ઉનાળો કાળઝાળ થાય છે...પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પહેલાં તો આંસુ વરાળ થઈ જાય છે !
- અનાવૃત-જય વસાવડા
- ભારતમાં જો કોઇ સરકારે ઇન્સ્ટંટ લોકપ્રિયતા મેળવવી હોય તો રાશનની રેવડી જૂની થઇ હવે... ઊનાળામાં એ.સી. વેંચવાના લોન મેળા કરવા જોઇએ...!
રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે,
અવધૂત ઝાળજટાળો.
રે આવ્યો કાળ ઉનાળો.
એના શ્વાસે શ્વાસે સળગે
ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા
પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો.
રે આવ્યો કાળ ઉનાળો
એના સૂકા હોઠ પલકમાં
સાત સમુન્દર પીતા
એની આંખો સળગે જાણે
સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો
રે આવ્યો કાળ ઉનાળો
કોપ વરસતો કાળો
જ યંત પાઠકની આ કવિતા યાદ આવે ને બહાને ગુજરાતી ભાષાએ કેવા કવિઓ પેદા કર્યા છે એનું સ્મરણ થાય એ ઋતુ આવી ગઈ છે. ભલે માવઠા થતા પણ ગુજરાતમાં તો કાયમ બારમાંથી નવ મહિના ગરમી જ હોય છે. ત્રણ મહિના જેટલું ચોમાસું ને શિયાળો ટોટલ રહે છે.
'મિશન ઇમ્પોસિબલઃ ટુ' ફિલ્મનો ઓપનિંગ ડાયલોગ હતો: 'જો તમારે મહાનાયકનું સર્જન કરવું હોય, તો તમારે પહેલાં પ્રચંડ ખલનાયક બનાવવો પડે! તો જ એ ખલનાયકને હરાવનાર નાયકની વીરતા ઉઠીને આંખે વળગે.' લાગે છે કે ઊનાળાની કાળમુખી ગરમીથી ત્રસ્ત પ્રજા ત્રાહિમામ ન પોકારે, તો પહેલા વરસાદના કૂલ કૂલ છાંટાનો રોમાંચ શું રહે? સતત સ્વર્ગ - નરકની ફિકરમાં રહીને પૃથ્વી પરનો જન્મારો પણ બગાડનારા ભારતવાસીઓને એટલે જ આવો એસિડિક ઊનાળો ભેટમાં મળ્યો હશે. નરક કેવું હોય એનું જરા એડવાન્સ્ડ ટ્ર્રેલર જાણવા મળી જાય તો ત્યાં પહોંચ્યા પછી બહુ પ્રોબ્લેમ નહિ! રાહતની રંગતનું 'ફીલ ગુડ' થાય... બરફના એકાદ ટૂકડા કે પંખાના ત્રણ પાંખિયાનું મહાત્મય સમજાય... એ માટે આમ લોઢીમાં રખરખતી ખારી શિંગની માફક શેકાવાનું બાપલા?
કેવો ભયાનક છે આ વિષુવવૃત્તીય ઘુળીયા પ્રદેશનો ઉનાળો! જેઠ (ફોર ધેટ મેટર ચૈત્ર, વૈશાખ...) કી દોપહરી મેં સૈંયા પાંવ જલે રે...! ઊનાળો એટલે આળસ, અકળામણ અને અવ્યવસ્થાનો ત્રિવેણી સંગમ. ઊનાળો એટલે આવી ગરમી તો કોઈ દાહડે પડી નહોતી- એ તકિયા કલામ દર વર્ષે સાંભળવાની કસરત! આમ તો 'જલતા હૈ બદન' એવું સાંભળો તો કંઇક 'હોટ હોટ' અનુભૂતિ થાય. પણ તમારા કરમ ફૂટયા હોય અને તમે આ ચામડાફાડ ઊનાળાની બપોરે લોખંડના પતરાની બનેલી બસમાં ઊભા હો કે પૃભાગ પર ફોલ્લા કરી દેતી દઝાડતી રેકઝીનની હોટ સીટ પર બેઠા હો, તો આખું બદન ઉભેઉભું સળગી જાય! ભારતમાં જો કોઇ સરકારે ઇન્સ્ટંટ લોકપ્રિયતા મેળવવી હોય તો રાશનની રેવડી જૂની થઇ હવે... ઊનાળામાં એ.સી. વેંચવાના લોન મેળા કરવા જોઇએ... એ એરકન્ડીશનર તથા રેફ્રીજરેટરના ઇલેકટ્રિક પોઇન્ટ જુદા કરી ઇલેકટ્રિસીટી બોર્ડે ઊનાળાના ત્રણ -ચાર મહિના એમાં ઠંડાગાર પાણીના ભાવે વીજળી આપવી જોઇએ. જનતા બાકીની બધી હાલાકી માફ કરી દે એની ગેરેન્ટી! ખીખીખી.
એક જમાનામાં બચ્ચા લોગને અચૂકપણે 'ઊનાળાની બપોર' પર નિબંધ લખવાનું કહેવામાં આવતું. જમાનો બદલાઇ ગયો, પણ નિબંધના વિષયો બદલાયા નથી. ઊનાળાની બપોર એટલે એવો સમય કે જયાં લખવાનું તો શું, જમવાનું ય મન ન થાય! આપણે માણસ છીએ, કંઇ કાદવમાં માથાબોળ ડૂબકા મારતી ભગરી ભેંસ નથી કે આપણને ઉનાળાની બપોર વ્હાલી લાગે! ઊનાળાની બપોરે તો સૂરજદાદા વાત્સલ્ય ભર્યો હાથ ફેરવતા હેતાળ દાદાજીને બદલે ભાઇલોગ બ્રાન્ડ મફિયા 'દાદા' લાગે! જે બપોરે વૃક્ષોના પાંદડા ય હલતા ન હોય, ત્યાં વળી જનજીવન 'ઠપ્પ' ન થાય, તો શું 'અપ' થાય? ઊનાળાની બપોર એટલે આધુનિક 'શયનયોગ'. જેમાં તણાતણ પેટ ભરીને રસપુરી અને બસ્સો રૂપિયાની નહિ એવી ઘરની તાજી અને ટાઢી છાશ પીને 'કોઠો ટાઢો' કર્યા પછી (ખબરદાર વિરૂદ્ધ આહારનું ગપ્પાનું નામ લીધું છે ,તો મેંગો આઈસ્ક્રીમ જગત આખું દૂધ કે કરી જોડે ખાય જ છે લહેરથી) પોચા પોચા ગાદલામાં ગરમ ગરમ પંખાની હવા ખાતા ખાતા ડાબેથી જમણે અને જમણેથી ડાબે પાસા ઘસવાના! માથું ઓશિકા સાથે ઘસવાનું... ટાંટિયા લાંબા ટૂંકા કરવાના! ઘડીકમાં ચત્તાપાટ તો ઘડીકમાં ઉંધેકાંધ ! રોમેરોમ કસરત મળી જાય! પછી પરસેવો આ અંગમરોડનો થયો છે કે ગરમીનો, એ ખબર પણ ન પડે!
ઇશ્વર, અલ્લાહ, ગોડ જગતમાં બે નોકરીઓ બરાબર 'ખાર' રાખીને વહેંચતા હશે. ટ્રાવેલિંગ સેલ્સમેન અને ટ્રાફિક પોલિસ. આવી ગરમીમાં સતત રસ્તા પર જ રહેવાનું! જો કે, ભારતમાં એક ફાયદો. ગુટલી મારવાની મોકળાશ મળે. પણ પૂરબ ઔર પશ્ચિમની એવરગ્રીન હૂંસાતુંસીમાં સર્જનહારે લાગવગ વાપરીને પણ પશ્ચિમની જ 'ફેવર' કરી છે. સંસ્કૃતિની સાઠમારી જવા દો - ઊનાળામાં ય કામ કરવાનું મન થાય એવી ખુશનુમા મોસમ ખોબલે ને ખોબલે કુદરતે વેસ્ટર્ન મુલ્કોમાં જ ઠાલવી છે! એટલે સમર સમરના ત્યાં જાપ જપે બધા ને અહીં મર મર ના !
પુણ્યશાળી ભારતમાં તો ભૈ, તપસ્યાનું બહુ મહત્વ એટલે ગરમીમાં શક્કરિયાની જેમ બફાવાની કસોટીએ ચડવાનું! જયારે પાપીયા પશ્ચિમી દેશોને એ... યને સમર સનશાઇનના જલસા કરવાના! બરફીલી સડકો, લહેરાતો પવન... ગમે ત્યારે ગમે ત્યાં બિકિની- બર્મ્યૂડા પહેરીને કે ટૂંકી ટૂંકી બે વેંઢાની ચડ્ડીયું ચડાવીને બીચ પર આળોટયા કરવાનું! મોસમ પણ સ્વર્ગની અને રંગીન માહોલ પણ સ્વર્ગનો! કેટલા પાપ કરીએ તો આવો મદ્મસ્ત ઊનાળો સદાય માણવા મળે?! અને કેટલા પુણ્ય પછી ઊનાળામાં લાઈટ વિના તરફડવાનું થર્ડ ડિગ્રી ટોર્ચર ભારતમાં ભોગવવા મળે!
વાચકરાજ્જાઓ અને વાચકરાણીઓ, જો તમે મેટ્રો સિટિઝમાં રહેતા. હો, અને આ વાંચતા - વાંચતા ય પરસેવાના ટીપા કાગળ પર ધાબા પાડે એવી ઉષ્માભરી હાલતમાં હો... તો ડોન્ટ વરી. કોઇ ઝગારા મારતા શોપિંગ મોલમાં ચાલ્યા જવાનું. ખિસ્સાને ન પોસાય પણ મનડું લલચાય એવી રોનકદાર ચીજો જોવાની અને એ.સી.ની મફત ઠંડક માણવાની! અથવા તો ફાઇવસ્ટાર હોટલની લોન્જમાં જઇને વારંવાર ઘડિયાળમાં જોઇને પ્રતીક્ષામય હોવાનો ડોળ કરી, સોફામાં ખૂંચી જવાનું! વચ્ચે - વચ્ચે દોડાદોડીમાં થાકી જાવ તો હાથ આવે એ કોલ્ડડ્રિન્ક કે લસ્સીના ડબલ ટ્રબલ (?) ડોઝ ફટકારો. ફિર તો દો બાતે હો સકતી હૈ. કાં તો તમારૃં પેટ કૃત્રિમ રંગીન પીણાઓથી ગાગર જેવું થઇ જશે અને એમાં નાખેલા પ્રવાહીનો ઉત્સર્ગ કરવા તમારે દોટ મૂકવી પડશે. જે ક્રિયા પતાવ્યા પછી બે ઘડી એવું અપૂર્ણ સ્વર્ગીય 'રિલેકસેશન' મહેસૂસ થશે કે ગરમી ભૂલાઇ જાય! અથવા બે - ચાર દહાડામાં તમારે માંદા પડવાનું થાય અને હવે તો કોરોનાએ યાદ અપાવ્યું એમ દરેક હોસ્પિટલના આઇ.સી.યુ. સેન્ટ્રલી એરકન્ડીશન્ડ જ હોય છે!
ઊનાળામાં લેડી લકને મન મૂકીને ચૂમ્યા હોય એવા જૂજ બડભાગી વીરલાઓ નવથી પાંચના દિવસના ઓફિસ ટાઇમને બદલે રાતના નવથી વહેલી સવારના પાંચના 'વર્કિંગ આવર્સ' કરી શકે છે. રાતના ઠંડી ઠંડી હવા ખાતા મોજથી કોઇ ખલેલ વિના કામ કરવાનું, અને સવારે સૂરજચાચૂ મઘ્યાન્હની મંઝિલ સુધી પહોંચે ત્યાં લગી ઘોંટયા કરવાનું! આને કહેવાય બીટ ધ હીટ!
જે 'હીટ'ને 'બીટ' ન કરો તો આપણી તંદુરસ્તી 'હિટ વિકેટદ થઇ જવાનું જોખમ પૂરેપૂરૃં રહે છે. ફેફસામાં શ્વાસ ચડી જાય, મસાલાવાળો ખોરાક ખાઇને લાલ મરચાં જેવું લોહી નાકમાંથી નીકળે, વાસી વાનગીઓથી ફુડ પોઇઝનિંગ થઇ જાય, લીવરના 'કિલોમીટર પૂરા' થઇ જાય, ઉનાળો પોતે જ એ વિનાશક બેકટેરિયા જેવો છે- હેલ્થ હેઝાર્ડ! પસીનો ચોંટી જાય તો ખરજ આવે. ગરમીમાં બહુ ફરવું પડે તો મોળ ચડે. ઠંડી હવા બહુ ખાવ તો આધાશીશીના આઘાતજનક હુમલાઓ આવે. બહુ શીતળ પદાર્થોેનું સેવન કરો તો દેહમાં પિત્તપ્રકોપ વધી જાય! કપડાં પહેરો તો એર સરકયુલેશનના અભાવે એલર્જી થઇ જાય. કપડાં ઉતારો તો ખુલ્લી ચામડી પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પડેને, સનબર્ન થઇ જાય! આવા ઉનાળે કાળી મજૂરી કરતાં શ્રમજીવીઓની ક્ષમતા કંઇ ઓલિમ્પિક ચેમ્પીયનથી કમ ન આંકવી! ઠીક છે, સમર વેકેશન મળતું હોઇને ઉનાળામાં બધા હિમાચ્છાદિત હિલ સ્ટેશને દોડી જાય છે. બાકી, હાંફતા ચરબીધરો માટે સમર સીઝન પોતે જ 'કિલ' સ્ટેશન છે!
જો લોકોને ઉનાળુ ગરમી 'પાસ' નથી કરી દેતી, એ સુખી જીવાત્માઓ 'ટાઇમપાસ' કરવા ઉનાળામાં ભકિતભાવપૂર્વક ત્વચા પર ઉંચા 'સન પ્રોટેકશન ફેકટર'વાળા સનસ્ક્રીન ક્રીમનો લેપ કરે છે. ન્હાવાના લકઝરિયસ બાથટબમાં સુખડનું તેલ નાખી લાલ ગુલાબની પાંદડીઓ તરતી મૂકીને ફુવારા મારે છે. અડઘું લીંબુ લટકાવ્યું હોય એવા સોહામણા (પણ સ્વાદિષ્ટ નહિ!) શરબતો કાંઠે રાખીને આસમાની ચાદર જેવા સ્વીમિંગ પૂલમાં ધૂબાકા મારે છે. વ્હાઇટ વ્હાઇટ કલરના ડિઝાઇનર સમરવેર પહેરે છે. યેલો, ગ્રીન, બ્લ્યુ, ને હા ભૈ બેશરમ ઓરેંજ પણ ખરા! પસીનાના છિદ્રો બંધ કરી દેતાં રસાયણો હોઇને અતિરેકથી શરીર માટે નુકસાનકારક ડિઓ સ્પ્રેેનો અભિષેક કરે છે. તડબૂચની રસદાર ડગરી પર દાંતની સાથે નાક પણ ખુંપાવી દેતું આક્રમણ કરવાને બદલે પ્લાસ્ટિકની સળીથી ફ્રૂટ ડિશમાંથી એક જેલીનો ટુકડો ઉઠાવી ચગળે છે! બહુ ચિબાવલા હોય તો વળી, પાણીમાં હાથપગ લાંબાટૂંકા કરીને 'એકવા એરોબિકસ' કરે છે! ત્રણ ટુકડા કાકડી ગણી-ગણીને ખાય છે. ઉપર ચિલ્ડ ચોકલેટ શેક સ્ટ્ર્રો નાખીને પીવે છે. પછી ગરમી રોકવા નહિ પણ સ્ટેટસ વધારવા બ્રાન્ડેડ પોલોરાઇડ સનગ્લાસીસ આંખોએ ચડાવી સ્વીમવેરમાં ધરતી પર ઉપકાર કરતાં હોય એમ થોડાંક ચક્કરો મારે છે! ઉનાળાની ગરમી ઓછી હોય એમ આવી આઇસ કોલ્ડ જીંદગી જોઇને થતી જલન તમને દઝાડી દે!
આવું કશું પ્રેકટિકલી ન કરી શકનારાઓ માનસિક ટાઢક મેળવવા વેકેશનમાં ઘૂમ મચાવતા હોટ હોટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ્સ બ્રાઉઝ કરી શકે. ત્યાં અપ્સરા ને ગંધર્વદર્શન કરો તો એમ જ લાગે કે ઉનાળો એટલે ટ્રેન્ડી વાઇન, ટુ પીસ બિકિની, હિલ સ્ટેશનના ટુરિસ્ટ સેન્ટર્સ બીચ રિલેક્સેશન, સ્ક્યુબા ડાઇવિંગ, વિન્ડ સર્ફિંગ અને સ્વીમિંગ કોસ્ચ્યુમ્સમાં ધીંગામસ્તી! આવી મીઠી મીઠી તસવીરો એક કડવી વાત શીખવે છે કે ઉનાળુ ગરમીનો મુકાબલો કરવા માટે ઋતુઓના વિજ્ઞાાનની સમજ કરતાં બેન્કમાં પડેલા રોકડાની ખનક વઘુ જરૂરી છે! અને આ બિટર ટ્રુથ ઉનાળાની ગરમીની આગ દેહની સાથોસાથ દિલમાં પણ પ્રજાળે છે! હવે સોલાર પાવર્ડ એ.સી.ની ક્રિએટીવ ટેકનોલોજી આવ્યાના વાવડ છે- જેમાં જેમ ગરમી વઘુ, એમ એ.સી. જોરમાં એવો સીધો ફાયદાકારક હિસાબ છે.
ફરગેટ ઇટ. અપુન ફિર ભી ગરમીમેં નરમી દેખેગા! ઉનાળો એમ કંઇ દોઝખભઠ્ઠી જ છે એવું નથી. એમાં રંગબેરંગી કેપ ચડાવીને જાણે મુકુટધારી મહારાજાની જેમ ફરવાનો ઠાઠ છે. એમાં પરસેવો શોષી લેતી ખાદીના અન્ડરવેઅર્સ પહેરવાના કૂલીંગ કમ્ફર્ટ છે. સફેદ કૂર્તી ચડાવીને હળવાફૂલ થવાનો અહેસાસ છે. ઉનાળો એટલે મમીઠાં શેરડીના રસમાં તરતાં પારદર્શક બરફના સ્ફટિકમય ગચિયાં!
ઉનાળો એટલે સક્કરટેટી અને જાંબુની જયાફત! ઉનાળો એટલે માખણને મિસરી! ઉનાળો એટલે ફ્રીઝકોલ્ડ એલચી શિખંડના તપેલાનું ચાટણ! કઢેલાં દૂના કેસર ફ્ટ સલાડના સબડકાં! નવાનક્કોર ગેરૂરંગી માટલાની ગંધથી સુવાસિત પાણીનું પવાલું! લીંબુ, ફુદીના, આદુ, મધ, ખસ અને વરિયાળીનું શરબત! કાચી કેરીના અથાણા અને મસ્સાલેદાર છાશની તાંસળી! ગુલકંદવાળું સાદુ પાન અને બ્રાહ્મી- દુધીવાળું માથામાં નાખવાનું તેલ!
અને ઉનાળો એટલે કેરી! મમમ... મ.. મ.. મેંગો! આદમ અને ઇવે ભલે ફ્ટ ઓફ નોલેજ જેવું 'એપલ' ખાઇને આકર્ષણનો આનંદ અનુભવ્યો હોય.... ફોરબિડન ફ્ટ તરીકે 'ફ્ટ ઓફ ટેમ્પટેશન' જો કોઇ હોય.... જે ખાઇને ઇશ્વરનો શાપ વહોરી લેવાનીય હિંમત આવી જાય... તો એ છે મેંગો! કદાચ 'આમદ - 'આમ' બોલતાં બોલતાં જ 'ઓમ' 'ઓમ'ની પ્રાર્થના થઇ ગઇ હશે! ઉનાળો જો પરસેવાથી નીતરતાં મોજાંની બદબૂ લઇ આવતો હોય તો એ પાકી, રસાળ, સુઘટ્ટ, દળદાર કેરીની ખૂશ્બુુ પણ આપે છે!
અને ઉનાળામાં 'પીળી ચાંદની'માં પ્રસ્વેદથી તરબતર હાલતમાં નર કે નારીના ચપોચપ ચોંટેલા વસ્ત્રોમાં આકૃતિ કંડારાઇ જાય.... ત્યારે ખારા પરસેવાની એ સિલવટોમાં એક આદિમ ગંધ મહેંકે ! ગરમી સ્વભાવની હોય કે સમરવેઅરની.... એ હંમેશા માણસને વઘુ પારદર્શક બનાવે છે!
ઉનાળો કેણે રે મોકલ્યો રે એની ફરિયાદ કરવાનો બદલે નગર ને ઘર થોડાક વધુ વૃક્ષોથી લીલા થાય એની ફિકર કરવાની જરૂર છે. પાછલી પેઢીએ ખીલવેલા લીલા છાંયડાની કિંમત માટલાના પાણીની તરસની જેમ અત્યારે સમજાય ! હવે મોબાઈલ મેસેજમાં આ જૂની પ્રથા થોડી ઘસાતી જાય છે, પણ જાપાનમાં અવી કૂલ ટ્રેડિશન હતી કે ગરમી બહુ પડે ત્યારે આવા આકરા તડકામાં તમે મજામાં છો ને ! એવું સરસ મજાનું પ્રસન્ન મણ કરે એવું કાર્ડ લખીને પૂછવામાં આવતું ! ઠંડક આઇસની નહિ, કોઈ આપણી દરકાર લેતી 'આયઝ' ની !
(શીર્ષક: અનિલ ચાવડા)
ઝિંગ થિંગ
કાળઝાળ તડકા સમ યાદો આ બાળે 'ને
લોહીમાં વાયરા 'ને લૂ,
મને ઉનાળો વળગ્યો કે તું?
સૂર્ય તો અંગારા વરસાવે એવા
જે ત્વચા ઉપરથી દઝાડે,
તારું ના હોવું તો એથી પણ વસમું
જે ઊઝરડા હૈયા પર પાડે
ફાટફાટ ખીલી છે વ્યથાઓ એવી
કે ગરમાળો થઈ ગ્યો છું હું,
મને ઉનાળો વળગ્યો કે તું?
ઝીંકાતી એવી તો ગરમી આકાશેથી,
ઉપરથી તું પણ ના પાસે,
શીતળતા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે
ને ભારેલો અગ્નિ છે શ્વાસે.
આરપાર વ્હેરે છે એકલતા ભીતર
ને બહાર સૂના મારગ જેવું,
મને ઉનાળો વળગ્યો કે તું?
અર્પણ ક્રિસ્ટી