અકાળે મૂરઝાતું બાળધન .

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- અમેરિકામાં બાળમજૂરોનું શોષણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. કાયદાની ઐસી તૈસી કરીને કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે અને મહેનતાણું ઘટાડી દેવામાં આવ્યું છે
અ મેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે ગયા પખવાડિયે એક ચોંકાવનારો અહેવાલ પ્રગટ કર્યો હતો. એનો સાર ફક્ત એટલો કે આખી દુનિયા માટે જગત જમાદાર બની ગયેલા અને સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકામાં કડક કાયદો હોવા છતાં આજે પણ કૂમળાં બાળકો મજૂરી કરે છે. ચાઇલ્ડ લેબર તરીકે ઓળખાતાં પાંચ છ વર્ષથી તેર ચૌદ વર્ષનાં બાળકોનું રીતસર બેફામ શોષણ થાય છે. એશિયાના ગરીબ અને વિકાસશીલ દેશોને માનવ અધિકાર અને બાળકોના ઊછેર બાબત શિખામણ આપતું અમેરિકા પોતાની ધરતી પર બાળકોનાં શોષણને અટકાવી શક્યું નથી.
બાળ મજૂરોનો પ્રશ્ન જો કે દુનિયાના બધા દેશોમા વધતો ઓછો છે. ભારતમાં તો આપણે બાળ મજૂરોથી ટેવાઇ ગયા છીએ. 'એ છોકરા ચાર અર્ધી લાવજે' એવી બૂમ પાડીને ચા વાળા છોકરાને આપણે સાવ સ્વાભાવિક રીતે ખખડાવીએ છીએ. આપણને એમાં કશી નવાઇ લાગતી નથી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ વગેરે દેશોમાં બાળ મજૂરોને જોઇને કોઇ કહેતાં કોઇને ન આઘાત લાગે છે, ન તો નવાઇ લાગે છે.
પરંતુ અમેરિકામાં બાળ મજૂરો છે એ જાણીને આપણને થોડોક આઘાત લાગે ખરો. આજે તો આ દૂષણ ઓછું છે પરંતુ ગઇ સદીમાં અમેરિકામાં પણ બાળ મજૂરો પર અસહ્ય અત્યાચારો થતા. ખાસ કરીને ગરીબ વિસ્તારોનાં બાળકો સ્કૂલમાં ભણવા જવાને બદલે માતાપિતાને મદદ કરતા.
આ સમસ્યા અંગે બહુ હો હા થઇ ત્યારે ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પહેલીવાર બાળ મજૂરીને ગેરકાયદે જાહેર કરવાનું નક્કી થયું. ફ્રેન્કલીન રૂઝવેલ્ટ ત્યારે અમેરિકાના પ્રમુખ હતા. રૂઝવેલ્ટે ૧૯૩૮માં ફેર લેબર સ્ટાન્ડર્ડઝ્ એક્ટ (એફએલએસએ) ઘડાવ્યો. કાયદો ઘડીને નેતાઓએ સંતોષ અનુભવ્યો. આ વાતને આજે લગભગ પંચ્યાંસી નેવું વર્ષ થવા આવ્યા પરંતુ ખુદ અમેરિકામાં બાળ મજૂરોની સમસ્યા પૂરેપૂરી હલ થઇ નથી.
એનું એક કારણ યુનિસેફ સંસ્થા એવું આપે છે કે અમેરિકામાં પણ કેટલાક વિસ્તારોમાં ગરીબો વસે છે અને ગરીબી બાળ મજૂરીનું એેકમાત્ર મોટું કારણ છે. માતાપિતાને મદદ કરવા બાળકો નાનાંમોટાં કામ કરે છે.
વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ આજે પણ અમેરિકામાં બાળ મજૂરોનું શોષણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. કાયદાની ઐસી તૈસી કરીને કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે અને મહેનતાણું ઘટાડી દેવામાં આવ્યું છે. કોરોના કાળ પછી તો બાળ મજૂરોની સમસ્યા વધુ ગંભીર થઇ છે કારણ કે એક તરફ બાળ મજૂરો પૂરતાં મળતાં નથી અને બીજી બાજુ અગાઉ કહ્યું એમ કામના કલાકો વધારી દઇને મહેનતાણું ઘટાડી દેવામાં આવ્યું છે.
યુનો અને યુનિસેફ સંસ્થા સારું કામ કરે છે પરંતુ અમેરિકા નારાજ થાય એવા અહેવાલો મોટે ભાગે રજૂ કરતાં નથી.
બાળ મજૂરોની જ વાત લ્યો. આ મુ્દ્દે વિગતો જાહેર કરતાં યુનિસેફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સૌથી વધુ બાળ મજૂરો- ૫૮ લાખ ભારતમાં છે બીજા ક્રમે પાકિસ્તાન (૫૦ લાખ), ત્રીજા ક્રમે બાંગ્લા દેશ (૩૪ લાખ) અને ચોથા ક્રમે નેપાળ (૨૦ લાખ) આવે છે.
યુનિસેફના આ અહેવાલમાં એેવો પણ દાવો કરાયો છે કે બાળ મજૂરોની પ્રથા દુનિયા પર ત્રણસો વરસ રાજ કરનારા બ્રિટિશ સામ્રાજ્યથી શરૂ થયો. ગુલામ પ્રથા પણ બ્રિટનની દેન છે. આ અહેવાલ દેખીતી રીતે જ પક્ષપાતથી ભરેલો છે. અમેરિકામાં બાળ મજૂરી અટકાવવા છેક ૧૯૩૮માં કાયદો ઘડાયો તો પણ હજુ બાળ મજૂરોની પ્રથા કેમ ટકી રહી છે એનો જવાબ આ અહેવાલમાં આપવાને બદલે ભારત, પાકિસ્તાન જેવા દેશોના આંકડા આપવા અને બ્રિટનને જવાબદાર ગણાવી દેવું એ અહેવાલ વાસ્તવિક નથી. આ તો અન્યોની આંખમાં ધૂળ નાખવા જેવો વ્યાયામ છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ જે ગરીબ વિસ્તારો છે ત્યાં મોટે ભાગે બિનગોરી વસતિ છે. એમના વિકાસનાં કાર્યો સમયસર અને પૂરતાં પ્રમાણમાં થતાં નથી પરિણામે આ બિનગોરા લોકોને ઓછા પગારે વધુ કામ કરવાની ફરજ પડે છે. ભારત જેવા એશિયાઇ દેશોને માનવ અધિકાર અને બાળકોના અધિકારો વિશે ઉપદેશ આપતું અમેરિકા પોતાનો ચહેરો આયનામાં જોતું નથી એ કેવી વરવી વાસ્તવિકતા કહેવાય !
વોશિંગ્ટન પોસ્ટે સરસ વાત કરી છે કે બાળ મજૂરીની પ્રથા થોડી ઘટી છે એનું કારણ સરકારી પગલાં નથી પરંતુ જે તે ઉદ્યોગોમાં લેટેસ્ટ મશીન કામ કરતાં થયાં એ છે. મોટા ભાગના ઉદ્યોગોને મશીન સસ્તાં પડે છે. નિયમિત સર્વિંસિંગ અને થોડી સાવધાનીથી મશીન વધુ કામ કરે છે, હડતાળ પાડતાં નથી અને પગાર વધારો માગતાં નથી. એટલે જ્યાં શક્ય હોય ત્યાં ઉદ્યોગો હવે મશીન પસંદ કરે છે અને મજૂરોને છૂટા કરી દે છે. અત્યારે તો જો કે અમેરિકામાં પણ ભયંકર મંદી છે અને ફુગાવો પણ પરીકથાની રાજકુમારીની જેમ વધી રહ્યો છે. જગવિખ્યાત કંપનીઓ છટણી કરી રહી છે એટલે ટૂંક સમયમાં અમેરિકામાં પણ બેકારી અને ભૂખમરો વધે એવા સમાચાર આવે તો નવાઇ પામવા જેવું નથી.

