For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ 'સુખ' ખરેખર છે શું? .

Updated: Apr 2nd, 2024

Article Content Image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- તમને જે મળ્યું છે એનાથી રાજી રહો. પરમાત્માને થેંક્સ કહો.

જ ગવિખ્યાત મોટરકાર કંપની ફોર્ડના સ્થાપક હેનરી ફોર્ડ જીવનસંધ્યા માણી રહ્યા હતા ત્યારની વાત છે. એક વરિષ્ઠ પત્રકાર તેમની મુલાકાત લેવા આવ્યો. ઔપચારિક વાતો પતી ગયા પછી પત્રકારે સવાલોની રમઝટ શરૂ કરી. થોડીવારે આ પત્રકારે પૂછયું, સર, આપે માત્ર પાંચ ડોલરની મૂડીથી આ સાહસ શરૂ કરેલું. આજે આપની પાસે દસ મિલિયન ડોલર જેટલી સંપત્તિ છે. આપને નથી લાગતું કે આપ વિશ્વના સૌથી સુખી માનવી છો ?

શું ખાક સુખી માનવી ? મહાશય, મારે તો એકસો મિલિયન ડોલર કમાવવા હતા, હેનરી ફોર્ડે જવાબ આપ્યો. પેલો પત્રકાર ડઘાઇ ગયો. સોંઘવારીના એ જમાનામાં દસ મિલિયન ડોલર પણ લખલૂટ સંપત્તિ ગણાતી. આ ઘટના ઓશો રજનીશ કહેતા. પછી સમજાવતા- સુખની દરેક વ્યક્તિની વ્યાખ્યા જુદી હોય છે. કરોડો રૂપિયાનો માલિક હોય એ સુખી જ હોય એ જરૂરી નથી. રોજ પરસેવાની બે રોટલી ખાનારો પરિશ્રમી સુખી હોઇ શકે. વૈશાખ માસના ધોમ તડકામાં ખરે બપોરે ચાલીને આવેલા પરસેવે રેબઝેબ માણસને તમે માટલાના ટાઢા પાણીનો એક ગ્લાસ આપો તો એના ચહેરા પર જે હા...શ પ્રગટે એ સુખ છે. પરંતુ એજ માણસને એમ કહેવામાં આવે કે આ પાણી ભરેલું આખું માટલું તારે પી જવાનું છે તો એનું સુખ બીજી પળે દુઃખમાં પલટાઇ જઇ શકે. એટલે જ સૂફી સંતો સુખને ક્ષણિક કહે છે. સુખને મૃગજળ સાથે સરખાવે છે.

સવાસો દોઢસો વરસ પહેલાં જૂની રંગભૂમિના એક નાટકમાં સરસ ગીત આવતું. એના શબ્દો હતા- ઘડી બે ઘડી સુખની છાયા, દુઃખ સનાતન છે, પળે પળે પલટાતું આજે માનવ જીવન છે... ગુજરાતી ગાયક-ગીતકાર શ્યામલ મુનશીએ આ વિચારને આધુનિક રીતે રજૂ કર્યો છે- સુખનું સરનામું આપો, જીવનના કોઇ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો... સુખ ન જોઇતું હોય એવી વ્યક્તિ આ દુનિયામાં મળવી મુશ્કેલ છે. ખરી સમસ્યા એ છે કે સુખ કોને કહેવું ? સુખની સાચી વ્યાખ્યા કેવી રીતે કરવી ? એ વ્યાખ્યા કોણ કરી શકે ? સુખ માગ્યું મળતું નથી. યૂરોપિયન સાહિત્યમાં રાજા મિડાસની સૂચક વાર્તા આવે છે. ભગવાને એને માગવાનું કહ્યું ત્યારે એણે માગ્યું કે હું જેને સ્પર્શુ એ સોનું થઇ જાય... વરદાન દેનારા દેવ જરૂર મલક્યા હશે. એમણે મિડાસને વારવાનો પ્રયાસ કરી જોયો પણ મિડાસ માન્યો નહીં. કહે છે ને, વાર્યા ન વળે એ હાર્યા વળે. ખુદ મિડાસની થાળીમાં પીરસાયેલું ભોજન સોનાના ટુકડા બની ગયું. ભૂખ્યાડાંસ મિડાસના ખોળે બેસીને ભોજન કરવાની ઇચ્છાથી એના ખોળામાં બેસી ગયેલી એની વહાલસોયી પુત્રી સોનાની પ્રતિમા બની ગઇ ત્યારે મિડાસને ભાન આવ્યું કે મેં ઇચ્છેલું સુખ આ નહીં. 

જન્મે રૂઢિચુસ્ત જૈન, કર્મે ન્યૂરોફિઝિશિયન (અર્થાત્ મગજના રોગોના નિષ્ણાત) અને ચિત્તવૃ્ત્તિથી અધ્યાત્મના સમર્પિત ઉપાસક ડોક્ટર સુધીર શાહે હજારો વરસના પ્રાચીન ઉપનિષદોમાં એકનો ઉમેરો કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં આમ તો ૧૦૮ ઉપનિષદો છે. કેટલાક વિદ્વાનોના મતે બસો ઉપનિષદ છે. ગુરુના ચરણમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરો એ ઉપનિષદ. થોડાંક વરસ પહેલાં વ્યવસાયે ઔર એક ડોક્ટરે અજોડ સૂરબહાર અને સિતારવાદક અન્નપૂર્ણાદેવી વિશેના પુસ્તકને સુરોપનિષદ નામ આપેલું. હવે સુખોપનિષદ આવ્યું. 

સુખોપનિષદમાં નાના નાના લેખો સરળ ભાષામાં લખાયેલા છે. વાંચકને જરાય ભાર રૂપ ન લાગે એ રીતે સુખ શબ્દને સમજાવવાનો પુરુષાર્થ કર્યો છે. આ લખાણોમાં પાંડિત્યનો કે ઉપદેશનો ભાર નથી. કોઇ સહૃદય દોસ્ત તમારી સાથે વાત કરતો હોય એવી શૈલીમાં દરેક મુદ્દાની છણાવટ કરી છે. વાક્યે વાક્યે દ્રષ્ટાંત, કોઇ કાવ્ય પંક્તિ, ભગવદ્ ગીતાનો કોઇ શ્લોક કે કોઇ યાદગાર શેર-શાયરી વાચકને જકડી રાખે છે. સુખી થવાની વૈજ્ઞાનિક ચાવી પણ ચીંધી છે. સુખ અને સંતોષ વચ્ચેની અત્યંત પાતળી (વેફરથીન) ભેદરેખા આંકી છે. એમના લખાણમાં જગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયર પણ આવે, ફિલસૂફ રુમી પણ આવે, ગુરુ ગ્રંથસાહેબનો કોઇ શબદ પણ આવે અને માનવ મગજમાં સુખની અનુભૂતિ કયા સ્થાને થાય એનું તબીબી પૃથક્કરણ પણ આવે. આજના માનવીને ખૂબ ઓછી મહેનતે વધુ વળતર અને વધુ સુખ જોઇએ છે ત્યારે સુખોપનિષદમાં કેટલાક સનાતન સત્યો પણ સમાવી લેવાયાં છે. દાખલા તરીકે તમને જે મળ્યું છે એનાથી રાજી રહો. પરમાત્માને થેંક્સ કહો.

ઓશો પણ કહેતા કે પ્રાર્થના એટલે ભીખ નહીં, પ્રાર્થના એટલે થેંક્સ. મને મારી યોગ્યતા કરતાં ઘણું વધારે મળ્યું છે. એ માટે તમારો આભાર એમ કહીએ એ સાચી પ્રાર્થના. 

Gujarat