Get The App

છત પર ડ્રોન, ઘર પર ગોળીઓની વર્ષા .

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
છત પર ડ્રોન, ઘર પર ગોળીઓની વર્ષા                       . 1 - image


- શહેરોમાં નાગરિકો આરામથી ડ્રોઈંગ રૂમમાં બેસી ટીવીના સ્ક્રીન પર  જાણે વિડીયો ગેમનો રોમાંચ લેતા હોય તેમ પાકિસ્તાનના ડ્રોન અને ભારતીય સેના તેને ઉડાવી દે તે જોતા હોય છે જ્યારે સરહદી ગામોના રહીશોની બહાદુરી અને દેશપ્રેમ પર નજર નાંખવા જેવી છે

- વિવિધા-ભવેન કચ્છી

- 'યુદ્ધવિરામ'થી નાગરિકો હતાશ: 'આવી તક જવા નહોતી દેવી.'

- આર્થિક તાકાત તરફ આગળ ધપી રહેલ ભારતને માપમાં રાખવા અમેરિકા,ચીન અને રશિયાને પણ રસ છે

- હવે ચીનના નેજા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા પાડોશી દેશો સંગઠિત થાય તે ભય પર પણ વિચારવું પડશે

આ પણે રશિયા સામે યુદ્ધ દરમ્યાન યુક્રેનના નાગરિકોની બહાદુરી અને દેશપ્રેમને બિરદાવી છીએ. વિદેશીઓનું  ઉદાહરણ આપતા ઘણી ખરી વખત ભારતના નાગરિકોનું અવમૂલ્યન પણ આપણાથી થઈ જતું હોય છે. ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા દૂર સુધી નજર માંડતા જ દેખાતી હોય તેવા ભારતના સરહદી રાજ્યોના નાના શહેરો અને વિશેષ કરીને  ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના દેશપ્રેમને પણ સલામ કરવી જ રહી.

ગ્રામજનોની નીડરતા

જમ્મુ પર ધોંસ જમાવવી અને ભારતીય. સેનાના ત્યાંના પોઇન્ટસ ને હસ્તગત કરવા તે પાકિસ્તાનની સેનાનો ધ્યેય હોય છે.પણ ત્યાં વસતા ગ્રામજનો ભારતીય સેનાનો હોંશલો બુલંદ બનાવતા  ઢાલ બનીને માથા પર ડ્રોનનો હુમલો  અને છાતી પર પાકિસ્તાનની સેના દ્વારા ગોળીબારની વર્ષા થાય તો ભલે પણ અમે અમારું ઘર, અમારું ગામ અને અમારા દેશના રક્ષકો તેવા સૈનિકોને છોડીને સલામત સ્થળે સામુહિક રીતે નહીં જઇએ  તેમ જીદ કરીને ત્યાં જ રહે છે.

સૈનિકોના દબાણ પછી આ ગ્રામજનો એવું નક્કી કરે છે કે પરિવારના વયસ્કો, મહિલાઓ અને બાળકો ગામથી દૂર ખાસ ઊભી કરાયેલ રહેણાંક વ્યવસ્થામાં ભલે રહેવા જાય પણ પ્રત્યેક ઘરના એક કે વધુ યુવાનો તો શહાદત વહોરવાની તૈયારી સાથે તેમના ઘેર જ રહે છે.

સૈનિકો માટે અડીખમ

ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કરનારા મીડિયાકર્મીઓ  તરફથી  જે અહેવાલ મળ્યા તેઓનું  કહેવું છે કે આ ગ્રામજનો કહે છે કે 'અમે અમારી નજર સામે  અમારું ગામ, અમારી સરહદ અને દેશનું જે થવાનું હોય તે થાય  તેવા સ્વાર્થ સાથે સલામત સ્થળે રહેવા કઈ રીતે જઈ શકીએ. અમારા માટે સૈનિકો ભલે શહીદ બનવા તૈયાર થાય અમે તો જીવી જઈએ તેવી નિર્દયતા પણ ધારણ કરી શકીએ તેમ નથી. ગામ ખાલી થઈ જાય તો સૈનિકો એકલા પડી જાય. તેઓના હોંસલા પર અસર પડે. દુશ્મન દેશનું સૈન્ય પણ તેઓ ગામ ખાલી કરવામાં સફળ થયા તે જોઈને વધુ જુસ્સો મેળવી આગળ તરફ ધસે. ભારતીય સેનાને સરહદી ગ્રામજનો જોડે વર્ષોથી પેટ્રોલિંગ કરતા હોઈ પરસ્પર મૂક હૂંફ મળતી હોય છે. અમે ભલે શહીદ થઈએ પણ રહીશું તો અમારા ગામ અને કાચા પાકા મકાનમાં જ.'

આપણે વિદેશી ડ્રોન,ફાઇટર જેટ, મિસાઈલ, જેવા શસ્ત્ર સરંજામની ખાસિયતો અને પ્રહાર શક્તિ પરની રોચક માહિતી જાણવામાં ભારે દિલચશ્પી બતાવીએ છીએ પણ આપણા સરહદી નાગરિકો યુદ્ધના દિવસોમાં કે પ્રત્યેક પળ આતંકવાદી હુમલાના ખોફ હેઠળ કેવી બહાદુરી અને દેશપ્રેમ સાથે સંઘર્ષમય જીવન જીવે છે તેવા એક અતિ મહત્વના મોરચા જેવું પ્રદાન આપતા આપણા ગ્રામજનોને યાદ નથી કરતા.

નજર સામે મોત

જમ્મુ કાશ્મીરમાં મોતનો ભય નજીક અને નજર સામે જ હોય છે. રાજસ્થાન, પંજાબ અને  કચ્છની સરહદની નજીક પણ જે ગ્રામજનો છે તેઓની હિંમત, સંપ, ભારતીય સેના માટેનો આદર અને દેશપ્રેમ વિશ્વના મીડિયા માટે પણ સ્ટોરી બની શકે તેમ છે. કેમ કે ભારતમાં નાગરિક સંરક્ષણ અને આફત નિવારણ તંત્ર તે હદે સક્રિય નથી. પાકિસ્તાન કે ચીન સામે યુદ્ધ અને તે પણ  તેઓ પ્રથમ પ્રહાર કરવાનું દુઃસાહસ કરે તો જ તે નોબત આવવાની છે. છેલ્લે ૧૯૭૧માં સરહદની આરપાર યુદ્ધ થયેલું. આમ ૫૪ વર્ષે આવી ઘટના આકાર પામી.  હા,હવે પછી સરકાર નાગરિક સંરક્ષણ અને સુરક્ષા પરત્વે વધુ સભાન બનશે તે નિશ્ચિત છે.

પણ, જમ્મુ કાશ્મીર અને સરહદી રાજ્યોના ગામોમાં બંકરની વ્યવસ્થા નહીવત છે.ભારતમાં ગ્રામજનોને દૂર સલામત સ્થળે ખસેડવામાં આવે છે.

ગ્રામજનો હલતા નથી

આમ છતાં જમ્મુ કાશ્મીરના ગ્ર્રામજનો પૈકી યુવાનો સૈનિકોને કહી ચૂક્યા છે કે પ્રત્યેક ઘર દીઠ એક વ્યક્તિ તો ભલે મૃત્યુ કે ઘાયલ થાય પણ ઘરમાં રહેશે અને તમારું મનોબળ વધારશે. તમે કહેશો તે તમારા માટે કરીશું તેવી ભાવના વ્યક્ત કરે છે.

બંકર પણ નથી છતાં આ ગ્રામજનો તેમના ઘેર રહે છે. તેમના ઘરના ધાબા પર તૂટી પડેલી ડ્રોનના ટુકડા પડે છે.સંપૂર્ણ અંધકાર સાથેની રાત્રે તેઓ તેમના ઘર તરફ પતંગના તુક્કલની જેમ સામુહિક આવતા ડ્રોન જુએ છે. ભારતીય સેના જો તે ડ્રોન તોડી. પાડવામાં સફળ ન થાય તો તેઓના ઘર કે વિસ્તારને તબાહ કરીને મોતનો પૈગામ લાવતું હોય છે.પણ ગ્રામજનો તેમની જગ્યાથી હલતા નથી. 

આપણે શહેરમાં તો  આઇસક્રીમ આરોગતા ન્યૂઝ ચેનલ જોતા સ્ક્રીન  પર જાણે  વિડિઓ ગેમ્સ  જોતા હોઈએ  તેમ 'જો આ ટમતમતું ટપકું દેખાય છે તે ડ્રોન અને જુઓ તે બુઝાઈ ગયું. એટલે કે આપણી સેનાએ તેને તોડી પાડયું' તેવી રનિંગ કોમેન્ટરી અપાતા યુદ્ધ કોઈ થ્રિલર હોય તેમ માણી શાંતિથી ઊંઘી જઈએ છીએ. પણ આ સમયે માથે મોત હોય , ઘરની બહાર ગોળીબારની વર્ષા થતી હોય તેવા સંજોગોમાં સરહદી રાજ્યોના નાગરિકો બહાદુરીથી રહે છે અને સૈનિકોનો હોંસલો બુલંદ રાખે છે. 

શહાદત વહારે છે

જે દિવસે ઓપરેશન સિંદૂર પાર પડાયું તે જ રાત્રે પાકિસ્તાન તરફથી ગોળીબાર એ માત્રામાં થયા કે ૧૫ ભારતીય નાગરિકો શહીદ થયા. આમ છતાં આવા ગામડાઓ ડરના માર્યા ખાલી નથી થતા.

પાકિસ્તાની સેનાએ જમ્મુના સરહદી ગ્રામ્ય વિસ્તારો પર કલાકો સુધી ગોળી વરસાવી. ભારતીય સેનાએ પણ વળતો જોરદાર ગોળીબાર કર્યો.આમ છતાં પાકિસ્તાન સેનાની ગોળીઓએ ગ્રામજનોના તકલાદી ઘરની બારીઓની આરપાર નીકળીને  નીડર યુવાનોના મોત પણ નીપજાવ્યા છે.

 આ ગ્રામજનોના ઘણા સંતાનો સાવ પાયાની જવાબદારી અદા કરતા સૈનિકો પણ બન્યા છે. સીઝ ફાયર પછી માંડ બે ત્રણ કલાક રાહતનો દમ લીધો હતો ત્યાં નાપાક   પાકિસ્તાને ત્રણ કલાક સુધી ફાયરિંગ અને ડ્રોન આક્રમણ કર્યું. અંધારપટની જાહેરાત વચ્ચે ધમાકાના અવાજ સંભળાયા હતા તો પણ ગ્રામજનો ભયભીત છતાં અડગ રહ્યા હતા.

બીજી પ્રશંસનીય બાબત એ છે કે પરિવારના જે બાળકો, મહિલાઓ અને વયસ્કો છે તેઓ ગામથી દૂર ખાસ ઊભા કરાયેલ મોટા ઓરડામાં સામુહિક જીવન જીવે છે. બાળકોનું ભણવાનું બગડે નહીં તેથી ગામની શાળાઓના શિક્ષકો અને શિક્ષિકાઓ આવા આશ્રય સ્થળે જાય છે. મહિલાઓ સામુહિક રીતે રસોઈ બનાવે છે અને સરહદ પરના ગ્રામજનો અને સૈનિકોને પણ ભોજન પહોંચાડે છે. પાકિસ્તાનની સરહદે આતંકવાદીઓનાં કેમ્પ હોય ત્યારે ભારતની સરહદે માનવતા, ઉન્નતિ અને દેશપ્રેમનો પ્રસાર કરતી છાવણીઓ જોઈ શકાય છે.

ભારતમાં તો ગ્રામજનો બંકરની પણ પરવા નથી કરતા પણ હવે તો યુદ્ધ જેવા સંજોગોમાં જેના પર હુમલાનો ભય છે તેવા શહેરોમાં પણ બંકર તેમજ નાગરિક સંરક્ષણનું માળખું ખડું કરવું પડશે.

'યુધ્ધવિરામ'થી હતાશા 

ભારતીય સેનાને માટે જે આદર અને ગૌરવ છે તે શબ્દથી રજૂ કરવું અઘરું છે. શનિવારે ટ્રમ્પની દરમ્યાનગીરીથી  ભારતે સીઝફાયર સ્વીકાર્યું તે પછી દેશના નાગરિકો નિરાશ થયા હતા કેમ કે ભારતની સેનાએ  પાકિસ્તાનના શહેરો પરના એર બેઝ , ડ્રોન અને મિસાઈલના લોન્ચ પેડ તેમજ ફાઈટર પ્લેનને જમીનદોસ્ત કરીને પાકિસ્તાનને રઘવાયું અને હતપ્રભ કરી દીધું હતું. આટલા યુદ્ધમાં તો પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી   પર  આવી ગયું. વધુ ત્રણેક દિવસ આક્રમણ જારી રહ્યું હોત તો પાકિસ્તાન રફેદફે થઈ જાત.

નાગરિકો અને સૈનિકો જ નહીં અંદર ખાનેથી મોદી અને લશ્કરની ત્રણેય પાંખ પણ સીઝ ફાયરથી નિરાશ થયા હોઇ શકે.૧૯૭૧ના યુદ્ધ વખતે સ્વ.ઇન્દિરા ગાંધીએ અમેરિકાના તત્કાલીન પ્રમુખ નિક્સનનું કહ્યું નહોતું માન્યું અને યુદ્ધ છેડી જીત મેળવી હતી.

જિયોપોલિટિક્સનો ખેલ

જો કે હવે જિયોપોલિટિક્સ અને પરમાણુ તાકાતનો મોરચો પણ દુશ્મન દેશો  પાસે છે. ચીનના નેજા હેઠળ પહેલેથી તેને વેચાઈ ચૂકેલ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા પાડોશી દેશો હવે સમય મળ્યો જ હોઈ એકજુટ થઈને ભારત સામે મોરચો ખોલી શકે તેમ છે. તેઓના બેઝ કેમ્પ, સમુદ્ર, બંદરો બધું જ ચીનના છે. આ વખતે ભારતને અમેરિકા કે રશિયા યુદ્ધમાં સાથ આપે તેવી સંભાવના પણ ઘણી ઓછી છે. ભારત આર્થિક તાકાત બનતું જાય છે તે કોઈ દેશથી સાંખી નથી શકાતું.

ટ્રમ્પની દરમ્યાનગીરીથી 'યુદ્ધવિરામ' થયો તે પણ ચીનથી સહન નહોતું થયું એટલે ફરી યુદ્ધવિરામ તોડી પાકિસ્તાનને શનિવારે રાત્રે ડ્રોન હુમલો કરવા કહ્યું.તે પછી તરત જ ચીને પાકિસ્તાનના સાર્વભૌમત્વની રક્ષા કરવા પાકિસ્તાનને સાથ આપીશું તેમ એલાન કર્યું. તરત જ અજિત ડોવાલને ચીનના વિદેશ મંત્રીને ફોન કરવો પડયો. જાણે ચીને સાચું યુધ્ધવિરામ કર્યું તેમ ધોંસ જમાવી.

ભારત માટે કપરાં ચઢાણ છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકીઓ અને તેઓની છાવણીનો ભારતે ધ્વંશ કર્યો તે બાદ કરતા જે સમગ્ર ચિત્ર ઉપસ્યું તેના પરથી કહેવત યાદ આવી જાય કે  કે, 'ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારાહ આના.' (૧૧ મે,૨૦૧૫) 

Tags :