નિરક્ષર ગ્રામમાતાની સાફલ્ય ગાથા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
નિરક્ષર ગ્રામમાતાની સાફલ્ય ગાથા 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- સ્વામીનાથન ફાઉન્ડેશને આફ્રિકાના જોહાનીસબર્ગમાં જૈવિક ખેતી માટે કોન્ફરન્સ રાખી. અહીં કમલાને આમંત્રણ મળ્યું

કો ઈપણ મહિલા કે યુવતીના કાર્યની સફળતાને કોઈ જ્ઞાાતિ, જાતિ કે શિક્ષિત કે અશિક્ષિત પરિબળો અસર કરી શક્તા નથી. તે મહિલા કે યુવતીની કાર્ય પ્રત્યેની આસક્તિ, સમર્પણ ખંત અને ધીરજ તેને સફળતાની ટોચ પર પહોંચાડે છે. ઓરિસ્સાની મહિલા કમલા પૂજારીએ, ભારતનો સર્વોચ્ચ ખિતાબ પદ્મશ્રી મેળવીને આ ઉક્તિઓ જાણે સચોટ કરી બતાવી.

કમલાપૂજારી ઓરિસ્સાની આદિવાસી મહિલા હતા અને તેમણે તેમના જિલ્લા કોરાપુટમાં જૈવિક ખેતીનો પ્રચાર કરી ત્યાંના ખેડૂતો પાસે જૈવિક ખેતી કરાવી સાથે 'સીડ બેન્ક' બનાવી લગભગ ૧૦૦ જાતની ડાંગરની નવી જાતો વિકસાવી વિશ્વકક્ષાએ 'કોરાપુટ' જિલ્લાને ખ્યાતી અપાવી અને પોતાના કાર્યની સફળતા માટે પદ્મશ્રી ખિતાબ મેળવ્યો.

કમલાનો જન્મ, ઓરિસ્સાના કોરપુટ જિલ્લાના આદિવાસી કુટુંબમાં થયો હતો. આ અંતરીયાળ ગામો એવા હતા કે જ્યાં વિકસીત સંસ્કૃતિની કોઈ છાપ જોવા ના મળે. એમ કહી શકાય કે સીવીલાઈઝેશનની અહીં શરૂઆત જ નથી થઈ. ઝાડના પાંદડાથી છાયેલા ઝૂંપડા તેમનું ઘર. સામાન્ય સાડી વીંટાળીએ સ્ત્રીઓનું વસ્ત્ર પરિધાન. આપણે અદ્યતન વાસણો વાપરીએ છીએ ત્યારે એ જ એલ્યુમીનીયમના વાસણોમાં ચૂલા પર રસોઈ કરી જીવન ગુજરાન ચલાવનાર જ્ઞાાતિમાં કમલાનો જન્મ થયો હતો.

આ આદિવાસી જાતિનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે ઓરિસ્સામાં મુખ્ય ડાંગર થાય છે એટલે લગભગ ચારે તરફ ડાંગરના ખેતરો જ જોવા મળે.

નાનપણથી કમલાને ઊગતી ડાંગરની ફસલમાં રસ હતો. શિક્ષણ તો અહીં ભેંસ આગળ ભાગવત સમાન હતું. આથી શાળાએ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો ન હતો. નાની કમલા નવરી પડતા ખેતરોમાં ફર્યા કરતી. ડાંગરના છોડો, તેનો પાક જોયા કરતી. તેણીન નાનપણથી બીજ ભેગા કરવાનો શોખ હતો અને તેના પર જ તે વિચાર કર્યા કરતી.

સમય પસાર થઇ ગયો, કમલા ઘણી સમજણી થઈ. ખેતરોમાં ફરી ડાંગરની સામાન્ય જાતો જોઈ, તે તેના બીજ એકઠા કરવા લાગી.

હવે કમલાએ આ ભેગા કરેલા ડાંગરના બીજમાંથી પોતાના ખેતરના ભાગમાં ડાંગરની ખેતી કરવા માંડી. અને પોતાની રીતે ડાંગરના બીજની જાળવણી કરવા માંડી.

આ દરમ્યાન કમલાના લગ્ન થઇ ગયા, તેનો સંસાર શરૂ થયો. પરંતુ કમલાનો ડાંગરના બીજ સંગ્રહ કરવાનું કાર્ય પાછું ના પડયું.

કમલાના કહેવા પ્રમાણે, સવારે તે વહેલી ઉઠતી. ઘરનું કામ પરવારી, કમલા આસપાસના ખેતરોમાં, ડાંગરના બી લેવા જતી. ડાંગરના ડોડામાંથી બીજ લાવી, ઘેર જુદી જુદી જાતો જુદી પાડતી. પછી તેને પાણીથી ધોઈ સુકવી દેતી. સુકાયા બાદ સંગ્રહ કરતી અને પછી જુદા જુદા બીજને ભેગા કરી, જૈવિક રીતે અંકુરણ કરતી અને પોતાની જમીનમાં એ હાયબ્રીડ બીજનું અંકુરણ કરી, તેની યોગ્ય રીતે જાળવણી કરી અને પોતાના ખેતરમાં ડાંગરની ખેતી કરતી.

આમ સતત બીજની જાળવણી, અંકુરણ અને ખેતી કરવાથી તેણે ડાંગરના જાતજાતના બીજનું ઉત્પાદન કર્યું.

કમલા પૂજારી આ રીતે, એક મહિલા ખેડૂત તરીકે, ખેતીને સંપૂર્ણ સમર્પીત હતી. પોતાની કોઠાસૂઝ પ્રમાણે કામ કરે જતી હતી. ત્યાં એને સમાચાર મળ્યા કે, ઓરિસ્સાના જયપુર શહેરમાં સ્વામીનાથન ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને બીયારણ જૈવિક ખેતી અને અન્ય ખેતીને લગતાં જ્ઞાાન અંગે તાલીમ આપવાના છે. ખેતીનો જીવ, કમલા બાકાત ક્યાંથી રહે ? તેણીએ આ સંસ્થાની તાલીમમાં ભાગ લીધો અને જૈવિક ખેતી અને બીયારણ અંગેના ફાયદા જોયા. આથી કમલાને ખ્યાલ આવ્યો કે, આ પ્રકારની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે જેમાં પાક પણ વધારે લેવાય છે અને બિયારણ, જંતુનાશક વગેરેનો ખર્ચો ઓછો થાય છે

 ને લોકોને ઓછું નુકશાન થવાથી તેની માંગ પણ બજારમાં વધારે રહી છે. જેથી નફો પણ સારો થાય છે.

આ વિચારસરણીનો વિકાસ કરી કમલાએ પોતાના ગામનાં ખેડૂતો અને પાસેના ગામનાં ખેડૂતોને આ પધ્ધતિ માટે શિક્ષિત કરવાનું નક્કી કર્યું.

કમલા પૂજારી સવારે વહેલી ઉઠી, ઘરનું કામ પરવારી નીકળી પડતા શરૂઆતમાં પોતાના ગામના ખેતરોમાં જઈ, ખેડૂતોને જ્ઞાાન આપતી. અરે એટલે સુધી કમલા પૂજારીની કાર્યનિષ્ઠા રહી હતી કે, જો મોડું થઇ જાય તો કમલા ચંપલ પહેરવાનું પણ ભૂલી જતા. આમ કોરાપુટ જિલ્લાના, પોતાની પાસેના ગામે ગામ ઘૂમી કમલાએ જૈવિક ખેતીનો પ્રચાર કર્યો. તેમની સાથે તેમના ગામની થોડી બહેનો રહેતી. શરૂઆતમાં ખેડૂતોએ આનાકાની કરી. પરંતુ કમલા અને તેની બહેનોની ટૂકડીઓ ઘેર ઘેર ફરીને ખેડૂતોને જૈવિક ખેતી માટે હિમાયત કરી અને કેમીકલ ખાતર છોડી દેવા સમજાવ્યા.

આનું પરિણામ એ આવ્યું કે લગભગ થોડા સમયમાં કોરપુટ જિલ્લાના ઘણા ગામો આસપાસના ખેતરોમાં જૈવિક ખેતી થવા લાગી.

કમલા પૂજારી જૈવિક મહિલા ખેડૂત તરીકે પ્રચલિત થઇ. આ ગાળા દરમ્યાન સ્વામીનાથન ફાઉન્ડેશને આફ્રિકાના જોહાનીસ બર્ગમાં જૈવિક ખેતી માટે કોન્ફરન્સ રાખી. અહીં કમલાને આમંત્રણ મળ્યું. તેણીએ પોતાના જૈવિક ખેતીના કાર્ય તેમજ, સીડ બેન્ક અંગેની માહિતી આપી. તેના કાર્યને બીરદાવતા તેણીને ઇક્વેટર ઇનીશિએટીવ એવોર્ડ મળ્યો. આ કાર્યની યુનાઇટેડ નેશન અને ડબલ્યુ એચઓ એ કદર કરતા કોરાપુટજીલ્લાને એગ્રીકલ્ચર હેરીટેજના તરીકે વિશ્વફલક પર જાહેર કર્યો.

આટલેથી કમલા પૂજારીનું કામ અટકતું ન હતું જ્યારે જૈવિક ખેતીના પ્રચાર માટે જુદા જુદા ખેતરોમાં જતા ત્યારે ત્યારે તેઓ ડાંગરની જુદી જુદી જાતના બીજ લઇ આવતા અને પોતાની રીતે ઉગાડી તેનો સીડ બેન્કમાં સંગ્રહ કરતા. આ કામમાં ગામની કેટલીક મહિલાઓ તેમને મદદ કરતી.

આ ઉપરાંત તેમણે તલ, રાઈ, જેવા ધાન્યનાં બી ની પણ સ્વદેશી જાત વિકસાવી હતી. જેનો સંગ્રહ તેમણે તેમની સીડબેન્કમાં કર્યો હતો.

તેમની આ વિશાળ કામગીરી માટે ઓરિસ્સા સસરકાર તરફથી ઉત્તમ મહિલા કિસાનનો એવોર્ડ અને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો.

તાજેતરમાં તેમનું દેહાંત થયું. તે સમયે ભારત સરકાર તરફથી તેમને સરકારી માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી.

એક આદિવાસી મહિલાથી પદ્મશ્રી ખિતાબ સુધીની કમલા પૂજારીની સફર સ્ત્રીઓને એટલું જ કહી જાય છે.

જીવનમેં ડર કર નૌકા પાર નહીં હોતી,

કોશીશ ઓર મહેનત કરનેવાલોં કી હાર નહીં હોતી.

સ્વ. કમલા પૂજારીની સીડબેન્કનું કામ પ્રિયાંશી આગળ ધપાવી રહી છે.


Google NewsGoogle News