હોલીવૂડને છેતરનારો કલાત્મક કીમિયાગર

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- એણે પોલીસને માત્ર એટલું જ કહ્યું કે હું હોલિવૂડ સામે બદલો લઇ રહ્યો છું.
એ ક કાલ્પનિક દ્રશ્ય-મનોરંજન ઉદ્યોગની માતૃભૂમિ સમા મહાનગર મુંબઇમાં સંઘર્ષ કરી રહેલા એક યુવાનને અચાનક એક ફોન આવે છે. હલ્લો મિસ્ટર રાજેશ, હું યશરાજ ફિલ્મ્સમાંથી વાત કરું છું. અમારી આગામી ફિલ્મમાં તમને એક રોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનાં લોકેશન્સ શોધવા અને ડાયરેક્ટર સાથે મિટીંગ્સ યોજીને ઓડિશન આપવા તમે આવતા અઠવાડિયે શ્રીનગર પહોંચવાની તૈયારી કરો. એરપોર્ટ પર અમારી ટેક્સી તમને પિકપ કરી લેશે. ટેક્સી ડ્રાઇવર સાઉથ ઇન્ડિયન હોવાથી ભાંગીતૂટી હિન્દી બોલે તો ચલાવી લેજો. એકાદ અઠવાડિયું રોકાવાની તૈયારી રાખજો. હાલ કોઇને કશું જણાવતા નહી. તમે તો જાણો છો ને, ઇન્ડસ્ટ્રીમાં કેવા કાવાદાવા થાય છે... તમને જે ખર્ચ થાય એ તમારા મહેનતાણાંમાં સરભર કરી આપવામાં આવશે... થેંક્સ.
આવો જ એક ઇ મેઇલ સંદેશો અન્ય એક સંઘર્ષશીલ યુવતી ગીતાને આવે છે. એને નૈનિતાલ પહોંચવાની તાકીદ કરવામાં આવે છે. રાજેશ નામનો યુવાન અને ગીતા બંને પોતપોતાની રીતે જણાવેલા સ્થળે પહોંચે છે. એમને લેવા ટેક્સી આવી છે. જુદા જુદા સ્થળે ટેક્સીમાં ફરે છે. પોતે સાવ કડકા નથી એવું દાખવવા આ લોકો સારી હોટલમાં ઊતર્યા છે. સતત રઝળપાટ કરે છે. ડાયરેક્ટર કે પ્રોડયુસર સાથે મિટીંગ થતી નથી. એ વિશે ટેક્સી ડ્રાઇવરને પૂછવાનો અર્થ નથી. એ તો કહે છે કે હું આમાં કશું જાણતો નથી. મને તમારો ફોટોગ્રાફ આપીને તમને પિકપ કરવાની વર્ધી હતી. બહુ તો તમને સાઇટ સીઇંગ કરાવવાનું મને જણાવવામાં આવેલું. બંને સંઘર્ષશીલ કલાકારો ગાંઠના પૈસે એકાદ સપ્તાહ રહે છે. પછી કંટાળીને મુંબઇ પાછાં ફરે છે. હોટલનું બિલ અને ટેક્સીભાડું માથે પડે છે.....
છે ને ઇન્ટરેસ્ટિંગ સિનારિયો. લેખના આરંભે એક કાલ્પનિક દ્રશ્ય એમ લખ્યું છે. પરંતુ આ વાત કાલ્પનિક નથી. દુનિયા આખીને આકર્ષતા હોલિવૂડના મનોરંજન ઉદ્યોગમાં બનેલી આ સત્ય ઘટના છે. અમેરિકાના લોસ એંજલ્સ શહેરમાં વસતા સંખ્યાબંધ સંઘર્ષશીલ યુવક-યુવતીઓને આવા ફોન અને ઇ મેઇલ આવતા. એમને એવી સૂચના આપવામાં આવતી કે તમે ઇન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં પહોંચો. કેટલાય યુવક યુવતીઓ હોલિવૂડમાં ટોચના કલાકાર બનવાના સપનાં સેવતા જાકાર્તાનો ધક્કો ખાઇ આવ્યાં. હજારો ડોલર્સ ખર્ચી આવ્યા. આવા યુવક યુવતીઓમાં અભિનય માટે સંઘર્ષ કરતા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર બનવાનાં સપનાં સેવતા, કેમેરામેન તરીકે તક મેળવવા ઝઝૂમતા હોય એવી પ્રતિભાઓનો સમાવેશ થયો હતો.
ફોન કરનાર વ્યક્તિ હોલિવૂડની મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, પબ્લિક રિલેશન્સ ઓફિસર કે એડવર્ટાઇઝર્સના કંઠમાં બોલતી. છટાદાર અંગ્રેજીમાં વાત કરતી. છેતરાયેલી દરેક પ્રતિભા મૂગી રહેતી. કોઇ દોસ્ત કે પરિચિતને વાત કરવાથી પોતે મશ્કરીનું નિમિત્ત બની જશે એવો ડર તેમને રહેતો. પરિણામે છેતરપીંડી કરનાર ગઠિયો પોતાનું કૌભાંડ ચલાવ્યે રાખતો. સૌથી આઘાતજનક વાત એ છે કે આ છેતરપીંડી કરનાર એક ભારતીય માણસ હતો. એનું નામ હરગોવિંદ પંજાબી તાહિલરામાણી. એ ઇન્ડોનેશિયામાં રહેતો હતો. એ ધંધાદારી મિમિક્રી કલાકાર નહોતો. પરંતુ પોતાના કંઠનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવાની એનામાં જન્મજાત પ્રતિભા હતી. એના જોરે એ હોલિવૂડના ફિલ્મ ઉદ્યોગની ટોચની મહિલા એક્ઝિક્યુટીવ્સ એમી પાસ્કલ, કેથલીન કેનેડી, દેબોરાહ સ્નાઇડર કે વેન્ડી ડેંગ મર્ડોક વગેરે જેવો અવાજ કાઢીને ફોન કરતો. આ બધાં નામ જ એવાં છે કે સંઘર્ષશીલ કલાકાર તપાસ કરતા નહોતા કે ફોન કરનાર વ્યક્તિ ખરેખર એમી પાસ્કલ કે કેથલીન કેનેડી જ છે કે કોઇ ગઠિયો છે. ક્યારેક હરગોવિંદ નવોદિત કલાકારને ફોન પર ઓડિશન આપવાનું કહેતો તો ક્યારેક ફોન પર એકાદ સેક્સી સીન ભજવવાનું કહેતો. આ રીતે હરગોવિંદે અમેરિકા, ઇંગ્લેંડ અને ચીનના નવોદિત કલાકારો સાથે છેતરપીંડી કરેલી.
જો કે આવા રીઢા ગુનેગાર પણ ક્યારેક પકડાઇ જાય છે. ૨૦૨૦ના ડિસેંબરની ત્રીજીએ અમેરિકાની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) એ જાહેર કર્યું કે સેંકડો નવોદિત કલાકારો સાથે ઠંડે કલેજે ક્રૂર છેતરપીંડી કરનારો ઇમ્પોસ્ટર પકડાઇ ગયો છે. પૂછપરછ દરમિયાન એણે પોલીસને માત્ર એટલું જ કહ્યું કે હું હોલિવૂડ સામે બદલો લઇ રહ્યો છું. આથી વધુ કંઇ કહેવા એ તૈયાર નહોતો. એને બોલતો કરવા પોલીસે સામ-દામ-દંડ-ભેદ બધું અજમાવી જોયું. મનોચિકિત્સકોએ એને હિપ્નોટાઇઝ કરીને માહિતી મેળવવાનો પણ પ્રયાસ કરી જોયો પરંતુ એમાં પણ સફળતા મળી નહીં. મનોચિકિત્સકો માને છે કે ગોવિંદને હોલિવૂડમાં કારકિર્દી બનાવવી હશે પરંતુ એમાં સફળતા ન મળતાં એ ગુનેગાર બની ગયો.
જો કે પોલીસને એક નક્કર સાક્ષી મળ્યો ખરો. હોલિવૂડના હાલના સફળ સ્ક્રીનપ્લે રાઇટર (પટકથા લેખક) ગ્રેગરી મેંડરાનાએ પોલીસને કહ્યું કે હું ગોવિંદને પાંચ સાત વાર રૂબરૂમાં મળ્યો છું. એણે મારી સાથે પણ ઘણી છેતરપીંડી કરી હતી. ગ્રેગરીએ પોલીસને એક ફોટોગ્રાફ પણ આપ્યો જેમાં ગોવિંદ સાથે ગ્રેગરી દેખાતો હતો. આ ફોટોએ ગોવિંદને ઓળખવામાં પોલીસને ઘણી મદદ મળી. ગ્રેગરી સિવાય ગોવિંદની કારીગરીનો ભોગ બનેલો કોઇ કલાકાર સાક્ષી તરીકે આગળ આવ્યો નહીં. એની પાછળ જે કારણ હોય તે, પણ પોલીસનો કેસ થોડો નબળો બની ગયો. મેંડરાનાની જુબાની પરથી ચીનમાં શેડોઝ બિલો નામે ગોવિંદ વિશે એક ફિલ્મ પણ બની. એ જ રીતે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની. ગોવિંદ મોટે ભાગે મહિલા એક્ઝિક્યુટીવ્સના કંઠમાં ફોન કરતો એટલે વિદેશી મિડિયાએ એને કોન ક્વીન (છેતરપીંડીની સામ્રાજ્ઞાી) તરીકે ચીતર્યો. ૨૦૨૦ના નવેંબરમાં જગવિખ્યાત પ્રકાશક હાર્પર કોલીન્સે ગોવિંદના કારનામાં વિશે એક ક્રાઇમ થ્રીલર ટાઇપનું પુસ્તક પ્રગટ કરવાની જાહેરાત કરી. 'હોલિવૂડ રિપોર્ટરના ભૂતપૂર્વ પત્રકાર સ્કોટ જ્હોન્સને એ પુસ્તક લખ્યું. એનું નામ ધ કોન ક્વીન ઓફ હોલિવૂડ. છેલ્લે છેલ્લે એપલ ટીવીએ ગોવિંદ તાહિલરામાણી વિષે એક સરસ ટીવી સિરિયલ બનાવી જે હિટ નીવડી.

