમુકને સાદી સમજણનો ય અપચો હોય છે. જે પાર્કમાં ય છોકરાછોકરીઓએ કેવા કપડાં પહેરવા એના કાજી થવા ઠેકડા મારે છે. ઓશોનું વિખ્યાત ક્વોટ છે : અશ્લીલતા આપણી શોધ છે, ઈશ્વરની નહિ. ઈશ્વરની હોત તો આપણને કપડાં પહેરાવી પેદા કરત ! રિમેમ્બર, જે બાબતમાં બે ય પક્ષે કોઈ ગણતરીઓ કે સોદાબાજી વિના, ચાલાકી કે ધમકી વિના આનંદ આવ્યો હોય એ બાબતે અપરાધભાવ અનુભવી - શરમાવું નહિ. જોય ઈઝ ડિવાઈન ફીલિંગ. જેલસી ઈઝ હયુમન.
ઝિંગ થિંગ
'આદમી દો હી ચીજો કે લિયે જીતા હૈ : પેટ કે લિયે, ઔર પેટ કે નીચે કે લિયે !' ('ચક્ર' ફિલ્મમાં સ્મિતા પાટિલનો સંવાદ)

