For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચકલી તારા ચણમાં મેં ઝેંઝવો વાયો.... .

Updated: Apr 2nd, 2024

Article Content Image

- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- વિજ્ઞાને શોધી કાઢ્યું કે બીજા પક્ષીઓ કરતા ચકલી એ માણસ સાથે વધુ મિલનસાર હોય છે

હ મણાં જ વિશ્વ ચકલી દિવસ ગયો. જેમ આપણી આસપાસથી ચકલી ક્યાંક ચાલી ગઈ છે, તેમ આ દિવસ પણ આવ્યો ને ચાલ્યો ગયો. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે કે નાનપણમાં તેણે એક વાર્તા ન સાંભળી હોય ! એક હતો ચકો, ને એક હતી ચકી. ચકી લાવી મગનો દાણો, ને ચકો લાવ્યો ચોખાનો દાણો. બંનેએ બનાવી ખીચડી. છેલ્લે એમ આવે કે ખાધું, પીધું ને રાજ કર્યું. શાળામાં ગવાતા ગીતોમાં એક ગીત અવશ્ય હોય.  ''ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં'' વેડછીના વડલા એવા જુગતરામ દવે દ્વારા રચિત આ બાળગીતની એટલી અસર છે કે આજે પણ સૌરાષ્ટ્રમાં નાનકડી દીકરીને 'ચકી' કહેવાનો રિવાજ છે. ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલ લોકગીતોમાં લગ્ન કરીને સાસરે જતી દીકરી માટે ચકલીનું રૂપક આપવામાં આવ્યું છે. આ લોકગીત કહે છે કે ''અમે રે લીલા વનની ચરકલડી, ઉડી જાશું પરદેશ જો.'' મહેન્દ્રસિંહ પરમારની એક સુંદર વાર્તાનું શીર્ષક 'ઉડણ ચરકલડી' છે. જેમાં દીકરીને ચકલી સાથે સરખાવી નારી હ્ય્દયની વાત અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.

ચકલી એ એવું પક્ષી છે કે જે બાળક માટે માત્ર પક્ષી નહીં, પરંતુ પરિવારનું એક અભિન્ન અંગ રહેતું. ઘરમાં બા જ્યારે અનાજ સાફ કરતી હોય ત્યારે ફરક દઈને એક ચકલી ઉડીને આવે અને ચાંચમાં સમાય એટલા ચોખા લઈને ઉડી જાય. ચોકડીમાં બા વાસણ ઘસતી હોય અને ચકીબેન આનંદથી થાળીમાં વધેલ ભાત આરોગતા હોય. વિજ્ઞાને શોધી કાઢ્યું કે બીજા પક્ષીઓ કરતા ચકલી એ માણસ સાથે વધુ મિલનસાર હોય છે. ચકલીનું વૈજ્ઞાનિક નામ છે 'પાસર ડોમેસ્ટિક્સ'- એક ઘરગથ્થુ પંખી. દુનિયાના લગભગ બધા જ દેશોમાં ચકલીઓ હોય જ છે. જેમ ''કાગડા બધે જ કાળા'' એમ કહેવાય છે, તેવું જ ''ચકલીઓ બધે જ ચીં ચીં કરે જ !'' 'એમ પણ કહી શકાય. યુરોપિયન જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં બધે જ ચકલી પણ ગઈ. અમુક જ પ્રદેશ જેમ કે સાઈબેરિયા, ચીન, ઈન્ડો ચીન, ઓસ્ટ્રેલિયાનો અમુક ભાગ, અને દક્ષિણ અમેરિકાના અમુક ભાગમાં ચકલી નથી. બાકી બધી જ જમીન પર ચકલી છે.'

ગુજરાતી ભાષામાં બીજા પક્ષીઓની સરખામણીમાં ચકલી માટે વિશેષ લખાયું છે. કવિ રમેશ પારેખ કહે છે કે ''તારો વૈભવ રંગમોલ ને તારે ચાકર ધાડું, મારે ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.'' વર્ષો પહેલાં સાંભળેલ એક બાળગીતમાં ચકલીથી સઘળું ઝળહળ થતું હોવાની વાત કરવામાં આવી છે. કવિ કહે છે કે ''સવાર આખી પાંખે પકડી

ચકલી ચીં ચીં ગાય

ઝાડે ઝાડે સૂરજ બેસે

ઝળહળ ઝળહળ થાય

ચકલી ચીં ચીં ચીં ચીં ગાય

ચકલી ચક ચક કરતી જાય...'' તો વળી કવિ ચંદ્રકાંત શેઠ વિશાળે જગવિસ્તારેની ઉમાશંકરી જીવદયાને આ રીતે વિસ્તારે છે. ''ચકલી તે ચાંચ મહીં લાવી તણખલું, નીડ એને બાંધવા દઈશ

કાગડોય લાવ્યો છે પૂરીનું બટકું,

નિરાંતે ખાવા હું દઈશ.''

પહેલા ફળિયામાં ચકલી અને અન્ય પક્ષીઓ માટે ચણ નાખવાની અલાયદી વ્યવસ્થા રહેતી. રામ ચકલી આવે, શ્યામ ચકલી આવે, ચકો આવે, હોલા, કબૂતરા ને કાબરબાઈ પણ આવે. ફળિયામાં સવાર સવારમાં પક્ષીઓની સભા ભરાય અને જે ચકા- ચક અવાજ આવે તે દ્રશ્ય હવે દોહ્યલું બની ગયું છે. ગામમાં ગાય માટે ગૌચર અને પક્ષીઓના ચણ માટે વિશેષ વ્યવસ્થા રહેતી. ઉત્તર ગુજરાતમાં એક લોકગીત ગવાય છે કે ''ચકલી તારા ચણમાં મેં ઝેંઝવો વાયો.'' આ ગીત એ ચકલીની માફી માંગતુ ક્ષમા ગીત છે. વસુધૈવ કટુમ્બકમની ઉદ્દાત ભાવનાને વરેલું આ ગીત પક્ષીઓ પ્રત્યેની ભાવસભર ભારતીય દ્રષ્ટિએ પ્રસ્તુત કરે છે.

આપણે ચિંતા કરીએ છીએ કે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. હવે ચકલી જોવા કેમ મળતી નથી. મોબાઈલ ટાવરના રેડિયેશનને કારણે ચકલીઓની સંખ્યા ઓછી થઈ છે તે તારણ દિલ કો બહેલાને કે લિયે એ અચ્છા ખયાલ હૈ. હકીકતમાં તો ચકલીને આપણે સૌએ જાતે જ દેશવટો આપ્યો છે. બસ્સોવારના ૨ - બીએચકે ફલેટમાં ચકલીનું ચણ અને માળા માટેનો મોભારો ખોવાયો છે. ચબૂતરા તો બધા મ્યુઝીયમમાં મુકાઈ ગયા છે. સિમેન્ટ, કોંક્રિટના જંગલમાં ચકલીઓનું અસ્તિત્વ ક્યાંક ચણાઈ ગયું છે. મોડર્ન આર્કિટેક્ચર ડીઝાઈનમાંથી ચકલી ગાયબ છે. ઈન્ટરિયર ડીઝાઈનરની મોડર્ન ડીઝાઈનમાં એ ક્યાંક ગોટે ચઢી છે. છેલ્લે દાદાજીના ફોટા પાછળ માળો બાંધતી ચકલી હવે માળો ક્યાં બાંધે ? દાદાજીના ફોટાની સાઈઝ નાની થઈ ગઈ છે અને દાદાજી શો- કેસમાં બેઠા બેઠા બોખું હસે છે. બાય ધ વે પર્યાવરણ પ્રેમના શોરબકોરની વચ્ચે વિશ્વ ચકલી દિવસ ધામધૂમથી ઉજવાય છે. પણ હજુ સુધી ચકલીને એની ખબર નથી કે મારા માટેનો કોઈ વિશેષ દિવસ છે !! છેલ્લે નયન દેસાઈના એક ચકલી કાવ્યથી કવિતાના આભમાં ઉડ્ડયન કરીએ..

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીંથી અળગા થવાય છે ? ના... રે... ના

બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો

ચકલીની માફક નવાય છે ? ના... રે.ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને

વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.

પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે ?

એવું કંઈ કોઈને પૂછાય છે ? ના... રે... ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી

શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,

ચકલીને ભાગી શકાય છે ? ના... રે... ના

ખાલ્લીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના... રે... ના

અંતે,

હું એવી વ્યક્તિની શોધમાં છું, કે જે હું કરી શકું તેમ હોય તેવું બધું જ મારી પાસે કરાવે... આ વ્યક્તિને હું મારો શિક્ષક કહીશ. 

- ઈમર્સન

Gujarat