શામલિ ગુપ્તા કોણ હતી? .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- રિષભ રાહ જોતો રહ્યો કે સવિતા ક્યારે આવે ? અને ક્યારે હું એના ચહેરાના હાવભાવ જોઇને સમજી જાઉં કે એણે મારો પત્ર વાંચ્યો છે કે નહીં?
રિ ષભ દેસાઈને એકલતાનો પ્રોબ્લેમ હતો. આજે ૩૮ વરસની ઉંમરે તેમની પાસે બંગલો કાર, નોકર અને ફેક્ટરી વગેરે બધું જ હતું, બસ, પોતાનું અંગત કહી શકાય એવું કોઈ નહોતું.
હા, પોતે વીસનગરની કોલેજમાં હતા ત્યારે એક સવિતા નામની છોકરી હતી. એ રિષભને બહુ ગમતી. પણ એ વખતે પોતે એટલો શરમાળ કે ખુદ પોતાના દોસ્તો આગળ પણ કહી નહોતો શક્તો કે પેલી સવિતા મને ગમે છે.
હવે જ્યાં દોસ્તોને જ ન કહી શકે તેણે સવિતાને તો કહેવાની હિંમત જ શી રીતે કરી હોય ? છેક ફર્સ્ટ યરથી રિષભ કોલેજમાં વહેલો પહોંચીને તેના આવવાની વાટ જોતો અને કોલેજ છૂટવાની પંદર મિનિટ પહેલાં જ ક્લાસમાંથી બંક મારીને તે કોલેજના ઝાંપે ઊભો રહી જતો, જેથી તે સાઇકલ પર જતી સવિતાનાં દર્શન કરી શકે.
તે વખતે સવિતાને પણ ક્યાં ખબર હતી કે રિષભ નામનો છોકરો તેને સતત જોયા કરે છે ? કેમ કે સવિતા પણ બહુ શરમાળ હતી. તે કોલેજમાં દાખલ થાય ત્યારે માથું નીચું રાખીને જ સાઈકલ ચલાવતી અને જતી વખતે પણ એની નજર સામે માત્ર સડક જ હોય.
છતાં એક દિવસ રિષભે હિંમત કરી જ નાંખી પુરાં છ પાનાં ભરીને એક પ્રેમપત્ર લખ્યો અને મોટી રીસેસમાં જ્યારે ક્લાસમાં કોઈ હતું નહીં ત્યારે સવિતાની કેરી બેગમાં એ પત્રને એક નોટના પાનાં વચ્ચે છૂપાવી દીધો !
બીજા દિવસે રિષભ રાહ જોતો રહ્યો કે સવિતા ક્યારે આવે ? અને ક્યારે હું એના ચહેરાના હાવભાવ જોઇને સમજી જાઉં કે એણે મારો પત્ર વાંચ્યો છે કે નહીં ?
પરંતુ બીજા દિવસે સવિતા આવી જ નહીં. ઉલ્ટું, કોલેજ છૂટવાના ટાઈમે સવિતાના પિતાજી આવ્યા ! તેણે કોલેજના ઝાંપાની બહાર જ રિષભને બોચીથી ઝાલીને લાકડીએ લાકડીએ ઝૂડી નાંખ્યો ! બીજા દિવસે રિષભને જાણવા મળ્યું કે એના પિતાજીએ સવિતાને કોલેજમાંથી ઉઠાડી મુકી હતી.
એ પછી કદી સવિતા દેખાઈ જ નહીં. કોલેજમાં પણ નહીં અને તે જ્યાં રહેતી હતી તે ઘરમાં પણ નહીં. પાછળથી ખબર પડી કે એ લોકો વીસનગર છોડીને ક્યાં બીજે રહેવા જતા રહ્યા છે.
બસ, એ પછી રિષભના જીવનમાંથી પ્રેમ નામનો રસ જ ઊડી ગયો. તેણે ભણવામાં મન પરોવ્યું. અને ભણી રહ્યા પછી રૂપિયા કમાવામાં કદાચ રૂપિયાની પાછળ દોડી દોડીને તે સવિતાને ભૂલાવી દેવા માંગતો હતો. પરંતુ એ શક્ય નહોતું.
આજે પણ સવિતા વિનાની એકલતા રિષભ દેસાઈને, ૩૮ વરસની ઉંમરે કોરી ખાતી હતી. પરંતુ એક દિવસ કંઇ નવું બન્યું.
રિષભ દેસાઈના ફેસબુક પેજમાં, જ્યાં તે હંમેશાં પોતાની ફેકટરીના પ્રોડક્ટસના અને બિઝનેસને લગતા ફોટા વગેરે મુકતો હતો એમાં એક 'શામલિ ગુપ્તા' નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી !
કોણ હશે આ શામલિ ગુપ્તા ? રિષભ દેસાઈને રસ પડયો. તેમણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. બસ, એ પછી બન્ને વચ્ચે મેસેજોની આપ-લે શરૂ થઇ. શામલિની બધી પસંદ રિષભની પસંદ સાથે મેચ થતી હતી. ગમતાં ગીતો, ગમતાં પુસ્તકો, ગમતી ફિલ્મો... ગમતાં સ્થળો...
ગમતાં સ્થળોની વાત નીકળી તો શામલિ ગુપ્તાએ સજેશન મુક્યું 'આપણે બન્ને એકબીજાને ઉદયપુરમાં મળીએ તો કેવું ?'
શામલિની ઉંમર ૩૪ વર્ષની હતી. તેનાં પણ લગ્ન નહોતાં થયાં તે એક બેન્કમાં ઓફિસર હતી. તેના ફોટા, વિડીયો અને વિડીયો કોલની ઓનલાઈન મુલાકાતોથી રિષભને પોતાનો ખાલીપો દૂર થતો દેખાયો. તેમણે તરત પ્રસ્તાવ સ્વીકારી લીધો.
શામલિએ હસતાં હસતાં વિડીયો કોલમાં ટીખળ કરી હતી. 'આપણે વિઝ્યુઅલી તો એકબીજાને મળતા રહ્યા છીએ પણ હવે એકબીજાની મુલાકાતમાં આપણે ફિઝિકલ થઇશું! હું તો ખુબ જ એકસાઇટેડ છું!' રિષભ દેસાઈ પણ એક્સાઇટેડ હતા!
ઉદયપુરમાં શામલિ ગુપ્તાએ જે હોટલ બુક કરી હતી એ રૂમમાં પહોંચતાંની સાથે જ શામલિ તેને હરખથી ભેટી પડી ! શામલિના બાહુપાશથી રિષભ પણ ઉત્તેજિત થઇ ગયા !
ચુંબનોના વરસાદ પછી જ્યારે શામલિએ પોતાનાં અડધાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં અને રિષભના શર્ટનાં તમામ બટનો ખોલી નાંખવા માટે તે નીચે ઝૂકી તે જ ક્ષણે રિષભ દેસાઈને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો !
શામલિના ટુંકા બોયકટ વાળની નીચે જે ગરદન દેખાતી હતી ત્યાં એક કાળું લાખું હતું ! બિલકુલ એવું જ લાખું, જે સવિતાની ગરદન ઉપર હતું !
રિષભ દેસાઈ હચમચી ગયા ! કોલેજનો બે ચોટલાંવાળો એ ચહેરો... અને આ બોયકટવાળી શામલિનો ચહેરો...બન્નેમાં જે સરખાપણું હતું તે વીજળીના ઝબકારાની માફક સ્પષ્ટ થઇ ગયું ! રિષભ દેસાઈ માંડ માંડ બોલ્યા :
'તું ક્યાંક સવિતા તો નથી ? વીસનગરની ?'
બીજી જ ક્ષણે નીચે ઝુકેલી શામલિનો ચહેરો ઉંચકાયો ! બન્નેની આંખો 'નવેસરથી' મળી ! તે વખતે શામલિની આંખોમાં જે ઝબકારો થયો તેને રિષભ તરત જ ઓળખી ગયા ! પણ એ જ વખતે ધડામ કરતું હોટલની રૂમનું બારણું ખુલ્યું અને બે પડછંદ શખ્સો હાથમાં મોબાઈલ અને દંડા સાથે ધસી આવ્યા !
'અહીં શું ચાલી રહ્યું છે ? આ માસૂમ સ્ત્રીની ઇજ્જત લૂંટાઈ રહી છે ? તમારો વિડીયો ઉતરી ગયો છે ! અને ફોટા પણ પડી ગયા છે ! બોલો, હવે શું વિચાર છે ?'
રિષભ દેસાઈ સ્તબ્ધ હતા ! તે બોલ્યા : 'સવિતા ? તું આ ગેંગમાં ? શી રીતે ? એવું તે શું થયું કે -'
જવાબમાં સવિતાની આંખોમાં બે ક્ષણો પુરતી ભીનાશ તગતગી પરંતુ એ ફક્ત એક જ શબ્દ બોલી... 'હા...'
બસ, એ પછી તોડબાજી શરૂ થઈ. શરૂઆત પચાસ લાખની માગણીથી થઈ. રિષભ દેસાઈ સતત સવિતા તરફ જોતા રહ્યા પણ સવિતાએ એક પળ માટે પણ આંખો મિલાવી નહીં...
આખરે શું હતી સવિતાની સ્ટોરી ? રિષભ દેસાઈને કદી ખબર પડી નહીં...