mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ત્યાગ અને સમર્પણની ભાવના આજે કેમ લુપ્ત થતી જાય છે?

Updated: Nov 1st, 2022

ત્યાગ અને સમર્પણની ભાવના આજે કેમ લુપ્ત થતી જાય છે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- આજની દુનિયા પોતે રચેલી જાળમાં ફસાતી જાય છે. એ બંધનને જ મુક્તિ માને છે અને પ્રાપ્તિને ધર્મ. મનુષ્ય પાસે આજે 'ભોમિયો' નથી કારણ કે ભોમિયા જ ભૂલા પડયા છે. એટલે નૈતિક મૂલ્યોનો ક્ષય થઇ રહ્યો છે

* ત્યાગ અને સમર્પણની ભાવના આજે કેમ લુપ્ત થતી જાય છે ?

* પ્રશ્નકર્તા: ડી.કે.માંડવિયા, સ્ટેશન રોડ, પોરબંદર (સૌરાષ્ટ્ર)

ઇ શાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્લોક જ 'ત્યાગ'ની ભાવનાથી શરૂ થાય છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ છે:

'ઇશનું રાજ્ય છે આખું

જે જે આ જગતી વિશે

ત્યાગીને ભોગવી જાણો

વાંછો મા ધન અન્યનું'

પરમ શક્તિ અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરેલી છે. મનુષ્ય ધરતીનો માલિક નથી, પુત્ર છે. એટલે ધરતી પરના તમામ પદાર્થોને માત્ર વાસના, તૃષ્ણા, આસક્તિ કે ભોગની દ્રષ્ટિએ જોવાના નથી પણ પરમાત્માની થાપણની દ્રષ્ટિએ જોવાના છે. વસ્તુઓનો ઉપયોગ કરો પણ પણ એ વખતે યાદ રાખવાનું છે કે મારે આ બધું આપનાર પરમેશ્વરને યાદ રાખવાના છે. ત્યાગ એ મારો માનવ તરીકેનો અધિકાર છે, કર્તવ્ય છે એટલે લોભ-લાલચને વશ થઇ કેવળ ઉપયોગીવાદી કે ઉપભોગવાદી બનવાનું નથી, પણ બધું જ પરમાત્માના ઋણને અદા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ રાખવાની છે. ભાગદ્રષ્ટિ એ રોગ છે, ત્યાગ દ્રષ્ટિએ સુયોગ છે. બીજાની કમાણી પ્રત્યે મારે લાલચભરી, સ્વાર્થભરી અને આસક્તિભરી નજર રાખવાની નથી. પારકાની વસ્તુ પ્રત્યે મારે પવિત્ર અને ધર્મમય મતલબ કે નૈતિક દ્રષ્ટિકોણ ધરાવવાનો છે. આ જગત મને જીવવા લાયક તમામ સુવિધાઓ સાથે પ્રભુએ આપ્યું છે અને તેનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે એનો મૂળ માલિક નારાજ ન થાય. આવો વિચાર માત્ર 'ત્યાગ' દ્રષ્ટિ જ શીખવી શકે. આસક્તિ 'રાગ'નું શિક્ષણ આપે છે અનાસક્તિ ત્યાગનું.

સંત કબીરે એટલે જ કહ્યું છે -

'સબ ઘટ મેરા સાંઇયાં

સૂની સેજ ન કોઈ

વા ઘટ કી બલિહારિયાં

જા ઘટ પરગટ હોય'

અપ્રગટ રૂપે રહેલા પરમાત્મા કોઈ સંત, ભક્ત કે નિષ્ઠાવાન ઉપાસકને જ દર્શન આપે છે. ત્યાગ એટલે તજવાની ક્રિયા. માણસ માટે 'મોક્ષ' કોઈ બહારની વસ્તુ નથી પણ વાસનામુક્તિ એ જ સાચો મોક્ષ છે. આવાસના દ્રષ્ટિ માણસ પાસે નૈતિકતા છીનવી લે છે. પારકાનું ધન પચાવી પાડવાની, પારકાની જમીન હડપી લેવાની, પારકાનો પૈસો ભ્રષ્ટ બની લાલચથી પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવાનું કારણ બને છે. ત્યાગમાર્ગનો સ્પીડબ્રેકર છે મોહ. ત્યાગને રુંધનારો અવરોધ છે લોભ. ત્યાગ માર્ગીને પણ લલચાવનારી વસ્તુ છે કામ અને હું જ સર્વશક્તિમાન છું, એવી તામસી વૃત્તિ ધરાવનાર અહંકારીમાં બીજાના ધન કે સુખ પરત્વે ઇર્ષ્યાભાવ જન્મે છે. એટલે પ્રસન્ન રહેવું હોય તો 'ત્યાગીને ભોગવી જાણો' ને જીવનને પરમ આદર્શ બનાવવો જોઇએ. આસક્તિ માણસને સુખદ લાગે છે પણ અંતે એ દુઃખદ સાબિત થાય છે. અનાસક્તિ કષ્ટકારક લાગે છે, પણ અંતે પ્રસન્નતાલાયક સાબિત થાય છે. ત્યાગ માટે આવશ્યક છે સંયમ, અને વિવેક દ્રષ્ટિ. શું રાગ યોગ્ છે અને શું ત્યાગ યોગ્ય - એની સમજણ વિવેકમાંથી જન્મે છે. એટલે જ માણસે દરરોજ પોતાની દ્રષ્ટિ માંજવી જોઇએ. સંયમ એ લોભ અને મોહથી દુઃખતી નજરનું 'આઈ ડ્રોપ' છે. એટલે માણસે કર્મનો ત્યાગ કરવાનો નથી પણ-કર્મફળનો ત્યાગ કરવાનો છે. ફળની આસક્તિ એ લોભ અને મોહનું પ્રસૂતિ ગૃહ છે.

માણસ ઘણીવાર એવા ભ્રમમાં રહેતો હોય છે કે ત્યાગ વગેરે તો સન્યાસીઓનું કામ છે, સંસારીઓનું નહીં. પણ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે સંસારમાં રહીને પણ ત્યાગ દ્વારા ઉદાત્ત દ્રષ્ટિકોણ કેળવી પવિત્ર જીવન જીવવું એ પણ એક પ્રકારનો સન્યાસ જ છે. જનક 'દેહી' હોવા છતાં આ કારણે 'વિદેહી' કહેવાયા. હિતોપદેશ કહે છે કે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘ સૂત્રતા આ અવગુણોને ઉન્નતિ ઇચ્છનારે માણસે અવશ્ય ત્યજી દેવાં જોઇએ.

અર્પણ કરવું એટલે આપવું આપવાની ક્રિયા આનંદ સાથે પણ થઇ શકે, અને મોં બગાડીને પણ. એટલે અર્પણની આગળે સમ જોડીને 'સમર્પણ' શબ્દ બનાવ્યો છે. સમ એટલે કે સારી રીતે હેતપૂર્વક, આદરપૂર્વક, પ્રસન્નચિતે આપવું એટલે સમર્પણ. સમર્પણ શરતી ન હોય. મહાત્મા ગાંધીજી કહે છે 'ત' એટલે કે ઇશ્વર રાખે તેમ રહેવું જોઇએ. ભગવાન ઉકળતા તેલમાં નાખે તો પણ ખુશીપૂર્વક તૈયાર રહેવું જોઇએ. દયા, મધુરતા, અગાધ વિશ્વાસ, અને શુદ્ધ હૃદય એ સમર્પણનાં આભૂષણો છે. હું મારું સર્વસ્વ આપું અને તેના બદલામાં કશું જ ન માગું એનું નામ સમર્પણ. પથ્થરમાંથી શિલ્પી મૂર્તિ કંડારે છે ત્યારેપથ્થર કશી શરત રાખતો નથી. પોતાને શિલ્પીને હવાલે કરી દે છે તેનું આ અશેષ સમર્પણ તેને મૂર્તિ રૂપ ધારણ કરાવી પૂજા પાત્ર બનાવે છે. 

જેમ ભગવાનને વાસી નહીં પણ તાજાં ફૂલો અર્પણ થાય છે તેમ શુદ્ધ મનથી કરેલું સમર્પણ જ સાર્થક છે. સેમ્યુઅલ સ્માઇલ્સે એક સુંદર વાત કરી છે. તેમના મતાનુસાર માનવતાનો સાચો સેવક એ નથી કે કેવળ ધન આપે છે પરંતુ સાચો સેવક એ છે જે સમાજ કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દે છે. ધન આપનારને પ્રસિદ્ધિ મળે છે જ્યારે સમાજ માટે સમય અર્પિત કરનારને પ્રેમ મળે છે. કદાચ પહેલી વ્યક્તિ એટલે ધન આપનારનું નામ ભૂલાઈ જાય પણ બીજા માણસનું એટલે કે સમાજસેવા માટે સમર્પિત રહેનાર વ્યક્તિનાં શુભ કાર્યોની સુગંધ સમાજમાં સદાય મહેકતી રહે છે વિભૂતિઓ, સંતો અને સાચા સમાજ સેવાને વરેલા સજ્જનોનાં નામ લોકહૃદય પર સદાય કોતરાએલાં રહે છે.

જીવન એટલે માણસાઈના પ્રયોગો માટે ઇશ્વરે આપેલું વરદાન. માણસ આ વાત સમજે તો સુખો અને ભોગવિલાસોને પોતાના જીવનનું લક્ષ્ય બનાવવાને બદલે પોતાનું તન-મન ધન અને સમગ્ર જીવન ઇશ્વર પરમશક્તિ ખુશ રહે એવું શાનદાર બનાવવા માટે સતત જાગૃત અને સક્રિય રહે. સમર્પણ પ્રચાર કે દેખાડો કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિ નથી પણ આત્મસંતોષ ખાતર ચૂપચાપ કાર્યરત રહેવાની ભાવના છે.

આજનું જગત ભાવનાપ્રધાન રહેવાને બદલે 'ગણતરીપ્રધાન' બની ગયું છે. લાભ અને લોભ, મોહ અને સાંસારિક સુખોની ભૂખ એના જીવનનાં પરિચાલક બળો છે. ભૌતિક સુખોનાં આકર્ષણો એની વાસનાઓની આગમાં ઘી હોમે છે. માણસ પોતાની ઇચ્છાઓને ઇશ્વરની ઇચ્છામાં સમર્પિત કરી દે ત્યારે એને સાચી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આજનો માણસ રાગની આગને સુખવર્ષા માને છે અનેત્યાગ ને જીવન માટે બાધક માને છે. એનામાં અધિકારપ્રિયતા વધી છે. અહંકાર વધ્યો છે. સુખેષણાઓ બહેકી રહી છે.

માનવમૂલ્યોની ઉપેક્ષાનો એને છોછ નથી. માણસ જીવનના કેન્દ્રમાં નથી પણ ભૌતિક સુખો અને તે માટે જરૂરી લાગતી પરિગ્રહવૃત્તિમાં અટવાયો છે. એ મનની ગુલામીને આઝાદી માને છે તનનાં સુખેને સર્વો પરિગણે છે. આત્મકેન્દ્રિતા એને ત્યાગમાર્ગી કે સમર્પણવાદી બનવા દેતી નથી. એને આવતીકાલની કે આવતા ભવની ચિંતા નથી પણ આજની અને આજનાં સુખોની ચિંતા છે એ સુખો માટે એ રઘવાટિયો બન્યો છે. અશાન્ત છે, બેચેન છે. એને માત્ર પોતાનાં સુખોની ચિંતા છે એટલે ત્યાગ અને સમર્પણને લેશમાત્ર મહત્ત્વ આપવા તૈયાર નથી. આજનો માણસ અંતઃકરણની ઉદાત્તતાને નહીં પણ પૈસાની ગરમીને મહત્ત્વ આપે છે.

ગરીબ લોકો માટે બે વખત રોટલા એ સમસ્યા છે. આવી વિચિત્ર અને દયાજનક સ્થિતિમાંથી આજનુંજગત પસાર થઇ રહ્યું છે જીવનમાં નથી રહી શાન્તિ કે નથી રહી સલામતી. માણસ પાસે 'આત્મદર્શન' માટે સમય નથી. તર્કો, વાદો, કુટુસંઘર્ષો એ માણસને અક્ષમ્યરીતે ઘેરી લીધો છે. આજની દુનિયા પોતે રચેલી જાળમાં પોતે જ ફસાતી જાય છે. એ બંધનને જ મુક્તિ માને છે અને પ્રાપ્તિને જ ધર્મ. મનુષ્ય પાસે આજે 'ભોમિયો' નથી કારણ કે 'ભોમિયાઓ' જ ભૂલા પડયા છે એટલે નૈતિક મૂલ્યોનો ક્ષય થઇ રહ્યો છે.

Gujarat