For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વર્તમાનકાળમાં ભૂતકાળ કે ભવિષ્યકાળની ઘટનાઓ પ્રગટ થઇ જાય એ સંભવિત છે

Updated: Sep 26th, 2023

Article Content Image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ ભૂતકાળમાં પરિભ્રમણ કરવાની સંભવિતતા પ્રગટ કરે છે. આ શક્ય બને તો ટાઇમ ટ્રાવેલ વખતે ટ્રાવેલર પોતાના જ યુવાન કે બાલ્ય સ્વરૂપને મળી શકે. ભવિષ્યના જગતને પણ જોઈ શકે

થો ડા વર્ષો પૂર્વે ટાઇમ ટ્રાવેલ એક કલ્પના કે વિચાર માત્ર હતો પરંતુ ભૌતિક વિજ્ઞાાનીઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત અને ભૌતિક વિજ્ઞાાની જ્હોન વ્હીલરના વોર્મહોલ્સના સિદ્ધાંતે આ બાબતને વિજ્ઞાાન વિશ્વની ભવિષ્યમાં સંભવ બનનારી હકીકત બનાવી દીધી છે. ભૌતિક વિજ્ઞાાનનો વોર્મહોલનો સિદ્ધાંત એ બાબતની સંભાવના દર્શાવે છે કે જો બે બ્રહ્માંડોને જોડનારી આ સુરંગમાંથી પ્રવેશ કરવાનું શક્ય બને તો સંભવ છે કે આપણે ક્યાંક અત્યંત દૂરના ભૂતકાળમાં જઇને બહાર નીકળીએ. પરિભ્રમણશીલ બ્રહ્માંડમાં આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ ભૂતકાળમાં પરિભ્રમણ કરવાની સંભવિતતા પ્રગટ કરે છે. જો આ શક્ય બને તો ટાઇમ ટ્રાવેલ વખતે ટ્રાવેલર પોતાના જ યુવાન કે બાલ્ય સ્વરૂપને મળી શકે. આ રીતે તે ભવિષ્યના જગતને પણ જોઈ શકે. અમેરિકન ખગોળ વિજ્ઞાાની ઇઝાક એસિમોવ એમના પુસ્તક 'ધ ડેડ પાસ્ટ'માં દર્શાવે છે કે આગામી સમયમાં કાળના વિગત એટલે કે ભૂતકાળમાં વીતી ગયેલા અને અનાગત એટલે કે ભવિષ્યકાળમાં આવનારા ભાગમાં જઇ શકશે.

૧૯૫૮ના ઓગસ્ટ મહિનામાં યુનાઇટેડ સ્ટેટસ એરફોર્સ દ્વારા એક પ્રયોગ કરાયો હતો. એક વિશિષ્ટ પ્રકારના ઇન્ફ્રારેડ કેમેરાથી વિમાન દ્વારા એક એવી જગ્યાની ફોટો પાડવામાં આવ્યો જ્યાં મોટર કાર પાર્ક કરાતી હતી. જે વખતે ફોટો લેવાયો તે વખતે તે જગ્યાએથી બધી કારો જતી રહી હતી. તે પ્લોટ એકદમ ખાલી હતો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે વિજ્ઞાાનીઓએ જ્યારે એ ફોટો જોયો ત્યારે તેમાં એ જગ્યાએ તમામ મોટર કારો દેખાતી હતી. એનો અર્થ એ થયો કે એ ખાસ પ્રકારે બનાવાયેલા ઇન્ફ્રા કેમેરાએ થોડા કલાક પહેલાંના દ્રશ્યને પોતાની અંદર ઝડપી લીધું હતું. તે વખતે કોઇ કાર માલિક સિગારેટ પીતો હતો. તેની સિગારેટનો ધૂમાડો પણ તેમાં અંકિત થઇ ગયો હતો. ન્યુ એજ ઇંગ્લિશ ઓથર મુરી હોપ (Murry Hope) એમના પુસ્તક 'ટાઈમ : ધ અલ્ટિમેટ એનર્જી'માં કહે છે કે ચેતના અત્યંત સૂક્ષ્મ તત્ત્વ છે એટલે તે સમયના અવરોધને પાર કરીને કોઇપણ કાળ ખંડમાં પ્રવેશ કરવા સમર્થ હોય છે. આ કારણથી માનવી ક્યારેક ભૂતકાળના દ્રશ્યો તો ક્યારેક ભવિષ્યકાળના દ્રશ્યો વર્તમાનમાં જોઇ લેતો હોય છે.

ઇ.સ. ૧૯૭૯ના ઓક્ટોબર મહિનામાં લેન ગિસ્બી, તેની પત્ની સાઈન્નિયા તેમના મિત્ર સિમ્પસન અને તેની પત્ની પોલિન સ્પેનની મુસાફરી કરી રહ્યા હતા. તેમણે જે રસ્તો પસંદ કર્યો હતો તે ફ્રાસ થઇને સ્પેન જતો હતો. આ દરમિયાન એક દિવસ રાત્રિ રોકાણ માટે કોઇ હોટલની શોધ કરતાં લાલ પથ્થરોથી બનેલા બે માળિયા મકાન પાસે આવી પહોંચ્યા. એ મકાન કોઇ હોટલ જ હશે એમ લાગતું હતું. તે ચારેય અંદર ગયા ત્યારે તેમને એની વ્યવસ્થા કંઇક વિચિત્ર લાગી. તેના રૂમ, ફર્નિચર, કર્મચારીઓના પોશાક સદીઓ જૂના હોય એવા લાગતા હતા. ૨૦૦ વર્ષ પૂર્વે ફ્રાંસમાં જેવી શૈલીના મકાનો હતા અને લોકોના પહેરવેશ હતા તેવું ત્યાં લાગતું હતું. તેઓએ ત્યાં ભોજન કર્યું અને બે રૂમ ભાડે રાખી ત્યાં રાત્રે રોકાણ કર્યું. સવારે અત્યંત સ્વાદિષ્ટ નાસ્તો પણ કર્યો. ત્યાંથી નીકળવાનો સમય થયો ત્યારે રહેવાનું જમવાનું બીલ મંગાવ્યું. બીલની રકમ જોઇ તેમના વિસ્મયનો પાર ના રહ્યો. બધુ મળીને બંને પરિવારની ભેગી રકમ હતી માત્ર ૨૯ ફ્રેન્ક એટલે કે ૨ પાઉન્ડ. આ વાંચીને તેમને થયું કે બીલ બનાવનાર કર્મચારીની લખવામાં ભૂલ થઇ ગઇ હશે. આટલી ઓછી રકમ તો કેવી રીતે હોઈ શકે ? તેમણે એકાઉન્ટન્ટને બરાબર ગણતરી કરી રકમ જણાવવા કહ્યું. તેણે ફરી ગણતરી કરીને કહ્યું. કશી ભૂલ નથી. રકમ બરાબર જ છે. આશ્ચર્યના ભાવ સાથે જાણે માન્યામાં જ ન આવતું હોય તે રીતે તેમણે ૨૯ ફ્રેન્ક ચૂકવી ત્યાંથી વિદાય લીધી.

સ્પેનથી પાછા ફરતાં મોન્ટેલા બાર, ઇબિસ હોટલ પાસેની પેલી બે માળિયા પ્રાચીન ઢબની હોટલમાં જ તેમણે રાત્રિ રોકાણ કરવાનો નિશ્ચય કર્યો. તેઓ ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઇ એવી હોટલ હતી જ નહીં ! આસપાસના વિસ્તારમાં બધે ફર્યા અને લોકોને પૂછ્યું પણ તે ક્યાંય મળી નહીં. એટલું જ નહીં, બધાએ એમ જ કહ્યું કે ત્યાં એવી કોઇ હોટલ છે જ નહીં. આ ઘટના બની તેના ચાર વર્ષ પછી લેન ગિસ્બી અને સિમ્પસન દંપત્તી ફરી ફ્રાંસ થઇને સ્પેન જવા એ જ રસ્તે નીકળ્યા. તેમણે મોન્ટેલા બાર અને ઇબિસ હોટલ પાસેની પેલી પ્રાચીન ઢબની હોટલ શોધવા બહુ પ્રયત્નો કર્યા પણ તે ના જ મળી. ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આવી કોઇ હોટલ અહીં છે જ નહીં. લેન ગિસ્બી અને સિમ્પસને લોકોને જણાવ્યું કે ચાર વર્ષ પૂર્વે તે આ હોટલમાં રહ્યા હતા તે હકીકત છે. તેમણે તે વખતનું ૨૯ ફ્રેન્કનું બીલ પણ પોતાના પુરાવા તરીકે બતાવ્યું. અંતે તેમણે અનેક સદીઓ પહેલાનો સંદર્ભ તપાસ્યો ત્યારે ખબર પડી કે અઢારમી સદીમાં અહીં આવી ઇમારત હતી અને એમાં એ હોટલ ચાલતી હતી. એ વખતે તેમને ખ્યાલ આવ્યો કે કોઇ અગમ્ય રીતે તે ભૂતકાળની પ્રાચીન શાખામાં પહોંચી ગયા હતા. અને તે વખતે ત્યાં જે સ્થાન પર આ હોટલ હતી તેમાં નિવાસ કરી આવ્યા હતા. અઢારમી સદીનો કોઇ સમયખંડ એકાએક ઉદ્ઘાટિત થઇ જવાથી તે વખતનું ત્યાંનું જે સ્થળ હતું અને લોકો હતા તે પ્રગટ થઇ ગયા હતા.

રીયલ એરફોર્સ કમાન્ડર વિક્ટર ગોડાર્ડ (Victor Goddard)  જેમણે બન્ને વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ તરફથી ફરજ બજાવી હતી તેમના જીવનમાં પણ આવી ઘટના બની હતી. તે ૧૯૩૫નું વર્ષ હતું અને વિક્ટર ગોડાર્ડ વિન્ગ કમાન્ડર હતા. એક દિવસ તેમને ડ્રેમ  (Drem)  ગામના ત્યજી દેવાયેલા વેરાન જેવા ન વપરાતા સ્કોટિશ એરફિલ્ડને તપાસવાના મિશન પર મોકલવામાં આવ્યા. જ્યારે તે એરફિલ્ડ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તે બહુ ખરાબ હાલતમાં હતું. તેની માહિતી લીધા બાદ  ગોડાર્ડ બાઈપ્લેન ઉડાડીને પાછા જતા હતા ત્યારે ભારે તોફાની વરસાદ પડવા લાગ્યો. તેમણે ડ્રેમ પાછા જવાનું નક્કી કર્યું.

વિક્ટર જેવા એરપોર્ટ પાસે પહોંચ્યા પરિસ્થિતિમાં એકાએક માન્યામાં ન આવે એવું અણધાર્યું પરિવર્તન આવી ગયું. તોફાની વરસાદ એક પળમાં જ બંધ થઇ ગયો એટલું જ નહીં ત્યાં તેજસ્વી સૂર્યપ્રકાશ ફેલાઈ ગયો. તેમણે ભારે વિસ્મય સાથે નીચે જોયું તો થોડી મિનિટો પહેલા જોયેલું, સર્વેક્ષણ કરેલું બંધ, બિસ્માર હાલતનું ડ્રેમ એરપોર્ટ એકદમ નવું દેખાઈ રહ્યું હતું. તેનું પૂરેપૂરું રિનોવેશન થઇ ગયું હતું અને એકદમ કાર્યરત, ધમધમતું થઇ ગયું હતું. ત્યાં ચળકતા પીળા રંગથી રંગાયેલા વિમાનો ઊભા હતા. કર્મચારીઓ ભૂરા રંગના ડ્રેસમાં કામ કરી રહ્યા હતા.

રોયલ એરફોર્સના વિમાનો તો સિલ્વર કલરથી રંગાયેલા હોય છે. આવું બધું વિચિત્ર બનેલું જોઇને વિક્ટરે ગભરાઈને ત્યાંથી પ્લેન પાછું વાળી દીધું અને પછી પોતાના કર્મચારીઓને આની વાત પણ કરી. આ ઘટનાના ચાર વર્ષ બાદ ૧૯૩૯માં વિક્ટરે જે જોયું હતું તે પ્રમાણે બન્યું. WWIL RAF  ડ્રેમનું રિનોવેશન થયું. તેને અદ્યતન સગવડોથી સજ્જ કરાયું. એરક્રાફ્ટ ચળકતા પીળા રંગવાળા બનાવાયા. કર્મચારીઓનો ડ્રેસ પણ ભૂરા રંગનો કરાયો. આના પરથી બધાને ખ્યાલ આવ્યો કે વિક્ટર ગોડાર્ડ ટાઈમ ટ્રાવેલ કરીને સમયમાં ચાર વર્ષ આગળ નીકળી ગયા હતા. તેમની સમક્ષ ભવિષ્યનું ચાર વર્ષ પછીનું આયામ પ્રગટ થઇ ગયું હતું. તેમણે તે વખતે જે બનનારું હતું તેના દ્રશ્યો જોઈ લીધા હતા.

Gujarat