Get The App

થર્ડ આઈ તરીકે ઓળખાતી પીનિયલ ગ્લેન્ડ આજ્ઞાચક્ર સાથે જોડાઈ રહસ્યમય કાર્યો કરે છે!

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
થર્ડ આઈ તરીકે ઓળખાતી પીનિયલ ગ્લેન્ડ આજ્ઞાચક્ર સાથે જોડાઈ રહસ્યમય કાર્યો કરે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે અતૂટ પારસ્પરિક સંબંધ છે તેની સમજૂતી અધ્યાત્મ અને યોગના ગ્રંથોએ શરીરના ચક્રો દ્વારા આપી છે. 

મ હાન બ્રિટિશ લેખક, વિચારક, તત્વચિંતક થોમસ કાર્લાઈલે લખ્યું છે - ‘We are the miracle of miracles, the great inscrutable mystery of God -’ આપણે ચમત્કારોનો પણ ચમત્કાર છીએ. આપણે ઈશ્વરનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય છીએ. માનવશરીરની અંદર ચાલતી પ્રક્રિયાઓ પણ અત્યંત રહસ્યમય હોય છે. એમાંય અંતઃસ્રાવી ગ્રંથિઓ, વંશાનુક્રમ પ્રક્રિયા, ભૂ્રણ અવધિ દરમિયાન થતો જીવનો અદ્ભુત અને ઝડપી વિકાસ ક્રમ, જીવકોષની અનંત સંભાવનાઓથી ભરેલી ક્ષમતાઓ, અચેતન મનની રહસ્યમય ગતિવિધિઓથી ભરેલી ક્ષમતાઓ, અચેતન મનની રહસ્યમય ગતિવિધિઓ અતીન્દ્રિય શક્તિઓ એ શરીર સાથે જોડાયેલી એવી સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે જે વિજ્ઞાનીઓને પણ વિસ્મય પમાડે છે.

શરીરની અંતઃસ્રાવી હોરમોન ઉત્પન્ન કરનારી ગ્રંથિઓ (Endocrine Glands) વિશે પણ શરીરવિજ્ઞાનીઓ આવી જ વાત કરે છે. ડૉ. ક્રુકસેવ આ સ્રોવોને ઉત્પન્ન કરનારી ગ્રંથિઓને જાદુઈ ગ્રંથિઓ કહે છે. વ્યક્તિનું સ્તર અને વ્યક્તિત્વ આ સ્રાવોના વધારે, ઓછા કે પ્રમાણસર પ્રમાણ પરથી જ નક્કી થાય છે. આ નલિકારહિત ગ્રંથિઓના સ્રાવો પરથી જ માનવીના શરીરનું કદ, એનો સ્વભાવ, વ્યક્તિત્વ એવી અનેક બાબતો નિર્મિત થાય છે. શરીરવિજ્ઞાનીઓ કહે છે કે આ બધી જ ગ્રંથિઓ મહત્વની છે, તેમ છતાં તે બધામાં પીનિયલ અને પિટયુટરીની ભૂમિકા સવિશેષ છે. એટલે તેમને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે, એમની સંરચના પણ પોતાની રીતે અનોખી છે અને એમનો પરસ્પર સંબંધ પણ ગહન છે.

શરીર વિજ્ઞાનીઓ જેને પીનિયલ ગ્રંથિ કહે છે તેને પુરાણોમાં તૃતીય નેત્ર (Third Eye)  કહેવામાં આવે છે. યોગશાસ્ત્રો તેને આજ્ઞાચક્ર તરીકે ઓળખે છે. યોગગ્રંથોમાં જે જગ્યાએ આજ્ઞાચક્ર આવેલું દર્શાવે છે ત્યાં જ પીનિયલ ગ્લેન્ડ આવેલો છે. થોડા સમય પહેલાં શરીરવિજ્ઞાનીઓ એમ માનતા હતા કે આ ગ્રંથિ મનુષ્ય માટે બિનજરૂરી છે. તે કશા કામની નથી. તે માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક તબક્કાનો બચેલો એક અવશેષ માત્ર છે. પણ હવે તેમની માન્યતા સદંતર બદલાઈ ગઈ છે. હવે તે એને મહત્વનું અંગ માને છે. અધ્યાત્મ અને યોગશાસ્ત્રોએ તો તેને પહેલેથી મહત્વનું અંગ માન્યું છે. અધ્યાત્મ ચેતનાનું વિજ્ઞાન છે એટલે તેની આંતરદ્રષ્ટિએ પહેલેથી એનો મહિમા જાણી લીધો હતો. યોગવિજ્ઞાન સ્થૂળ નહીં, સૂક્ષ્મ પ્રક્રિયાઓ પર કામ કરે છે.

વિવિધ માહિતી મોકલવા અને ગ્રહણ કરવા આકાશમાં તરતા મૂકાયેલા ઉપગ્રહો (satellites) ની રચના એક રીતે યોગશાસ્ત્રમાં વર્ણવવામાં આવેલા ચક્રોની રચનાને મળતી આવે છે. યોગશાસ્ત્ર જણાવે છે કે આપણા શરીરમાં ૭૨,૦૦૦ નાડીઓની જાળ બિછાયેલી છે અને તે બધી ઊર્જાના કેન્દ્રો સમા ચક્રો સાથે સંબંધ ધરાવે છે. આ ચક્રો-ઊર્જા-કેન્દ્રોની શક્તિથી તથા આ નાડીઓના માધ્યમથી બહારના જગત અને અંદરના જગત વચ્ચે સામંજસ્યપૂર્વકનો સંબંધ સ્થાપિત થાય છે. શરીરના એક સ્થાનની પ્રતિક્રિયા બીજા અંગો પર થાય છે. તેમાં આ નાડીઓ જ મધ્યમસ્થીનું કામ કરે છે. શરીરના બધા કોષોનું 'સેલ્ફ રિઅલાઈઝેશન' આનાથી જ થાય છે. ઉપગ્રહમાં હજારો ગ્રહણ (Receiving) અને પ્રેષણ  (Sending) પ્રણાલીઓ રખાયેલી હોય છે તેમ શરીર આ ચક્રો પણ તેની સાથે સંબંધિત નાડીઓ દ્વારા માહિતીનું આદાનપ્રદાન કરે છે. આ ચક્રો દ્વારા વ્યક્તિ આખા બ્રહ્માડ સાથે સંબંધ રાખી શકે છે. વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે અતૂટ પારસ્પરિક સંબંધ છે તેની સમજૂતી અધ્યાત્મ અને યોગના ગ્રંથોએ શરીરના ચક્રો દ્વારા આપી છે. આ ચક્રોમાં માનવીની મનોદૈહિક સંરચનામાં રહેલા સમય અને આકાશના અનંત વિશ્વો સંબંધિત થાય છે. માનવશરીરમાં રહેલા આ ચક્રો સૂક્ષ્મ ઉપગ્રહો જેવું કામ કરે છે.

બ્રહ્માણ્ડને એક સુપર હોલોગ્રામ જેવું દર્શાવનારા અમેરિકાની વેસ્ટ વર્જીનિયા ઈન્ટરમોન્ટ કોલેજના મનોવિજ્ઞાની કીથ ફ્લોઈડ (Keith Floyd) તેમના 'ઓફ ટાઈમ એન્ડ માઈન્ડ' (of Time and Mind)  નામના પુસ્તકમાં દર્શાવે છે કે મગજ જ્યારે ઉચ્ચ પ્રકારની અસાધારણ કાર્યવાહી કરે છે ત્યારે તેની 'ઓપ્ટિકલ સીસ્ટમ'માં એવી પ્રક્રિયા થાય છે જેનાથી મસ્તિષ્કમાં એક જુદા જ પ્રકારનો અલૌકિક પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ પ્રકાશને જીવ-દીપ્તિ (Bioluminescence) નામથી ઓળખવામાં આવે છે. આજ આત્મ-જ્ઞાનનો પ્રકાશ છે. ગીતાના દસમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'તેષામેવાનુકંપાર્થમહમજ્ઞાનજ તમઃ । નારાયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ।। એમના પર કૃપા કરવા માટે એમના આત્મા, અંતઃકરણમાં રહેલો હું એમના અજ્ઞાનજન્ય અંધકારને દૈદીપ્યમાન એટલે કે પ્રકાશમય જ્ઞાનના દીપ દ્વારા બિલકુલ નષ્ટ કરી દઉં છું.' ડૉ. કીથ ફ્લોઈડ માને છે કે ઓપ્ટિકલ ચિએસ્મા(Opical Chiasma)ની પાછળ આવેલા મગજના મધ્યભાગ (midbrain) નો વિસ્તાર ન્યૂરલ હોલોગ્રાફિક પ્લેટનું કામ આપે છે. પીનિયલ ગ્રંથિ, પિટયુટરી ગ્રંથિ થેલમસ, હાઈપોથેલસ પ્રત્યક્ષીકરણના પુનર્નિમાણ અને સ્મૃતિના કાર્યમાં વીજવાહક તંતુજાળ (grid) નું કામ આપે છે. શરીરના ચક્રો સાથે આ અવયવનું જોડાણ મોટું કામ કરે છે. પીનિયલ ગ્રંથિ વિકાસ પામે તેને તૃતીય નેત્ર (Third Eye) ખુલ્યું એમ કહેવામાં આવે છે.

શારીરિક દ્રષ્ટિએ પીનિયલ માનવશરીરનો સૌથી નાનો ઘટક છે. તે એક ચતુર્થાંશ ઈંચ લાંબો અને સો મિલિગ્રામ જેટલા વજનનો હોય છે. તે માનવીના મસ્તિષ્કની મધ્યમાં પિટયુટરી ગ્લેન્ડની પાછળ અને તેનાથી સહેજ ઊંચે આવેલી છે. ગરદન અને મસ્તિષ્કના મેળાપ સ્થળે મેરુદંડની બરાબર ઉપર રહેલી આ ગ્રંથિ ભૂમધ્યભાગમાં ત્રીજા વેન્દ્રિકલની છત સાથે જોડાયેલી હોય છે. આ નાની ગ્રંથિનો શરીર પર ભારે પ્રભાવ પડે છે. વિજ્ઞાનીઓ કહે છે કે પીનિયલમાંથી છૂટું પડતું મેલાટોમિન (Melatomin) હોરમોન મનુષ્યોમાં ભાવનાત્મક પરિવર્તનોનું, કામ, ક્રોધ,ભયના આવેગોનું નિયંત્રણ કરે છે વય સંધિકાળના પ્રારંભમાં અને યૌન વિકાસમાં આ હોરમોનની વિશિષ્ટ ભૂમિકા રહેલી છે. જેમ જેમ બાળકો કુમાર અને યૌવન અવસ્થામાં પહોંચે છે એનો આકાર અને કાર્યક્ષમતા ઘટી જાય છે. મોટેભાગે આ ગ્રંથિ યૌન વિકાસના પ્રારંભને પોતાના નિયંત્રણમાં રાખે છે અને જ્યારે તેનું નિયંત્રણ હટી જાય છે ત્યારે આ જ કાર્ય પિટયુટરી ગ્રંથિને યૌન હોરમોન સ્રવિત કરવા પ્રેરિત કરે છે.

વિજ્ઞાનીઓ આ રહસ્યમય ભૂમિકાને જોઈને પીનિયલને એક જરૂરી અને મસ્તિષ્કીય કાર્યક્ષમતાની વૃદ્ધિ તથા વ્યક્તિત્વના નિર્માણ માટે જવાબદાર અંગ સમજે છે. એને લીધે જ એને આજ્ઞાચક્ર સાથે જોડવામાં આવી છે. સારાસાર (સાર-અસારનો) વિવેક જીવનમાં બહુ જરૂરી છે. વિવેકની જાગૃતિ જ આજ્ઞાચર્યની જાગૃતિ છે. પ્રસિદ્ધ મનોચિકિત્સક ડેનિયલ ક્રીમેને મસ્તિષ્કના ઊતકોમાંથી એક હોરમોન છૂટું પાડયું જેની સઘનતા સૌથી વધારે પીનિયલ ગ્લેન્ડ અને મધ્ય મસ્તિષ્કના કેન્દ્રની પાસેની સંધિકોષાઓમાં વિશેષ હોય છે. એ હોરમોનને સિરોટોનિન (serotonin) નામે ઓળખવામાં આવે છે. પીનિયલ મસ્તિષ્ક માટે સિરોટોનિનના સંગ્રાહકનું કામ કરે છે જ્યારે સંધિકોષાઓ મસ્તિષ્કના અન્ય ભાગોને તે વહેંચી દે છે. સંશોધન બાદ એ જાણવા મળ્યું કે સિરોટોમિન એ મેલેટોનિમની જ પ્રારંભિક અવસ્થા છે. વિજ્ઞાનીઓએ કહે છે કે મસ્તિસ્કમાં સિરોટોનિનની સઘનતાનું સ્તર વિવેક બુદ્ધિપૂર્વકના વિચારો માટે જવાબદાર છે.

યોગ, કુંડલિની સાધના પીનિયલ ગ્રંથિને સક્રિય કરી હઠીલી અંતઃસ્રાવી ગ્રંથિ પ્રણાલી પર નિયંત્રણ પ્રાપ્ત કરવાની આધ્યાત્મિક-વૈજ્ઞાનિક પ્રક્રિયા જ છે.


Google NewsGoogle News